આણંદમાં બકરી ઈદ બાદ ઉપરાછાપરી બે દિવસ હિંદુ વિસ્તારોમાં જાહેર રસ્તા પરથી પશુ માંસ ફેંકવાની ઘટનાઓ હજુ ભુલાઈ નથી, ત્યાં જ હવે મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિર બહાર માંસના ટુકડા મળી આવવાની ઘટના સામે આવી છે. હિંદુ આરાધ્ય દેવના મંદિર બહાર માંસના ટુકડા ફેંકાયાની ઘટના બાદ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આણંદ પોલીસ પણ પંચમુખી હનુમાન મંદિર પહોંચી હતી. હાલ આ મામલે જાણવાજોગ અરજી દાખલ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહેમદાવાદના વિરોલ દરવાજા પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર બહાર શુક્રવારે રાત્રે પશુના માથાનો ભાગ મળી આવ્યો હતો. મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિર બહાર માંસના ટુકડા ફેંકાયા હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં સ્થાનિક હિંદુ સંગઠનો તેમજ હિંદુ સમાજના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક હિંદુઓમાં ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ પંચમુખી હનુમાન મંદિરે દોડી આવ્યો હતો. પોલીસે હાલ માંસના ટુકડા કબજે કરી FSLમાં મોકલી આપ્યા છે, તો બીજી તરફ સ્થળ આજુબાજુ લાગેલા CCTVના આધારે માંસના ટુકડા ફેંકનાર વ્યક્તિનું પગેરું મેળવવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે.
એક તરફ શહેરની શાંતિ ડહોળવા માટે જાણીજોઈને આ પ્રકારનાં કૃત્યોને અંજામ આપવામાં આવી રહ્યો હોવાની શંકા છે તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજની તપાસમાં કોઈ શ્વાન અંગો લઇ આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આણંદમાં ઉપરાછાપરી બે દિવસ હિંદુ વિસ્તારોમાં માંસના ટુકડા ફેંકાયા
નોંધનીય છે કે આણંદ શહેરમાં બકરી ઈદ બાદ ઉપરાછાપરી બે દિવસ હિંદુ વિસ્તારોમાં જાહેર રસ્તા પરથી પશુ માંસ મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. પ્રથમ ઘટનામાં પશુનું કપાયેલું માથું મળી આવ્યું હતું, તો બીજી ઘટનામાં પણ મૃત પશુના કેટલાક અવશેષો મળ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કૃત્ય કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ મામલે હિંદુ હિતરક્ષક સમિતિના પિંકલ ભાટિયાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “છેલ્લા એક મહિનાથી આણંદમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ હોય કે બે દિવસથી પશુઓનાં માથાં હિંદુ વિસ્તારોમાં નાંખી જવાનો વિષય હોય, સુસંસ્કૃત અને સંસ્કારી અને સંયમિત હિંદુ સમાજની અગ્નિપરીક્ષા લેવાઈ રહી છે અને સમાજ ખૂબ સંયમિત થઇ આ પરીક્ષા આપી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આણંદમાં એક મોટા ષડ્યંત્રના ભાગરૂપે અલગ-અલગ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.” તેમણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાઓનું સંજ્ઞાન લઇ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવા માટે વિનંતી કરી હતી.