અમદાવાદ શહેરમાં એક પછી એક નબીરાઓ દ્વારા અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ ઇસ્કોન ફ્લાયઓવર પર તથ્ય પટેલ દ્વારા ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ મણિનગરમાં પણ 23 જુલાઈની રાત્રે એકે અકસ્માત સર્જ્યો હતો. બુધવારે મોડી રાત્રે માણેકબાગ નજીક સેટેલાઇટ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. નશામાં ધૂત BMW ચાલકે ગાડી અથડાવતાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. જેની સેટેલાઈટ પોલીસે અટકાયત કરી છે.
અહેવાલો મુજબ, અમદાવાદ શહેરમાં નશામાં ધૂત ચાલકો દ્વારા અકસ્માત ઘટનાઓનો સિલસિલો યથાવત છે. 26 જુલાઈના બુધવારે મોડી રાત્રે નશામાં ધૂત કારચાલકે સેટેલાઇટ વિસ્તારમાં જજીસ બંગલોથી માણેકબાગ વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ પર કાર અથડાવતાં સરકારી મિલકતને નુકસાન પહોચાડયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. BMW ચાલકે દારૂના નશામાં ધૂત હોવાથી અલગ-અલગ જગ્યાએ કાર અથડાવી હતી. કારચાલકનો વિડીયો વાયરલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, જેગુઆર બાદ બીજા નબીરાએ BMW ગાડીથી સર્જ્યો અકસ્માત…#Roadaccident #accident #ahmedabad #bmw #caraccident #Gujarat #ZEE24KALAK #crime #DrunkandDrive pic.twitter.com/SlguOCtBsx
— Zee 24 Kalak (@Zee24Kalak) July 27, 2023
ગાડી અથડાયા બાદ કારચાલક નશામાં ધૂત હોવાથી નીચે બેસી ગયો હતો. એકત્ર થયેલા ટોળાએ પોલીસતંત્રને જાણ કરતા પોલીસે કારચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી હતી.
અગાઉ થયેલી ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટના પણ લોકો ભૂલ્યા નથી.
19 જુલાઈએ મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ખાતે એક ડમ્પર અને મહિન્દ્રા થાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે રસ્તા પર ટોળું એકત્ર થયું હતું. એટલામાં ઓવરસ્પીડમાં આવતી જેગુઆર કારે આ ટોળા પર ગાડી ચાલવી દીધી હતી. જેમાં ઘટનાસ્થળે જ 9 લોકોના મૃત્યુ થય હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પર FIR નોંધાઈ હતી. ગાડીમાં તથ્ય પટેલની સાથે તેના 5 મિત્રો પણ હતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવતા તેમાં પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. અકસ્માત વખતે જેગુઆર ગાડીની સ્પીડ 145 km/hr. હતી. ઉપરાંત તથ્યએ છેલ્લા એક મહિનામાં 30 વખત ટ્રાફિક નિયમો તોડ્યા હતા. સોમવારે તથ્યના રિમાન્ડ પુરા થયા હોવાથી હાલ તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ હવાલે કરાયો છે.
23 જુલાઈના મોડી રાત્રે નશામાં ધૂત ડ્રાઈવરે ગાડી ઉંધી વાળી હતી
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે નશામાં ધૂત કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ સમયે કાર ઝાડ સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. ઘટનાસ્થળે બાંકડા પર બેઠેલા ત્રણ લોકોએ પોતાનો આબાદ બચાવ કર્યો હતો. ગાડીમાં સવાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ ભાગી ગયેલાઓને પોલીસે શોધી કાઢ્યા હતા.
ત્યારબાદ સમાજમાં દાખલો બેસે તે હેતુસર પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ મેથીપાક ચખાડ્યો હતો. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. પોલીસે વધુ તપાસ કરતા ગાડીની અંદરથી બિયરની બોટલો પણ મળી આવી હતી. ગાડીમાં સવાર ચારેય આરોપી ઇસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું.