છેલ્લા કેટલાક સમયથી કટ્ટર ઇસ્લામવાદીઓએ ગુજરાત સમેત સમગ્ર દેશને અશાંત કરી રાખ્યો છે. એવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે કે, જેમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં બેનેલો રામગોપાલ મિશ્રા હત્યાકાંડનો બનાવ તેનો તાજો અને મોટો દાખલો છે. ત્યારે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં મુસ્લિમ ટોળા દ્વારા RSSના સ્વયંસેવકને ઘેરીને હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. વાત માત્ર ગાડીમાં ગરબા વગાડવાની હતી, તેવામાં ટોળાએ પીડિત યુવકને કાંઠલો પકડીને ઝપાઝપી કરી. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે 2 નામજોગ સહિત 30ના ટોળા સામે રાયોટિંગ સહિતના ગુના હેઠળ FIR નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સોમવારના રોજ (14 ઓક્ટોબર 2023) જામખંભાળિયાના મદીના મસ્જિદ ચોક પાસેની છે. પીડિત હિંદુ યુવક તેના અન્ય એક મિત્રને ઘરે ઉતારવા માટે થઈને અહીંથી ગાડી લઈને પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ચોકમાં મુસ્લિમોનો મજલીસનો (ઇસ્લામિક ભાષણ) કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે યુવક અહીંથી પસાર થતા જ કટ્ટરપંથી મુસ્લિમોના 25થી 30ના ટોળાએ તેને ઘેરી લીધો. યુવકનો કોલર પકડીને તેની સાથે ઝપાઝપી પણ કરવામાં આવી અને તેને ધમકીઓ પણ આપવામાં આવી. આ મામલે યુવકે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલો શેખ અને રુસ્તમ સહિત 25થી 30ના ટોળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
A VHP leader was assaulted by Muslim mob in Jam Khambhalia last night.
— Meghalsinh Parmar (@MeghalHparmar) October 15, 2024
Reason?- He was just passing near a mosque while playing Garba songs in his car.
Assailants threatened him to kill if he used the same route again.
FIR has been lodged. Investigation is underway. pic.twitter.com/f7Z9UkpPp5
મુસ્લિમોનો મઝહબી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને સ્વયંસેવક ગાડી લઈને નીકળ્યા
આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ પીડિત યુવકનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ઘટના ગઈકાલ મોડી રાતની છે. મારા એક મિત્રને તેના ઘરે જવાનું હોવાથી હું અન્ય એક મિત્રની ગાડી લઈને તેમને તેમના ઘરે ઉતારવા જઈ રહ્યો હતો. મને પણ અનેક લોકોની જેમ ગાડી ચલાવતા સમયે સંગીત સાંભળવાનો શોખ છે તો મારી ગાડીમાં માતાજીના ગરબા ચાલી રહ્યા હતા. જેવી મારી ગાડી મદીના મસ્જિદ ચોક પાસે પહોંચી, તો મેં જોયું કે ત્યાં મુસ્લિમ સમુદાયનો મજલીસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ જોઈ મેં ગાડી સાઈડ પર દબાવી દીધી અને નીકળવા માટે રસ્તો વિચારી રહ્યો હતો.”
તેમણે કહ્યું, “આ દરમિયાન ત્યાં ઉભેલા લોકોએ મને ઈશારો કર્યો કે ગાડી નીકળી જાય તેમ છે આવવા દો. આ જોઈ મેં મારી ગાડી ધીમે ધીમે ત્યાંથી હંકારી લીધી. ત્યાંથી હું સીધો મારા મિત્રના ઘરે ગયો અને તેમને ત્યાં ઉતારી દિધા. થોડી આડી-અવળી વાત કરીને હું ત્યાંથી પરત નીકળ્યો. પરત આવતા વખતે પણ ગાડીમાં ટેપ ચાલુ હતું અને માતાજીના ગરબા વાગી રહ્યા હતા. મદીના મસ્જિદ ચોક પાસે મેં જોયું કે તેમનો કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો છે અને કેટલાક લોકોનું ટોળું ઉભું છે. હું ત્યાંથી શાંતિથી પસાર થઇ રહ્યો હતો.”
ટોળાએ ગાડી આંતરી અને કરી બબાલ
તેમણે જણાવ્યું કે, “તેવામાં મારી ગાડી જોઇને ટોળાએ મને આંતરી લીધો અને ગાડી સાઈડ પર લગાવવા કહ્યું. મેં ગાડી બાજુ પર લગાવતા મને બહાર બોલાવ્યો એટલે હું બહાર આવ્યો. ટોળામાં મેં જોયું તો લાલો શેખ અને રુસ્તમ કે જેમને હું જોયે ઓળખું છું અને અન્ય 25-30 લોકો હતા. જેવો હું ગાડીની બહાર આવ્યો કે તે લોકોએ મને કોલરથી પકડી લીધો. હું કશું સમજુ તે પહેલા જ તેમણે મને ખરાબ-ખરાબ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું. આ આખું ટોળું મને રમકડાની માફક હલબલાવી રહ્યું હતું. તેઓ કહી રહ્યા હતા કે અહીંથી કેમ નીકળે છે. ગાડીમાં ગરબા કેમ વગાડે છે.”
“તેમના મોઢે ગાળો સાંભળીને મેં તેમને ગાળો ન બોલવા અને મને મૂકી દેવા કહ્યું તો તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા. લાલા શેખ અને રુસ્તમ સહિતના ટોળાએ મને કહ્યું કે જો હું અહીંયાથી ફરી નીકળીશ તો તેઓ મને જાનથી મારી નાખશે. તેઓ મારી ગાડીમાં જે માતાજીના ગરબા ચાલુ હતા તેને લઈને ઉશ્કેરાયેલા હતા. તેઓ બોલી રહ્યા હતા કે મજલીસ ચાલુ હતી તેવા સમયે તું અહીંયાથી નીકળ્યો જ કેમ? હું ઘટનાથી એટલો ડઘાઈ ગયો કે તેમનાથી પોતાની જાતને છોડાવીને ગાડી ત્યાં જ મૂકી સીધો પોલીસ સ્ટેશન ચાલ્યો ગયો. અહીં મેં રક્ષણ માંગીને આ ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ તેમની કાર્યવાહી કરી રહી છે.” તેમણે જણાવ્યું
પોલીસ તપાસનો ધમધમાટ, ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ
બીજી તરફ આ આખી ઘટનાને લઈને જામખંભાળિયાની પોલીસ પણ તરત જ એકશનમાં આવી હતી. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આખા વિસ્તારમાં તરત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે જામખંભાળિયાની પોલીસે લાલા શેખ અને રુસ્તમ વિરુદ્ધ નામજોગ અને અન્ય ટોળા વિરુદ્ધ BNSની કલમ 352, 351 (3), 198 (2), 190, અને 191 (2) મુજબ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
બીજી તરફ ઘટના બાદ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી તે જાણવા ઑપઇન્ડિયાએ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ સરવૈયાનો સંપર્ક કર્યો હતો. તેમણે અમારી ટીમને જણાવ્યું કે, “ઘટના ગઈકાલ રાતની છે. જેવા ફરીયાદી આવ્યા કે અમે તાત્કાલિક ધોરણે ફરિયાદ લેવાનું કાર્ય કર્યું. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. અહીં મુસ્લિમ સમુદાયનો મઝહબી કાર્યક્રમ અને જૂલુસ વગેરે હોવાથી પોલીસ સતત બંદોબસ્તમાં હતી. હવે જે નામજોગ આરોપીઓ છે તેમને પકડવાની કામગીરી કરવામાં આવનાર છે.”
ફરીયાદીના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો- PI સરવૈયા
તેમણે આગળ જણાવ્યું કેમ “જે પુરાવા મેળવવાના હતા તે પુરાવા મેળવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફરિયાદીને માત્ર બે જ વ્યક્તિના નામ ખ્યાલ હોવાથી અન્યોની ઓળખ કરવાની બાકી છે. આ માટે અમે આસપાસમાં લાગેલા CCTV તપાસીશું અને તેમાંથી અન્ય લોકોની ઓળખ કરીને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. જે નામજોગ છે તેમની હમણાં જ ધરપકડ કરી લેવામાં આવશે. બીજી તરફ ફરીયાદીને કોઈ જાતનો ડર ન રહે કે કોઈ અણબનાવ ન બને તે હેતુથી તેમના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે આગળની કાર્યવાહી ચાલી રહી છે.”
નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાને લઈને હાલ જામખંભાળિયા પંથકમાં અજંપાભરેલી શાંતિ છે. આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આખા વિસ્તાર પર પોલીસ બાજ નજર રાખી રહી છે. બીજી તરફ ફરીયાદી પણ પોલીસ કાર્યવાહી પર ભરોસો રાખીને ન્યાયની રાહ જોઈ રહ્યા છે.