મહારાષ્ટ્રથી (Maharashtra) મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધની હિંસાના (Violence on Bangladeshi Hindu) વિરોધમાં હિંદુ સમાજે શુક્રવારે (16 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર બંધની ઘોષણા કરી હતી. દરમિયાન ઠેક-ઠેકાણે હિંદુ સમાજે અનેક શાંતિપૂર્ણ રેલીનું પણ આયોજન કર્યું હતું. તેવામાં નાસિક ખાતે હિંદુઓએ કાઢેલી રેલી પર કટ્ટરપંથી ટોળાએ પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો. પરિસ્થિતિ એ હદે વણસી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર બંધની ઘોષણા બાદ નાસિકમાં (Nasik) હિંદુ સમાજના લોકો એક રેલી કાઢી રહ્યા હતા. દરમિયાન ભદ્રકાળી વિસ્તારમાં કેટલાક મુસ્લિમ દુકાનદારોએ તેમનો વિરોધ કરીને દુકાનો બંધ નહોતી કરી. ત્યારબાદ બંને સમુદાયો વચ્ચે વિવાદ ઉભો થયો. વિવાદ ચાલી જ રહ્યો હતો કે રેલી પર કેટલાક કટ્ટરપંથીઓએ પથ્થરમારો (Stone pelting) કરી દીધો હતો. થોડી જ વારમાં આખા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતા જ ભદ્રકાળી વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પથ્થરમારો એટલો ભયાવહ હતો કે સુરક્ષાદળોને પણ પરિસ્થિતિ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે.
#WATCH | Maharashtra: Violence broke out in Nashik, earlier today, during the protest march over the Bangladesh issue. pic.twitter.com/oFJSu4WOKw
— ANI (@ANI) August 16, 2024
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારને લઈને નાસિક રોડ, સુભાષ રોડ, દેવલાલી ગામ સ્ટેશન રોડ, ડૉ. બાબા સાહેબ આંબેડકર રોડ, છત્રપતિ શિવાજી ચોક, બીટકો ચોક, મુક્તિધામ સર્કલ, જેલ રોડ, સિન્નર સહિત અનેક વિસ્તારોમાં લોકોએ બાંગ્લાદેશી હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં બંધને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
ઘટનાને લઈને આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સાથે જ અન્ય વિસ્તારોમાં પણ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ અને સુરક્ષા દળો ચોકસાઈ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં સત્તા ઉથલાવ્યા બાદથી જ હિંદુઓ વિરુદ્ધ હિંસા શરૂ થઇ ગઈ હતી. હિંદુઓની હત્યા અને પ્રતાડનાના સેંકડો કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.