દ્વારકાના (Dev Bhumi Dwarka) ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક હિંદુ યુવકને સરાજાહેર છરી-કુહાડાથી કાપી નાંખવામાં આવ્યો. હત્યા પાછળનું કારણ આજથી આશરે દોઢ વર્ષ પહેલાં તેના જ ગામની એક મુસ્લિમ યુવતી સાથે કરેલા લગ્ન હોવાનું સામે આવ્યું. લગ્ન બાદ બંનેએ ગામ છોડી દીધું હતું અને રાજી-ખુશીથી સાથે રહેતા હતા. દંપતીને સુખી લગ્નજીવનથી દોઢ મહિના પહેલા જ બાળકી જન્મી હતી. માવતર બન્યા બાદ યુગલ ફરી ગામે આવ્યું અને યુવકને મોત મળ્યું. પોલીસે યુવતીના ચાચુ, ભાઈજાન અને એક સગીર આરોપી સહિત 7 પરિજનોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના ગત શનિવારની (3 ઓગસ્ટ 2024) છે. ભાણવડથી (Bhanvad) આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના 24 વર્ષના યુવાનને તેના જ ગામના ઈશા અબુ દેથાની પુત્રી રઝમા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના અબ્બુને આ સંબંધ મંજુર નહતો અને તે પોતાની ઈચ્છા અનુસાર રઝમાના નિકાહ કરાવવા માંગતા હતા. દરમિયાન રઝમા અને યાજ્ઞિકે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંનેએ ગામ ત્યજી દીધું હતું અને રાજી-ખુશીથી લગ્નજીવન વ્યતીત કરી રહ્યા હતા.
દોઢ મહિના પહેલા જ થયો હતો દીકરીનો જન્મ
દોઢ વર્ષથી ગામથી દૂર રહેતા આ યુગલને ત્યાં દોઢ મહિના પહેલા જ પારણું બંધાયું હતું. તેમના ઘરે દીકરીનો જન્મ થતા બંને ખૂબ ખૂશ હતા. બાળકીના જન્મ બાદ બંને પોતાના વત શેઢાખાઈ આવી ગયા હતા. દરમિયાન રઝમાના પરિવાર સાથે પણ સંબંધો સામાન્ય થતા જણાઈ રહ્યા હતા. બધું સામાન્ય થઈ ગયો હોવાનું માનીને યુગલે પોતાના વતનમાં જ ઘરસંસાર માંડ્યો હતો. પરંતુ રઝમાના પરિવારના કાળા કાવતરાથી બંને અજાણ હતા. ઉપરથી સામાન્ય લાગી રહેલા મુસ્લિમ પરિવારના મનમાં બદલાની આગ ભભૂકી રહી હતી.
તેવામાં ગત શનિવારે બપોરે યાજ્ઞિક ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના એક મિત્ર સાથે ગામના બસ સ્ટેશન પાસે ગયો હતો. તેને જોઇને રઝમાનો ભાઈજાન સાજીદ, સગીર આરોપી ઉપરાંત તેના ચાચુ સલીમ હુસૈન, આમદ મુસા, જુમા મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભકો અને હોથી કાસમ નામના કુલ સાત લોકો (Muslim Mob) કુહાડા છરી અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા. આ તમામ લોકોએ યાજ્ઞિકની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. યુવક કશું સમજે તે પહેલા જ તમામે તેને ઘેરી લીધો અને આડેધડ ઘા ઝીંકવા લાગ્યા.
પહેલા કુહાડાથી પગ પર ઘા, નીચે પડ્યા બાદ તૂટી પડ્યા
રઝમાના પરિવારના પુરુષોએ, “ના પાડી તોય અમારી છોકરી સાથે લગ્ન કર્યા, આજે જીવતો (Hindu Murder) નહીં જવા દઈએ, પતાવી જ દેવો છે.” કહીને તમામ તેના પર તૂટી પડ્યા. આરોપીઓ પૈકી આદમે યાજ્ઞિકના પગમાં કુહાડાનો ઘા માર્યો અને તેને નીચે પાડી દીધો. પીડિત પોતાની પત્ની અને દોઢ માસની માસુમ બાળકીની દયા ખાવાનું કહેતો રહ્યો પણ મુસ્લિમ પરિવારે તેની એક ન સાંભળી અને છરી, કુહાડાથી ઉપરા-છાપરી ઘા કરતા રહ્યા. તેના મિત્રએ વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આટલા બધા લોકો સામે તે પણ લાચાર થઈ ગયો. તેણે તરત જ મૃતક પીડિતના પરિવારને જાણ કરી.
ઘટનાની જાણ થતા જ યાજ્ઞિકના માતા અને પત્ની રઝમા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે તે લોકો પહોંચે તે પહેલા જ રઝમાના ભાઈઓ અને કાકા યુવકને અધમુઓ કરીને નાસી છૂટ્યા હતા. તેની પત્નીએ તાત્કાલિક 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને યુવકને લોહીલુહાણ હાલતમાં ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની હાલત ખૂબ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ હિંદુ યુવકને મળ્યું મોત
ફરી તેને એમ્બ્યુલન્સમાં લઈને પરિવાર જામનગર જવા નીકળ્યો હતો, પરંતુ સિક્કા ગામ નજીક જ યાજ્ઞિકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જામનગરની જીજી (Jamnagar) હોસ્પિટલના તબીબોએ પણ તેને મૃત ઘોષિત કર્યો હતો. જુવાનજોધ દીકરાની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હિંદુ યુવકની હત્યાની ઘટના બાદ શેઢાખાઈ ગામમાં પણ સોંપો પડી ગયો હતો. સમગ્ર મામલે યુવકના માતાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં (Bhanvad Police) સાજીદ ઈશા દેથા, સલીમ હુસૈન દેથા, જુમા મુસા દેથા, આદમ મુસા ઉર્ફે આદુ, ઓસમાણ મુસા ઉર્ફે ભકો ઓસમાણ, હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા અને એક સગીર વયના આરોપી સહિત એક જ મુસ્લિમ પરિવારના સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રઝમાએ પતિની હત્યા બાદ કરી ન્યાયની માંગ, પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ સમગ્ર મામલે ભાણવડ પોલીસે BNSની કલમ 103(2), 189(2), 189(4), 1991(2), 191(3), 190 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. બીજી તરફ મૃતક હિંદુ યુવકની પત્ની રઝમાએ પણ મીડિયા સામે આવીને તેના ભાઈઓ અને કાકા વિરુદ્ધ આક્રોશ જતાવ્યો હતો. પતિની હત્યા બાદ આક્રંદ કરીને તેની પરિસ્થિતિ ખરાબ છે. તેણે પોતાની દોઢ માસની બાળકી અને પોતાના માટે ન્યાયની માંગ કરીને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
દ્વારકાના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક હિંદુ યુવકને સરાજાહેર છરી-કુહાડાથી કાપી નાંખવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ બેડા સાથે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાલ 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.