22 જાન્યુઆરી, 2024ના શુભ દિવસે પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. દેશભરના લોકો તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાને પણ 22 જાન્યુઆરીને દિવાળી તરીકે ઉજવવાની અપીલ કરી છે. તમામ લોકો રામ મંદિર અભિષેકની તૈયારીમાં લાગ્યા છે. આ વચ્ચે એક ઇમેઇલના માધ્યમથી શ્રીરામ મંદિર, CM યોગી આદિત્યનાથ અને STFના ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનાર શખ્સ પોતાને જુબેર ખાન તરીકે ઓળખાવે છે અને ISI સાથે જોડાયેલો કહે છે. આ ઉપરાંત તે રામ મંદિરના જશ્નની તૈયારીને માતમમાં બદલવાની વાત કરે છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગૌ પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને 27 ડિસેમ્બરે બપોરે 02:07 કલાકે એક ઇમેઇલ મળ્યો હતો. જેમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપીએ અયોધ્યાના રામ મંદિર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ STF ચીફ અને દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. જુબેર ખાનના નામે આ ધમકી મોકલવામાં આવી છે અને તે પોતાને ISI આતંકી સંગઠનનો સદસ્ય ગણાવે છે.
રામ મંદિરના ઉત્સવને માતમમાં બદલવાની ધમકી
દેવેન્દ્ર તિવારીને મળેલી ધમકીમાં લખવામાં આવ્યું છે કે, “દેવેન્દ્ર તિવારી ઘણો મોટો ગૌસેવક બની રહ્યો છે અને ઘણી બધી વાર બની પણ ચૂક્યો છે. અમારા લોકો UP પહોંચી ચૂક્યા છે. હવે નહીં રહે રામ મંદિર, નહીં રહે યોગી આદિત્યનાથ અને નહીં રહે દેવેન્દ્ર તિવારી, તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. લોકો જે જશ્નની તૈયારી કરી રહ્યા છે, અમે તેને માતમમાં બદલી દઇશું.” આ ઇમેઇલમાં STFના ચીફને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
આ મામલે દેવેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, “આજે તારીખ, 27 ડિસેમ્બર, 2023ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માનનીય યોગી આદિત્યનાથજી, STFના ચીફ અમિતાભ યશજી, રામ મંદિર અને મને જુબેર ખાન નામક વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાનો ઇમેઇલ મળ્યો છે. ઇમેઇલની ફોટોકોપી સંલગ્ન કરીને શાસન અને પ્રશાસન પાસે હું સુરક્ષાની અને વિશેષ તપાસની માંગ કરું છું. જો આના પર સંજ્ઞાન ના લેવામાં આવ્યું તો કદાચ હું એવું માની લઈશ કે મારો નમ્બર હવે આ ગેર સમુદાયના જેહાદીઓની બ્લેકલિસ્ટમાં આવી ગયો છે. ખૂબ નજીકના સમયગાળામાં હું પણ ગૌસેવાના નામ પર શહીદ થઈ શકું છું.”
પોલીસે તપાસ શરૂ કરી
આ મામલાની નોંધ લેતા UP-112ના ઈન્સ્પેકટરની ફરિયાદ પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. લખનૌ પોલીસની સાથે ATS પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. IP એડ્રેસ દ્વારા ઇમેઇલ મોકલનારનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ લખનૌના આલમબાગમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં દેવેન્દ્રની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાણવામાં આવી રહ્યું છે કે, દેવેન્દ્રએ ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કોર્ટમાં PIL દાખલ કરી હતી. જેના કારણે તેમને સતત ધમકીઓ મળી રહી છે.
ADCP શશાંક સિંઘે જણાવ્યું હતું કે, 28 ડિસેમ્બરના રોજ કલમ 153-A, 506, 507 અને IT એક્ટ હેઠળ ગુનો નોંધવા આવ્યો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. જલ્દીથી આરોપીની ઓળખ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.