ગુજરાત ATSની ટીમને એક મોટી સફળતા હાંસલ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે, તાજેતરમાં જ સુરતના ડ્રગ્સ કારખાનાનો પર્દાફાશ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ એક ડ્રગ્સ બનાવતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભીવંડીમાં દરોડા પાડીને એક મોટું ઑપરેશન પાર પાડ્યું છે. આ ઑપરેશન દરમિયાન એક ફ્લેટમાંથી ₹800 કરોડના ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બંને આરોપીઓ સગા ભાઈ હોવાનું કહેવાય રહ્યું છે. જેની ઓળખ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ તરીકે થઈ છે. તાજેતરમાં જ સુરતમાં એક ડ્રગ્સ બનાવતું કારખાનું ઝડપાયું હતું, જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ભીવંડીમાં ચાલી રહેલા આ ડ્રગ્સના ધંધામાં સામેલ લોકોનું તેની સાથે કનેક્શન છે.
ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. ATSની ટીમે પહેલાં આરોપીઓ પર વોચ રાખી હતી અને ત્યારબાદ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ફ્લેટમાં મેકેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની પ્રોસેસ ચાલી રહી હતી. ફ્લેટમાંથી 11 કિલો સેમિ-લિક્વિડ મેકેડ્રોન તથા બેરલોમાં ભરેલું 782 કિગ્રા લિક્વિડ મેકેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજિત કિંમત ₹800 કરોડ હોવાનું સામે આવ્યું છે. આરોપી મોહમ્મદ યુનુસ અને આદિલ પણ ત્યાં જ મળી આવ્યા હતા.
સુરતના કારેલીની ડ્રગ્સ ફેક્ટરી સાથે હતું કનેક્શન
નોંધનીય છે કે, ગુજરાત ATSએ તાજેતરમાં જ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામેથી મેકેડ્રોન ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચીંચબંદર વિસ્તારમાં રહેલા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ પણ સંડોવાયેલા છે. સાથે એ પણ જાણી શકાયું હતું કે, બંને આરોપીઓ મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ફ્લેટમાં ડ્રગ્સ બનાવવાનો ધંધો કરી રહ્યા છે અને તેનું વેચાણ પણ કરી રહ્યા છે.
#WATCH | Ahmedabad: Gujarat ATS arrests two accused involved in making MD drugs in a flat in Maharashtra's Bhiwandi. 792 kg of liquid MD drug worth Rs 800 crore has been seized from the accused. pic.twitter.com/8ZO1Rmzqs4
— ANI (@ANI) August 7, 2024
જે બાદ ગુજરાત ATSની ટીમ દ્વારા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના ભીવંડી ખાતે ચાલી રહેલા ડ્રગ્સના ધંધાના ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જ બંને આરોપીઓને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત MD બનાવવાના ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે જેવા સાધનો પણ મળી આવ્યા હતા. ગુજરાત ATSની ટીમે મોહમ્મદ યુનુસ ઉર્ફે એઝાઝ મોહમ્મદ તાહિર શેખ અને મોહમ્મદ આદિલ મોહમ્મદ તાહિર શેખની ધરપકડ કરી હતી. બંને સગા ભાઈઓ છે અને મૂળ મુંબઈના જ રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. હાલ આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
મોહમ્મદ યુનુસ સ્મગલિંગમાં પણ સામેલ
બંને આરોપીઓની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મોહમ્મદ યુનુસ નામનો આરોપી દુબઈથી ગોલ્ડ તથા ઇલેક્ટ્રોનિક આઇટમ્સની સ્મગલિંગની પ્રવૃત્તિમાં પણ સામેલ હતો. તેને દુબઈ ખાતે એક અજ્ઞાત વ્યક્તિ (ATS દ્વારા નામ ગોપનીય રખાયું છે.) મળ્યો હતો. જેની સાથે મળીને યુનુસ અને આદિલે ડ્રગ્સનો ધંધો કરીને ભારે પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત બંને આરોપીઓએ ભીવંડીમાં ઓછી અવરજવરવાળા વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ડ્રગ્સ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો.
આરોપીઓએ ભીવંડીમાં જ ગેરકાયદેસર મેકેડ્રોન તૈયાર કરવા માટે રો-મટિરિયલ, સાધન-સામગ્રી એકત્રિત કરી હતી અને કેમિકલ પ્રોસેસ ચાલુ કરી હતી. બંને આરોપીઓ સાથે સાદીક નામનો સહયોગી પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સ કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કર્યું હતું તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. તે સિવાય બંને આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.