Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમINLDના હરિયાણા પ્રદેશ અધ્યક્ષ નફે સિંઘ રાઠીની હત્યા, કારમાં પસાર થતી વખતે...

    INLDના હરિયાણા પ્રદેશ અધ્યક્ષ નફે સિંઘ રાઠીની હત્યા, કારમાં પસાર થતી વખતે હુમલાખોરોએ ગોળી મારી: એક પાર્ટી કાર્યકર્તાનું પણ મોત

    હુમલા બાદ નફે સિંઘ રાઠી અને અન્ય ઇજાગ્રસ્તોને બ્રહ્મશક્તિ સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે કુલ ચાર લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને ઘણું લોહી વહી ચૂક્યું હતું અને મૃત્યુ પામી ચૂક્યા હતા.

    - Advertisement -

    હરિયાણાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોક દળના (INLD) પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંઘ રાઠીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. તેઓ કારમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તાબડતોબ ગોળીઓ વરસાવી હતી. તેમની સાથે એક કાર્યકરનું પણ મોત થઈ ગયું છે.

    આ ઘટના બહાદુરગઢમાં બની. નેતા અને તેમના સાથીઓ SUV કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ આવીને ગોળીબાર કર્યો હતો. રિપોર્ટમાં 40થી 50 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. હુમલામાં રાઠીના ત્રણ પ્રાઇવેટ ગનમેનને પણ ઈજા પહોંચી હતી. 

    જે વિડીયો સામે આવ્યા છે તેમાં ગાળી પર ગોળીનાં નિશાન જોવા મળે છે અને ગાડીના કાચ તૂટેલા જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર, શૂટરો પણ એક કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા હતા. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેમની ઓળખ થઈ શકી નથી. 

    - Advertisement -

    ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. SP અર્પિત જૈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અહીં અમને ગોળી ચાલવાની જાણકારી મળી હતી. અમારી CIA અને STFની ટીમો કાર્યરત છે અને જેઓ આરોપીઓ છે તેમની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.” પછીથી તેમણે નફે સિંઘ રાઠી મૃત્યુ પામ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી. 

    હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વીજે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, “આ ઘટના દુઃખદ છે. મેં તમામ અધિકારીઓ સાથે વાત કરીને ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અમે STFને પણ લગાવી છે અને મને આશા છે કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામ જાણકારીઓ મેળવી રહ્યા છીએ, તપાસ ચાલી રહી છે.”

    હુમલા બાદ નફે સિંઘ રાઠી અને અન્ય ઇજાગ્રસ્તોને બ્રહ્મશક્તિ સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે કુલ ચાર લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને ઘણું લોહી વહી ચૂક્યું હતું અને મૃત્યુ પામી ચૂક્યા હતા. જ્યારે બાકીના 2ની હાલ ICUમાં સારવાર ચાલી રહી છે. તેમને પણ ગોળી વાગી છે.

    નફે સિંઘ રાઠી હરિયાણાના રાજકારણમાં મોટું નામ હતું. તેઓ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ એક વખત લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેઓ અભય સિંહ ચૌટાલાના નજીકના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા. 2019ની ચૂંટણી પહેલાં ઈન્ડિયન લોક દળમાં ભાગ પડ્યા અને ઓમપ્રકાશ ચૌટાલાના પુત્ર અજય ચૌટાલાના નેતૃત્વમાં જજપા બની અને બીજા પુત્ર અભય ચૌટાલાએ INLDને ફરી બેઠી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પ્રદેશની કમાન નફે સિંઘ રાઠીને સોંપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં