રાજસ્થાનની કોંગ્રેસ સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી ઉપર એક 23 વર્ષીય મહિલા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલે દિલ્હીમાં ફરિયાદ નોંધાયા બાદ દિલ્હી પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. મંત્રીના પુત્ર વિરુદ્ધ લાગેલા આરોપ મામલે રોહિતની પૂછપરછ કરવા માટે રવિવારે (15 મૅ 2022) દિલ્હી પોલીસની એક ટીમ રાજસ્થાનના જયપુર પહોંચી હતી.
આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આ કેસમાં ફરાર રોહિત જોશીને પકડવા માટે અધિકારીઓની એક ટીમ જયપુર પહોંચી છે. હાલ અમારી ટીમો તેની શોધખોળ કરી રહી છે.”
પોલીસની ટીમ મહેશ જોશીના બે નિવાસસ્થાનો પર તપાસ કરવા માટે ગઈ હતી, પરંતુ બેમાંથી એકેય જગ્યાએ આરોપી મળ્યો ન હતો. જે બાદ પોલીસે મંત્રીના નિવાસસ્થાનની બહાર એક નોટીસ ચોંટાડી હતી અને મંત્રીપુત્રને બળાત્કારના કેસમાં પૂછપરછ માટે 18 મૅ સુધીમાં હાજર થવા માટે ફરમાન કર્યું હતું.
Rajasthan | A 15-member team of Delhi Police has arrived in Jaipur for questioning of State minister’s son over allegations of rape: Delhi Police
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 15, 2022
નોટીસમાં જણાવવામાં આવ્યું કે, ‘આથી આપને જણાવવામાં આવે છે કે દિલ્હીના સદર બજાર પોલીસ મથકે આપની સામે ઉપરોક્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે કેસમાં તપાસ માટે આપને જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 18 મૅ 2022 સુધીમાં સદર બજાર પોલીસ મથકે હાજર થવા માટે ફરમાન કરવામાં આવે છે.’
બીજી તરફ, આ મામલે મંત્રી મહેશ જોશીએ ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મને જણાવવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ જયપુર પહોંચી છે. કાયદાનું પાલન થવું જ જોઈએ અને સત્ય બહાર આવવું જ જોઈએ. પરંતુ આમાં મીડિયા ટ્રાયલને સ્થાન ન હોવું જોઈએ. તેમણે દાવો કરતા કહ્યું કે દિલ્હી પોલીસે તેમનો સંપર્ક કર્યો નથી અને જો કરશે તો તેઓ તપાસમાં મદદ કરશે.
શું છે કેસ?
ગત આઠમી મૅના રોજ એક 23 વર્ષીય મહિલાએ રાજસ્થાન સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી વિરુદ્ધ દિલ્હીના સદર બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મંત્રીપુત્ર પર દિલ્હી અને જયપુરમાં અનેક વખત બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
પીડિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેઓ બે વર્ષ પહેલાં ફેસબુક થકી મિત્રો બન્યાં હતાં. જે બાદ આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ ફરિયાદમાં આરોપીએ તેની ઉપર હુમલો કર્યો હોવાનું અને તે ગર્ભવતી બની ગઈ ત્યારે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ગત આઠ જાન્યુઆરીએ રોહિત તેને સવાઈ માધોપુર ખાતે તેના એક મિત્રના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેણે પીડિતાને માદક દ્રવ્યો પીવડાવી બળાત્કાર કર્યો હતો અને જ્યારે એ બેભાન થઇ ગઈ હતી ત્યારે તેની નગ્ન તસવીરો લઇ લીધી હતી.
પીડિતાની ફરિયાદના આધારે 9 મૅના રોજ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. રોહિત જોશી વિરુદ્ધ રેપ, અપ્રાકૃતિક સૅક્સ, મારપીટ અને બ્લૅકમેલિંગ સહિતના આરોપસર સાત ધારાઓ હેઠ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંત્રીના પુત્ર વિરુદ્ધ બળાત્કારનો આરોપ લાગતા દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી અને જેનો રેલો હવે રાજસ્થાન સુધી પહોંચ્યો છે.