રવિવારે (8 સપ્ટેમ્બર) રાત્રે સુરતના સૈયદપુરામાં (Saiyedpura) ભગવાન ગણેશની પ્રતિમા પર પથ્થરમારાની (Stone Pelting) ઘટનાના પડઘા હજુ તો શાંત પણ નથી થયા ત્યાં જ હિંદુઓની લાગણી દુભાવતી અન્ય એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, સુરતના આઠવા (Athwa) વિસ્તારમાં આવેલા સોની બજારમાં ગણપતિની મૂર્તિઓ વેચનાર વિક્રેતાની દુકાનમાં ઘૂસી જઈને ભગવાન ગણેશજીની મૂર્તિઓ તોડવામાં આવી છે. આ ઘટનાને પગલે બે મુસ્લિમ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને મહિલાઓએ પોતાના સગીર બાળકોને ઉશ્કેરીને મૂર્તિઓ તોડાવી હતી. આરોપી મહિલાઓની ઓળખ લાઈમા સલીમ શેખ અને રૂબીના ઈરફાન પઠાણ તરીકે થઈ છે.
માહિતી અનુસાર, સુરતના આઠવા વિસ્તારના સોની ફળિયામાં વિશાલ હીરાલાલ ખલાસી ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરે છે. દરમિયાન થોડા દિવસ પહેલાં તેમની દુકાનમાં લાઈમા સલીમ શેખ અને રૂબીના ઈરફાન પઠાણ તેમના જ બે નાના બાળકોને લઈને આવી હતી. બાદમાં દુકાનમાં જ આ બંને મુસ્લિમ મહિલાઓએ પોતાના સગીર બાળકોને ઉશ્કેરીને ભગવાન ગણેશજીની મૂર્તિઓ તોડાવી કાઢી હતી. આ ઘટનાના પગલે દુકાનદારને ₹60,000નું નુકશાન થયું હતું. આ ઉપરાંત હિંદુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે (Surat Police) આ મામલે કાર્યવાહી હાથ ધરીને બંને મહિલાઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, બંને મુસ્લિમ મહિલાઓ ફૂટપાથ બ્રિજ પર રહીને ભીખ માંગી ગુજરાન ચલાવે છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, બંને મુસ્લિમ મહિલાઓની ઉશ્કેરણીથી તેમના 5-6 વર્ષના સગીર બાળકોને અંદાજે 10 જેવી મૂર્તિઓ તોડી પાડી હતી. સૈયદપુરાની ઘટના બાદ પોલીસે હાથોહાથ આ ઘટનાની આરોપી મહિલાઓને પણ ઝડપી પાડી હતી. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં પણ અનેક ગણપતિની મૂર્તિઓ કરાઈ ખંડિત
નોંધવા જેવું છે કે, સુરત સિવાય વડોદરામાં પણ ગણેશજી મૂર્તિઓને તોડી પાડી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ ઘટનાઓ એવી બનવા પામી છે કે, જેમાં ગણેશ પંડાલમાં જઈને ગણપતિની મૂર્તિઓને તોડી પાડવામાં આવી હોય. વડોદરાના રાજમહેલ રોડ અને દાંડિયા વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓ તોડી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડળની મૂર્તિઓને ખંડિત કરવામાં આવતા હિંદુઓમાં રોષ ફેલાયો છે.
આ મંડળોમાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘૂસી જઈને ગણપતિની મૂર્તિઓને તોડી પાડી હતી. પંડાલમાં પ્રવેશ કરતાં અજાણ્યા શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હોવાનું કહેવાય રહ્યું છે. ઉપરાંત મંડળોમાંથી અનેક સામાનની ચોરી થઈ હોવાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.