દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ તેની અસર વર્તાઇ રહી છે. તેવામાં ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા અને તપાસ પણ વધારી દેવામાં આવી છે. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન જ પોલીસને જામનગર પાર્સિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. જેની અંદાજિત કિંમત 1 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પોલીસે જામનગરના ઈસરાક બલોચ, સોહેલ સંઘી અને અસલમની ધરપકડ કરી લીધી છે.
લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યોની વિવિધ સરહદો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેવામાં બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી ₹1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્રણેય આરોપીઓએ ડ્રગ્સનો આ જથ્થો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યો હતો અને તે બાદ તેઓ અજમેર જતાં રહ્યા હતા. અજમેરથી પરત ગુજરાત આવતા હતા તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે ત્રણેય પેડલર પાસેથી કાર સહિત કુલ ₹1.16 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ જામનગરના રહેવાસી
જામનગર પાર્સિંગની કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયા છે, તેમના નામ ઈસરાક બલોચ, સોહેલ સંઘી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ મૂળ જામનગરના રહેવાસી છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સાથે પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું છે કે, જામનગરનો ઈસરાક ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઇન્ડ હતો. જેણે તેના મિત્ર સરફરાજ ઉસ્માન રાઉમાની કાર અજમેર દરગાહ પર જવાનું કહીને લીધી હતી. જે કાર લઈને તે સોહિલ સંઘી સાથે વાપી ગયો હતો. જ્યાંથી તેણે ડ્રગ્સ મેળવીને અલસમને જામનગરથી કપડાં લઈને અમદાવાદ બોલાવી લીધો હતો. જ્યાંથી ત્રણેય કાર લઈને અજમેર દરગાહ ગયા હતા અને ગુજરાત આવતા જ ઝડપાઈ ગયા હતા.
અમીરગઢ પોલીસ સ્ટેશનના PI ધવલ પેટેલે આ મામલે જણાવ્યું છે કે, અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ત્રણ શખ્સો ₹1 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા છે. તેમણે મુંબઈના શખ્સ પાસેથી વાપી બોર્ડર નજીક ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ કારમાં અજમેર ગયા હતા અને પરત ફરતા ચેકપોસ્ટ પર ઝડપાઈ ગયા હતા.