ગત ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠાના (Banaskantha) ડીસાની (Deesa) એક દલિત યુવતી (Hindu Dalit Girl) કાનૂની સહાય લેવા માટે પાલનપુરના વકીલ ઈદ્રીશખાન પઠાણ (Idrish Khan Pathan) પાસે પહોંચી હતી, જ્યાં વકીલના સાગરીત અફઝલે (Afzal) તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. તે ઘટનાને લઈને પોલીસે FIR નોંધીને લાલો ઉર્ફે અફઝલની ધરપકડ કરી હતી. જયારે વકીલ ઈદ્રીશખાન પઠાણ, જાવેદ મકરાણી અને તેની સાગરીત બે મહિલાઓ હજુ પણ ફરાર છે. આ ઘટના મામલે મુસ્લિમ વકીલને વહેલી તકે પકડવા માટે પાલનપુરના હિંદુ સંગઠનોએ પોલીસ અધિક્ષકને (SP) આવેદન આપ્યું છે.
31 ડિસેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ’ અને ‘રાષ્ટ્રીય બજરંગદળ’ના કાર્યકર્તાઓએ પાલનપુર પોલીસ અધિક્ષકને આવેદન આપ્યું હતું અને ઈદ્રીશખાન તથા જાવેદને વહેલી તકે ઝડપી પાડવા માટેની માંગણી કરી હતી. આ ઉપરાંત સંગઠનોએ તપાસ કરનાર પોલીસ અધિકારીને બદલવાની પણ માંગણી કરી હતી. ઑપઇન્ડિયા પાસે આવેદનપત્રની નકલ ઉપલબ્ધ છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસ અધિક્ષકે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કડક કાર્યવાહી માટેનું આશ્વાસન પણ આપ્યું હતું.
‘હનીટ્રેપના કામમાં બળજબરીથી જોડતા હતા યુવતીઓને’
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ઑપઇન્ડિયાએ પાલનપુરના હિંદુ સંગઠનનો સંપર્ક કર્યો હતો. રાષ્ટ્રીય બજરંગદળના અધ્યક્ષ સચિન જોશીએ અમને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવતી દલિત સમુદાયમાંથી આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ડીસા પીડિતા તેમના અંગત મિત્ર સાથેના સંબંધોને લઈને વકીલ ઈદ્રીશ પાસે કાનૂની સહાય લેવા માટે ગઈ હતી. જે દરમિયાન ત્રણેક દિવસો સુધી ઈદ્રીશ પઠાણ અને તેના સાગરીતોએ તેને કોઈને કોઈ બહાને ગોંધી રાખી હતી. દરમિયાન ઈદ્રીશ પઠાણના સાગરીત અફઝલે પીડિતા પર બળાત્કાર આચર્યો હતો.
સચિન જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ઈદ્રીશ સહિતની ટોળકીએ યુવતીને હનીટ્રેપ દ્વારા લોકોને ફસાવવાના કારસ્તાનમાં જોડાઈ જવા દબાણ કર્યું હતું અને અડધા-અડધા પૈસા વહેંચી દેવાની સલાહ પણ આપી હતી. જે બાદ યુવતીએ ના કહેતા તેની સાથે બળજબરી પણ કરવામાં આવી હતી. હિંદુ સંગઠનનો દાવો છે કે, વકીલ ઈદ્રીશખાન પઠાણ આવી રીતે અનેક હિંદુ યુવતીઓને ફસાવી ચૂક્યો છે અને તેની આખી ટોળકી આવા ગેરકાયદે કામ કરી રહી છે.
વધુમાં સંગઠને એવું પણ જણાવ્યું છે કે, વકીલ ઈદ્રીશની સાથે અનેક ડોકટરો અને અધિકારીઓ પણ જોડાયેલા છે. સચિન જોશીએ વધુમાં જણાવ્યું કે, ઘટના બાદ પીડિતાએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની અરજી સ્વીકારવામાં આવી નહોતી. જે બાદ તેણે સચિન જોશીનો સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા FIR નોંધવા સુધીની મદદ પણ મળી હતી. હિંદુ સંગઠન અનુસાર, ભૂતકાળમાં પણ આ આરોપીઓએ હિંદુ સમાજની અનેક પછાત યુવતીઓને શિકાર બનાવી હતી.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના ડિસેમ્બર, 2024ની છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક દલિત યુવતીએ ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે 19 ડિસેમ્બરના રોજ FIR નોંધી હતી. પીડિતાનો આરોપ છે કે, કાનૂની સહાયના બહાને વકીલ ઈદ્રીશખાન પઠાણ અને તેના સાગરીતો અફઝલ, જાવેદ મકરાણી અને અન્ય બે મહિલાઓએ તેને હનીટ્રેપ દ્વારા યુવકોને ફસાવવાના કાવતરામાં જોડાવવાની સલાહ આપી હતી. આરોપ છે કે, આ સમગ્ર ઘટના દરમિયાન જ અફઝલે પીડિતા પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. પાલનપુર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 64(1), 74, 351(3), 3(5), 54 તેમજ SC/ST એકટની કલમ 3(1)(r), 3(1)(s), 3(1)(w), 3(2)(v) અને 3(2)(va) હેઠળ ગુનો નોંધ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદ અનુસાર, હિંદુ પીડિતાને તેના પુરુષ મિત્ર સાથેના સંબંધોને લઈને અનેક સમસ્યાઓ હતી. જેના કારણે તેણે યુટ્યુબની જાહેરાત દ્વારા મહિલાઓને મફત કાનૂની સહાય આપવાનો દાવો કરતા પાલનપુરના વકીલ ઈદ્રીશખાન પઠાણનો સંપર્ક કર્યો હતો. દરમિયાન તેણે કેસ લડવાની વાત પણ કરી હતી. શરૂઆતમાં તમામ બાબતો બરાબર ચાલી હતી. પરંતુ રાત્રે મોડું થઈ જતાં હિંદુ મહિલાએ નારી કેન્દ્રમાં જવાની વાત કરી હતી. જે બાદ ઈદ્રીશે તેના સાગરીતોને કહીને ફરિયાદીને નારી કેન્દ્રમાં મૂકવા માટેની ભલામણ કરી હતી. પરંતુ નારી કેન્દ્રમાં પોલીસ ફરિયાદની કોપી વિના પ્રવેશ ન આપી શકવાનું કહીને ઈદ્રીશની મહિલા સાગરીત તેને દાંતા સ્થિત જાવેદ મકરાણીના ઘરે લઈને ગઈ હતી.
દરમિયાન ત્યાં જાવેદ મકરાણીએ યુવતીનો હાથ પકડીને તેની સાથે બળજબરી કરવાના પ્રયાસો કર્યા હોવાનો આરોપ છે. ઘટના બાદ પીડિતાએ મોડી રાત્રે ક્યા જવું તેવું વિચારીને ત્યાં જ રાત્રિરોકાણ કર્યું હતું. બીજા દિવસે તે ફરી જાવેદ સહિતના આરોપીઓ સાથે ઈદ્રીશ પઠાણની ઓફિસે પહોંચી હતી. દરમિયાન ઈદ્રીશ પઠાણ અને તેની અન્ય એક મહિલા સાગરીતે પીડિતાનો કેસ લડવા માટે 25 હજારની માંગણી કરી હતી. જેના જવાબમાં પીડિતાએ કહ્યું હતું કે, જાહેરાતમાં વકીલ મફત કાનૂની સહાયની વાત કરી રહ્યા હતા.
જે બાદ આરોપી વકીલે હનીટ્રેપ કરીને અન્ય યુવાનોને ફસાવવાના કારસ્તાનમાં જોડાઈ જવા પીડિતાને કહ્યું હતું અને મફતમાં કેસ લડવાની લાલચ પણ આપી હતી. જોકે, ફરિયાદીએ ના પાડી દીધી હતી. જે બાદ યુવતીએ પોતાની અરજી અને દસ્તાવેજ પરત માંગતા આરોપીઓએ કહ્યું હતું કે, તે અન્ય એક તેની સાગરીત મહિલાના ઘરે પડ્યા છે, ત્યાંથી લઈ લેવા. જે બાદ યુવતી સાગરીત મહિલાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન જ ઈદ્રીશ પઠાણનો અન્ય એક સાગરીત અફઝલ ત્યાં આવી પહોંચ્યો હતો અને પીડિતા પર બળજબરીથી બળાત્કાર ગુજારવા લાગ્યો હતો અને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના બાદ પીડિતાએ જેમતેમ કરીને ત્યાંથી ભાગી જઈને હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
અફઝલની ધરપકડ, બાકીના આરોપીઓને શોધવા માટે બનાવાઈ છે ટીમો- પાલનપુર પોલીસ
આ સમગ્ર ઘટના મામલે ઑપઇન્ડિયાએ PI ધાંધલિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, FIR નોંધાયાના ગણતરીના કલાકોમાં જ બળાત્કારના આરોપી અફઝલની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, હાલ પણ વકીલ ઈદ્રીશખાન પઠાણ, જાવેદ અને તેમની મહિલા સાગરીતો ફરાર છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીએ આરોપી ઈદ્રીશને કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ આખો કેસ DySp પોતે હેન્ડલ કરી રહ્યા છે. વધુમાં અધિકારીએ કહ્યું છે કે, પોલીસની ટીમો આરોપીઓને શોધવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપી પોલીસ પકડમાં હશે.