બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધમાં જે ‘આંદોલન’ શરૂ થયા હતા તે સરકાર વિરોધી આંદોલન બન્યા હતા. હવે આ આંદોલનો એક ગંભીર વળાંક લઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. શેખ હસીનાની (Sheikh Hasina) સરકારના આદેશો સામે એકસાથે અસહકારમાં ઉતરેલા ઇસ્લામવાદીઓ પસંદગીપૂર્વક હિંદુ લઘુમતીને નિશાન બનાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં 4 ઓગસ્ટે તેમણે એક હિંદુ પત્રકાર પર હુમલો કર્યો હતો અને હરાધન રોય નામના હિંદુ રાજકારણીની હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે (4 ઓગસ્ટ) બપોરે, ‘આંદોલનકારીઓ’એ બાંગ્લાદેશમાં સિરાજગંજમાં રાયગંજ પ્રેસ ક્લબ પર હુમલો કર્યો હતો. હુમલામાં કુલ 40 લોકો ઘાયલ થયા હતા. આ પ્રેસના પ્રદીપ કુમાર ભૌમિક નામના હિંદુ પત્રકાર પર પણ ક્રૂર હુમલો (Attack On Hindus) કર્યો. આ બાદ પત્રકારને તાત્કાલિક સારવાર હેઠળ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા જ હિંદુ પત્રકારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પ્રદિપ કુમાર ભૌમિક, ‘દૈનિક ખોબોરપત્ર’ અખબારના જીલ્લા સંવાદદાતા હતા.
આ ઉપરાંત 4 ઓગસ્ટ રવિવારે બાંગ્લાદેશમાં ‘આંદોલન’ના નામે જે હિંસાઓ ભડકી રહી છે તેનો ભોગ એક હિંદુ રાજનેતાને પણ બન્યા હતા. 4 ઓગસ્ટે આંદોલન દરમિયાન ઇસ્લામવાદીઓએ (Islamists) હરાધન રોય નામના હિંદુ રાજકારણીની હત્યા કરી હતી. તેઓ રંગપુર શહેરના વોર્ડ 4ના કાઉન્સિલર હતા. ઉપરાંત હરાધન રોયના ભત્રીજાને પણ ઇસ્લામવાદીઓએ માર માર્યો હતો.ઉલ્લેખનીય છે કે કાજલ રોય નામના હિંદુ મહિલા કાઉન્સિલરની પણ સરકાર વિરોધી ‘આંદોલન’ના બહાના હેઠળ હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા સેનાનીઓના બાળકોને આરક્ષણ ન આપવાની માંગ સાથે બાંગ્લાદેશમા શેખ હસીના સરકારના વિરોધમાં ‘આંદોલનો’ શરૂ (Bangladesh Protests) થયા હતા જે હવે હિંસામાં પરિણમી રહ્યાં છે. ત્યારે અગાઉની હિંસામાં 200 લોકોના મૃત્યુ થયા હતા. આ લોકોને ન્યાય અપાવવાના નામે 4 ઓગસ્ટે જ ‘આંદોલન’ની આડમાં ફરીથી હિંસા શરૂ થઈ ગઈ હતી અને 100 લોકોના મૃત્યુ થયા છે.
આ બાબતે બાંગ્લાદેશમા ફસાયેલા ભારતીયોને માટે ભારત સરકારે એડવાઈઝરી બહાર પાડવાની સ્થિતિ ઉદ્ભવી હતી. સરકારે દેશવાસીઓને આગામી સૂચના ન આવે ત્યાં સુધી બાંગલાદેશની યાત્રા ટાળવાનું સૂચવ્યું છે. બાંગ્લાદેશના ઢાકા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તથા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે.
નોંધનીય બાબત છે કે સરકાર વિરોધી આંદોલનની આડમાં હિંદુઓના ISKCON મંદિર તેમજ કાળીમાતાને મંદિર ને નિશાનો બનાવી તેમાં તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત મંદિરમાં દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ પત્રકાર પ્રદિપકુમાર ભૌમિક, રંગપુર શહેરના વોર્ડ 4ના કાઉન્સિલર હરાધન રોય અને કાજલ રોય નામના હિંદુ મહિલા કાઉન્સિલર સહિત ત્રણ હિંદુઓની હત્યા પણ કરવામાં આવી છે.