પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર હત્યાનો સિલસિલો સતત આગળ વધી રહ્યો છે. તાજેતરમાં એક પ્રવાસીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ હવે 14 વર્ષના એક સગીરે ઇશનિંદાનો આરોપ લગાવીને એક 55 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખી છે. છેલ્લા એક અઠવાડિયામાં ઇસ્લામિક મુલ્કની આ બીજી આવી ઘટના સામે આવી છે. સગીરે પ્રોફેટ મોહમ્મદનું અપમાન કર્યાનો આરોપ લગાવીને વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી નાખી છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે. રવિવાર (23 જૂન, 2024)ના રોજ બનેલી આ ઘટના છેલ્લા 4 દિવસમાં આવી બીજી ઘટના છે અને છેલ્લા એક મહિનામાં પાકિસ્તાનમાં આ પ્રકારની ત્રીજી ઘટના છે.
ઇશનિંદાના આરોપસર હત્યાની આ ઘટના પાકિસ્તાનમાં સ્થિત પંજાબ પ્રાંતના ગુજરાતમાં આવેલા કુન્જાહમાં બનવા પામી છે. તે લાહોરથી 170 કિમીના અંતરે આવેલું છે. મૃતકનું નામ નઝીર હુસૈન શાહ છે, તેઓ પણ મુસ્લિમ સમુદાયના જ વ્યક્તિ હતા. જોકે, તેઓ શિયા સમુદાયના છે, જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક છે. શિયા અને અહમદિયા સમુદાય પર ત્યાં સતત અત્યાચાર કરવામાં આવે છે. તે સગીરે પોતાના અબ્બુ અને ચાચાને તે વૃદ્ધ શખ્સ વિરુદ્ધ બોલતા સાંભળ્યા હતા, અહીંથી જ તે ભડકી ઉઠ્યો હતો અને તે વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી નાખી હતી.
આરોપી સગીર ઘરેથી છરો લઈને ગયો અને રવિવારે (23 જૂન) બપોરે તેણે નઝીર હુસૈન શાહની મુલાકાત લીધી. ત્યારે તેણે તાબડતોડ છરાના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા. જેના કારણે નઝીર હુસૈન શાહે ઘટનાસ્થળે જ જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ સગીર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પાકિસ્તાની પોલીસનું કહેવું છે કે, તેની ધરપકડ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેના અબ્બુ અને ચાચા પર પણ FIR નોંધાઈ ચૂકી છે.
ઇશનિંદાના નામે પ્રવાસીની હત્યા
આ જ રીતે તાજેતરમાં ખૈબર પખ્તૂનખાના સ્વાતમાં મુસ્લિમ ટોળાંએ એક પ્રવાસીની હત્યા કરી નાખી હતી. ઇશનિંદાના આરોપસર તે પ્રવાસીને આખા શહેરમાં ઢસડવામાં આવ્યો હતો, ત્યારબાદ સરજાહેરમાં તેને ફાંસી આપી દેવામાં આવી હતી. કુરાનના અપમાનનો આરોપ લગાવીને આ વ્યક્તિ સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. તેના પર કુરાનના કેટલાક સળગેલા પાનાં તેની પાસે મળ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ મસ્જિદોમાંથી ઇશનિંદાનું એલાન કરવામાં આવ્યું હતું, જેના કારણે કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાં પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈ ગયા હતા.
ટોળાંએ પોલીસ સ્ટેશનમાં પથ્થરમારો કર્યો, ગોળીબાર કર્યો અને પોલીસ સ્ટેશનમાં આગ લગાવીને કથિત ઇશનિંદાના આરોપીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને ઢોર માર મારી ફાંસી આપવામાં આવી અને તેના મૃતદેહને સળગાવવામાં આવ્યો. દરમિયાન ટોળાંમાં રહેલા શખ્સો મઝહબી નારા લગાવીને સીટી મારતા પણ સંભળાયા હતા. પાકિસ્તાનમાં તાજેતરમાં જ ખ્રિસ્તીઓ પર પણ હુમલા થયા હતા. ઇસ્લામિક દેશમાં મૉબ લિંચિંગ વિરુદ્ધ કાયદો પણ બનાવવામાં આવેલો છે.