એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીઓ માથે ગાજી રહી છે. અલગ અલગ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાંથી બનાવતી ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેશન્સ વિભાગની સતર્કતાના કારણે આ આખો કાંડ બહાર આવ્યો. બે બાંગ્લાદેશી નાગરિકો બનાવટી રહેણાંકના પુરાવા લઈને ચૂંટણી કાર્ડ બનાવડાવવા પહોંચ્યા હતા. અમદાવાદમાં બાંગ્લાદેશી નાગરિકોએ ચૂંટણી કાર્ડ બનાવડાવી લેતા ઘાટલોડિયા મામલતદારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે મહોમ્મદ હુસૈન અને બેગમ રીનાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેશન્સ ડાયરેક્ટરે તા મહેસૂલ ભવન ખાતે સિટી મામલતદારને એક પત્રક મોકલ્યું હતું. જેમાં આધાર કાર્ડ બનાવવા માટે રજૂ કરવામાં આવેલા પુરાવાની ખરાઈ કરવા માંગ કરવામાં આવી હતી. ફરજ પર હાજર અધિકારીએ પુરાવાની ખરાઈ કરતા તેમાં તેમને અજુગતું લાગ્યું હતું. સીટી મામલતદરે ઝીણવટ ભરી તપાસ કરતા ચૂંટણી કાર્ડ બનાવવા માટે રજુ કરવામાં આવેલા રહેણાંકના પુરાવા ખોટા હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ આ કૌભાંડ સામે આવ્યું હતું.
AMCના અધિકારીને શંકા જતા લખ્યો હતો પત્ર
આ આખો કાંડ કેવી રીતે છતો થયો તે મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ ઘટનામાં ફરીયાદી અને ગોતા મહેસૂલ ભવન ખાતે સિટી મામલતદાર તરીકે ફરજ બજાવતા રોનક પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે આ આખી મોડસ ઓપરેન્ડી કેવી રીતે પાર પાડવામાં આવી તે વિશે જણાવ્યું હતું. તેમણે અમારી ટીમને જણાવ્યું કે, “આ ઘટનામાં હું જ ફરીયાદી છું. છેલ્લા થોડા સમયથી આ લોકોની મુવમેન્ટ હોવાનું ધ્યાને આવ્યું હતું. આરોપીઓએ આધારકાર્ડ કઢાવવા માટે અપ્લાય કર્યું હતું. તેવામાં કોર્પોરેશનના સિટી સેશન્સ ડાયરેક્ટરે અમને લેટર લખ્યો કે આ લોકો શંકાસ્પદ લાગી રહ્યા છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “તેમનો લેટર મળ્યા બાદ તરત જ અમારી ટીમ હરકતમાં આવી. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આરોપીઓએ બનાવટી ડોકયુમેન્ટ સબમિટ કરીને ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું. એક જે આરોપી છે તેનું ચૂંટણી કાર્ડ બનવાની પ્રોસેસમાં હતું. અમે ઝીણવટથી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે બંને લોકોએ ચૂંટણી કાર્ડ કઢાવવા રહેણાંકનો પુરાવો આપ્યો હતો તે આમ તો વેલીડ કહી શકાય તેવો હતો. તેમણે પુરવામાં લાઈટ બીલની કોપી આપી હતી. પરંતુ તપાસમાં સામે આવ્યું કે તે લોકોએ આ પુરાવો એમણે PDF એડિટરથી એડિટ કરીને બનાવ્યું હતું.”
કૌભાંડને ઉગતું ડામ્યું – રોનક પટેલ
“અમને લાઈટબીલની કોપી પર શંકા જતા જ અમારી ટીમે તેમાં લખેલા એડ્રેસ પર તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે આ પ્રકારના કોઈ જ વ્યક્તિ આ સરનામે નથી રહેતા. આ લોકોની આવી મોડસ ઓપરેન્ડી હતી.” આ પ્રકારે કેટલા ચૂંટણી કાર્ડ બનાવવામાં આવ્યા છે તે સવાલ પર રોનક પટેલે જણાવ્યું હતું કે, “અમે આ લોકોને ઉગતા ડામ્યાં છે. તેમ છતાં ભૂતકાળમાં કોઈએ આ પ્રકારની ગેરરીતી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.”
ઉલ્લેખનીય છે અમદાવાદમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડ બનાવડાવવાનું આ આખું રેકેટ સામે આવ્યા બાદ મામલતદાર તરીકે ફરજ બજાવતા રોનક પટેલ દ્વારા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે મામલાને ગંભીરતાથી લઈને બંને બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ બંને લોકોએ કયા હેતુથી આ પુરાવા બનાવ્યા અને તેમાં તેમણે કોની મદદ લીધી તે દિશામાં તપાસ ચાલી રહી છે. ઑપઇન્ડિયાએ આ મામલે વધુ માહિતી મેળવવા સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહતો. વધુ માહિતી મળતાની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.