31 જુલાઈના રોજ હરિયાણાના નૂંહ ખાતે હિંદુઓની ધાર્મિક યાત્રા પર ઈસ્લામી ટોળાંએ હુમલો કરી દેતાં હિંસા ફેલાઈ હતી. આ મામલે હરિયાણા પોલીસે સેંકડો FIR દાખલ કરીને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી, જે હજુ પણ ચાલી રહી છે. તાજેતરમાં એક એનકાઉન્ટર બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની ઓળખ ઓસામા ઉર્ફે પહેલવાન તરીકે થઇ છે. પોલીસ સાથેની અથડામણમાં આરોપી ઓસામાના જમણા પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી નલ્હડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.
અહેવાલ અનુસાર, નૂંહ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટરને આ આરોપીના ઠેકાણા અંગે જાણકારી મળી હતી. આરોપી ઓસામા બાઈક પર ફિરોઝપુર નમકથી આલી મેવ જઈ રહ્યો હતો. તે જ સમયે પોલીસે ઘેરાબંધી કરી તેની અટકાયત કરવાના પ્રયાસ કર્યા પરંતુ જોખમ અનુભવાતાં ઓસામાએ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે વળતો જવાબી ગોળીબાર શરૂ કર્યો, જેમાં આરોપી ઓસામા ઉર્ફે પહેલવાનને જમણા પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ બાબતે નૂંહ પોલીસે જણાવ્યું હતું કે, હિંસા મામલેના આરોપીને એક ઘર્ષણ બાદ ઝડપી પાડયો હતો. તેને ઈલાજ માટે નલ્હડ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઓસામા પાસેથી પોલીસે 1 દેશી કટ્ટો, 1 ખાલી રાઉન્ડ ઉપરાંત 1 વાહન ઝડપી પાડ્યું હતું. જાણવા મળ્યા અનુસાર, આરોપી ઓસામા નલ્હડ મંદિરની આસપાસ આગચંપીમાં સામેલ હતો અને પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી.
નોંધવું જોઈએ કે નૂંહ હિંસા બાદ આરોપીઓને પકડવા માટે અભિયાન ચલાવી રહેલી હરિયાણા પોલીસે 2 અઠવાડિયામાં આ ત્રીજી વખત એનકાઉન્ટર કર્યું છે. 10 ઓગસ્ટ, 2023ના રોજ પોલીસ અને આરોપીઓ મુનસૈદ અને સૈફુલની પોલીસ સાથે અથડામણ થઇ હતી, જેમાં એકને ગોળી વાગી હતી. ત્યારબાદ 21 ઓગસ્ટે પોલીસે અથડામણ બાદ આમિર નામના એક આરોપીને પકડ્યો હતો.
ઉલ્લેખનીય કે, 31 જુલાઈના રોજ હિંદુઓ દ્વારા આયોજિત ‘વ્રજમંડલ જલાભિષેક યાત્રા’ દરમિયાન હુમલો થતાં હરિયાણાના નૂંહ જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 6 લોકોનાં મોત થયાં હતાં. હિંસા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી તો સરકારે પણ હિંસામાં સામેલ તોફાનીઓના ઘરે બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હતો. બુલડોઝર કાર્યવાહીમાં રોહિંગ્યા ઘૂસણખોરોનાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં તો જે ઘરો અને હોટેલ પરથી હિંદુઓની યાત્રા પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા ત્યાં પણ બુલડોઝર ચલાવીને ઇમારતો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. જોકે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ કાર્યવાહીનું સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.