દિલ્હી, અમદાવાદ બાદ હવે રાજસ્થાનના જયપુરની 37 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વહેલી સવારે ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, આ ધમકી જયપુર બ્લાસ્ટની વરસીના દિવસે આપવામાં આવી છે. કોઈ અજ્ઞાત શખ્સે દરેક સ્કૂલોના પ્રિન્સિપાલને સવાર-સવારમાં જ ઇમેઇલ કરીને ધમકી આપી હતી. ઇમેઇલમાં સ્કૂલની બિલ્ડિંગમાં બૉમ્બ હોવાની અને સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે તપાસ હાથ ધરી છે અને તમામ સ્કૂલોને ખાલી કરાવી છે.
સોમવારે (13 મે, 2024) રાજસ્થાનના જયપુરની 37 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી જયપુર બ્લાસ્ટની વરસી પર આવી હોવાથી તંત્ર પણ સાબદું થઈ ગયું છે. જાણકારી મળતા તરત જ પોલીસ સહિતનો સુરક્ષા કાફલો સ્કૂલોમાં ખડકી દેવામાં આવ્યો હતો. તમામ સ્કૂલોમાંથી બાળકોને બહાર કાઢીને સુરક્ષા સાથે ઘરે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હાલ મેઇલ કરનારાઓની ઇમેઇલ આઈડીની તપાસ કરી રહી છે. આ ઘટનાના એક દિવસ પહેલાં જ જયપુર-અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
37 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને મુખ્ય સચિવ સુધાંશ પંતે ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ACS હોમ આનંદ કુમાર અને ડીજી ઇન્ટેલિજન્સ સંજય અગ્રવાલને પણ બોલવામાં આવ્યા છે. બંને અધિકારીઓ ધમકી ભરેલા મેઇલ આવ્યા બાદથી હમણાં સુધી કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી મુખ્ય સચિવને આપી રહ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. ઘણા બાળકોના વાલીઓ પણ સ્કૂલે પહોંચી ગયા હતા.
સ્કૂલોને ધમકી મળ્યા બાદથી જ આખા જયપુરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય તે માટે સરકાર પણ પ્રતિબદ્ધ દેખાઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ કલાકો સુધીની તપાસ બાદ જે સ્કૂલોમાં ધમકી આવી હતી. તે તમામ સ્કૂલોમાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ જોવા મળી નથી. તેમ છતાં પોલીસ હાલ તમામ તપાસ કરી રહી છે.
નોંધવા જેવુ છે કે, 13 મે, 2008ના રોજ જયપુરમાં 15 મિનિટના સમયગાળા દરમિયાન અનેકો બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં 71 લોકોના જીવ ગયા હતા. તે સિવાય 180થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જ્યારે હવે સોમવારે (13 મે) જયપુર સિરિયલ બ્લાસ્ટ ઘટનાની 16મી વરસી છે. તેવામાં સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવી ખૂબ ગંભીર માનવામાં આવી રહી છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.