ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં એક મૌલાના પર સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, મૌલાના છેલ્લા 4 મહિનાથી સગીરા પર દુષ્કર્મ આચરી રહ્યો હતો. તે દરમિયાન જ પીડિતાની તબિયત ખરાબ થઈ હતી. પછીથી જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. જે બાદ આરોપી સોનુ હાફિઝે તેને ગર્ભપાતની દવા પણ ખવડાવી હતી. જે બાદ કિશોરીની હાલત વધુ ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત નૌબસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં એક ગરીબ પરિવાર મજૂરીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. તે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોવાથી આસપાસના લોકો પણ તેમને ખાવા માટેની વસ્તુઓ આપતા હતા. તે પરિવારના ઘરની સામે રહેતો સોનુ હાફિઝ એક મસ્જિદમાં મૌલાના છે. આરોપ છે કે, મૌલાના છેલ્લા ઘણા સમયથી ખાવાની વસ્તુઓની લાલચ આપીને 14 વર્ષની સગીરાને તેના ઘરે બોલાવતો હતો. આ દરમિયાન તે પીડિતા સાથે દુષ્કર્મ આચરતો હતો. જ્યારે પીડિતાએ આ મામલે વિરોધ નોંધાવ્યો તો તેણે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
‘સગીરા ગર્ભવતી થતાં આપી દીધી દવા’
આરોપ છે કે, મૌલાના છેલ્લા 4 મહિનાથી પીડિત સગીરા પર દુષ્કર્મ આચરી રહ્યો હતો. તે દરમિયાન સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી. ફરિયાદમાં કહેવાયું છે કે, પ્રેગ્નેન્ટ થયા બાદ સોનુ હાફિઝે તેને ગર્ભપાતની દવા ખવડાવી દીધી હતી. જેના કારણે પીડિતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. પીડિતાની માતાએ જણાવ્યું કે, ઈદના દિવસે તબિયત ખરાબ થવા પર તેમની દીકરી ડરી ગઈ હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આખી ઘટના વિશે કહી દીધું હતું.
પીડિતાની ગંભીર હાલત જોઈને પરિવારે તેને તે વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં મેડિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા ત્રણ માસની ગર્ભવતી છે. જ્યારે પ્રેગનેન્સી વિશે જાણ થઈ તો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. જે બાદ પરિવારે આ અંગે નૌબસ્તા પોલીસ જાણ કરી હતી.
કાનપુરના DCP સાઉથ, રવીન્દ્ર કુમારે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ રેપ, POCSO (પોક્સો) એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની અન્ય કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને એ સાથે જ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બાળકીની સારવાર ચાલી રહી છે. પોલીસ અન્ય કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.