અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના એક નેતાની ધરપકડ કરી છે. મોહંમદસાદિક મોહંમદહનીફ નાગોરી નામના આ વ્યક્તિ પાસેથી પોલીસને એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યાં હતાં.
આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે બાતમીના આધારે આરોપીને અટકાયતમાં લઈને પૂછપરછ અને તપાસ કરી હતી, જેમાં તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
આ મામલે પોલીસ સ્વયં ફરિયાદી બની છે. ASIએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સોમવારે (21 ઓગસ્ટ, 2023) તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે દાણીલીમડા ઢોર બજાર ચાર રસ્તા પાસે આવતાં એક બાતમી મળી હતી કે મોહંમદસાદિક નાગોરી નામનો એક ઈસમ ગેરકાયદેસર હથિયાર લઈને દાણીલીમડા મેદાન પાસે ઉભો છે.
બાતમીના આધારે પોલીસે નજીકમાંથી બે પંચોના માણસોને બોલાવીને તેમને ઘટનાક્રમ અંગે સમાજ આપી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને દૂરથી તપાસ કરતાં મોહંમદસાદિક ઉભેલો નજરે પડ્યો હતો. એ તે જ છે કે કેમ તેની ઓળખ કર્યા બાદ પોલીસે તેને રસ્તા પર જ કોર્ડન કરી લીધો હતો અને પંચોની હાજરીમાં નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ મોહંમદસાદિક મોહંમદહનીફ નાગોરી (રહે. મદની રેસીડેન્સી, દાણીલીમડા, અમદાવાદ) જણાવ્યું હતું.
પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી કમરના ભાગે લટકાવેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. વધુ તપાસ કરતાં પોલીસને એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો હતો. તેની પાસે પરમીટ માંગવામાં આવતાં તેણે પોતાની પાસે કોઈ પણ જાતની પરવાનગી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિધિવત રીતે તેની ધરપકડ કરી લીધી હતી.
પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો તેમ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, આઠેક મહિના પહેલાં તે શિરોહી ખાતે ગયો હતો જ્યાં એક હોટેલમાં રોકાયો હતો. ત્યાં એક માણસ પાસેથી તેણે આ હથિયાર ખરીદ્યું હતું. પોલીસે રાજસ્થાનના આ ‘રાણા’ નામના વ્યક્તિ સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-b) (a) અને 29 તેમજ GPA એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આરોપી મહંમદસાદિક નાગોરીની ધરપકડ કરી લીધી હતી.
AIMIMનો નેતા છે આરોપી મહંમદસાદિક
જાણવા મળ્યા અનુસાર, આ આરોપી મહંમદસાદિક નાગોરી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદુલ મુસ્લિમીનનો (AIMIM) નેતા છે. તેની ફેસબુક પ્રોફાઈલ ચકાસતાં તેનો પાર્ટી પ્રમુખ ઓવૈસી સાથે ફોટો પણ જોવા મળે છે. પ્રોફાઈલ અનુસાર તે જમાલપુર વોર્ડનો પાર્ટીનો પ્રમુખ પણ છે.