Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતલુણાવાડા પોલીસે પકડ્યું હતું ગોધરા જતું 785 કિલો માંસ, હવે FSL રિપોર્ટમાં...

    લુણાવાડા પોલીસે પકડ્યું હતું ગોધરા જતું 785 કિલો માંસ, હવે FSL રિપોર્ટમાં તે ગૌમાંસ હોવાનો ખુલાસો: હારુન યુસુફની ધરપકડ, આરિફ-શબ્બીર હજુય ફરાર

    મહિસાગર LCBને ગત 2 માર્ચ 2024ના રોજ બાતમી મળી હતી કે અરવલ્લીના મોડાસાથી ગોધરા તરફ જઈ રહેલી મહિન્દ્રા ઝાયલો કારમાં ગૌમાંસની તસ્કરી કરવામાં આવનાર છે. પોલીસે વોચ ગોઠવીને સફળ દરોડો પાડ્યો હતો.

    - Advertisement -

    ગત 2 માર્ચના રોજ મહિસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતેથી 785 કિલો ગૌમાંસ પકડાયું હતું. મોડાસાથી ગોધરા જઈ રહેલી એક ગાડીમાં ગૌમાંસ લઈ જવાય રહ્યું હોવાની બાતમીના આધારે મહિસાગર LCBએ આ શંકાસ્પદ માંસનો જથ્થો પકડ્યો હતો. ત્યારે હવે FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોડાસાથી ગોધરા લઈ જવાય રહેલું 785 કિલો માંસ ગૌમાંસ હતું. આ મામલે પોલીસે હારુન યુસુફ, આરીફ અને શબ્બીર એમ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર મહિસાગર LCBને ગત 2 માર્ચ 2024ના રોજ બાતમી મળી હતી કે અરવલ્લીના મોડાસાથી ગોધરા તરફ જઈ રહેલી મહિન્દ્રા ઝાયલો કારમાં ગૌમાંસની તસ્કરી કરવામાં આવનાર છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પોતાની ટીમને લુણાવાડા બસસ્ટેન્ડ સામે વોચમાં ઉભી રાખી હતી. તેવામાં બાતમીવાળી GJ 09 AG 8385 નંબરની મહિન્દ્રા ઝાયલો કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી.

    ગાડી અટકાવીને તપાસ કરતા LCBને મળેલી બાતમી સાચી સાબિત થઇ હતી, ક્રાઈમ બ્રાંચને ગાડીમાંથી ₹87,500ની કિંમતનું 785 કિલો માંસ ઝડપાયું હતું. આ ગાડી મોડાસાની ચાંદ ટેકરીનો રહેવાસી હારુન યુસુફ મુલ્તાની નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. ઝડપાયેલું માંસ ગાયનું છે કે કેમ તે જાણવા લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેના સેમ્પલ લઈને FSL ખાતે મોકલો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુરુવારે (7 માર્ચ 2024) FSL રિપોર્ટ આવતા તે ગાયનું માંસ હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    આ મામલે પોલીસે હારુન યુસુફ મુલ્તાનીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. બીજી તરફ આ મામલે અન્ય 2 વ્યક્તિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે પોલીસે મોડાસાના કસ્બા મહોલ્લાના રહેવાસી આરીફ ગુલામ બેલીમ અને ગોધરાના રહેવાસી શબ્બીર હયાત વિરુદ્ધ પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી શબ્બીર અને આરીફ ફરાર છે. તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ 429,114, તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ 6(બી), 8(2), 8(4) ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ ઝડપાયેલા ગૌમાંસને પણ જમીનમાં દાટીને તેનો નાશ કરી દેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં