છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ફાયરીંગની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે લખતરના ઢાંકી ગામે પારિવારિક ઝઘડામાં કુખ્યાત રસૂલ ડફેરે આડેધડ ગોળીઓ ફાયરિંગ કરતા એક બાળકનું મોત નીપજ્યું છે. ઘટનાને લઈને આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આરોપી રસૂલ વિસ્તારનો કુખ્યાત છે અને તે પોલીસ પર ફાયરીંગ સહિતના અનેક ગુનામાં ફરાર છે. તે ગુજસીટોકનો (Gujctoc) પેરોલ જંપ કરીને ભાગતો ફરતો હતો. હાલ પોલીસ તેને અને અન્ય એક આરોપીને શોધી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લખતર (Lakhtar) તાલુકાના ઢાંકી ગામે રહેતા બાબુ નારણ ડુંગરાણી અને કર્ણ રમેશ ડુંગરાણી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હતો. આ મામલે બાબુભાઈ અનેક વખત કરણને ઠપકો આપી ચૂક્યા છે. અવારનવાર આ બંનેના પરિવારો વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી. તેવામાં મંગળવારે (1 ઓકટોબર 2024)ના સાંજે સાત વાગતા કરણ અને બાબુભાઈ વચ્ચે માથાકૂટ થતા ઝઘડો થયો હતો આ દરમિયાન કરણનો મિત્ર અને કુખ્યાત આરોપી રસુલ પણ ત્યાં હાજર હતો.
બાબુભાઈ અને કરણના ઝઘડામાં રસૂલ પણ વચ્ચે પડ્યો. તેણે ઉશ્કેરાઈને તેની પાસે રહેલી બંદૂક કઢીને બાબુભાઈ તરફ ધડાધડ ગોળીઓ ધરબી હતી. તેવામાં એક ગોળીથી બાબુભાઈને પેટમાં ઈજા પહોંચી હતી, જયારે બીજી ગોળી નજીક ઉભેલા 11 વર્ષના કિશોરને છાતીમાં ઘૂસી ગઈ હતી. રસૂલે છોડેલી ગોળી વાગતાની સાથે જ બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો. આ જોઈ કરણ અને રસૂલ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ બાળકને તરતજ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટના બાદ પોલીસ ખાફ્લો ઘટનાસ્થળે, ગામને પોલીસ છાવણીમાં ફેરવાયું
જોકે ફરજ પર હાજર તબીબોએ બાળકને મૃત ઘોષિત કરતા આ આખી ઘટના હત્યામાં પરિણમી હતી. લખતરના ઢાંકી ગામે ફાયરિંગ અને હત્યાના બનાવની જાણ થતાં ઇન્ચાર્જ ડીએસપી વી.બી.જાડેજા, લખતર પોલીસ સ્ટેશનના PI, PSI, LCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે મૃત બાળકના દાદાએ લખતર પોલીસ મથકે રસૂલ નથુ ડફેર અને કરણ રમેશભાઈ ડુંગરાણી સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ બાળકના મોતથી આખા પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ કોઈ અણબનાવ ન બને તે માટે આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
બાળકના દાદાની ફરિયાદ પર લખતર પોલીસે કરણ અને ફાયરીંગ કરનાર કુખ્યાત રસૂલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1), 109, 54, તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1)(1B)A, 27 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે. નોંધવું જોઈએ કે આરોપી રસૂલના નામે અનેક ગુના પહેલા પણ નોંધાયા છે. તે ગુજસીટોકનો પેરોલ જંપ કરીને ફરાર હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી આ પહેલા એક વાર પોલીસ પર પણ ફાયરીંગ કરી ચૂક્યો છે અને એ કેસમાં પણ ફરાર છે. તે ગેડિયા ગેંગનો સક્રિય સભ્ય છે અને ચાલુ વાહને તાડપત્રી કાપીને ચોરીઓ કરવામાં ‘એક્સપર્ટ’ છે.