દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોર્ટમાં પહેલાંથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ AAPને વધુ એક ફટકો આપ્યો છે. EDએ આમ આદમી પાર્ટીના વિદેશ ફંડ સાથે સંબંધિત એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે. તેમાં પાર્ટી અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે, AAPને વર્ષ 2014-22 દરમિયાન ₹7.8 કરોડનું વિદેશી ફંડ મળ્યું છે. નોંધવા જેવુ એ છે કે, કોઈપણ રાજકીય પક્ષ વિદેશી ફંડિંગ લઈ શકે નહીં. એજન્સીએ પાર્ટી પર વિદેશી ફંડ મેળવીને FCRA, RPA અને IPCનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
EDએ ગૃહ મંત્રાલયને આમ આદમી પાર્ટીના વિદેશી ફંડિંગને લગતો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર વિદેશી દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા તેમજ અન્ય ઘણા તથ્યો છુપાવવા જેવા આક્ષેપો કર્યા છે. એજન્સીએ કહ્યું કે, AAPને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, સાઉદી આરબ, સંયુકત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી ફંડિંગ મળ્યું છે. વિવિધ લોકોએ ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિડ કાર્ડ, ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું છે. EDએ ગૃહ મંત્રાલયને વિદેશી ફંડિંગને લાગતો રિપોર્ટ સબમિટ કરી દીધો છે.
કુમાર વિશ્વાસનું નામ પણ સામેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, તેને આ માહિતી AAP વોલિયન્ટર્સ અને કાર્યકર્તાઓ વચ્ચે ઇમેઇલ એક્સ્ચેન્જથી મળી છે. તેમાં અનિકેત સક્સેના (AAP ઓવરસીઝ ઈન્ડિયાના સંયોજક), કુમાર વિશ્વાસ (તત્કાલીન AAP ઓવરસીઝ ઈન્ડિયાના સંયોજક), કપિલ ભારદ્વાજ (તત્કાલીન AAP સભ્ય) અને દુર્ગેશ પાઠકના ઇમેઇલનો પણ સમાવેશ થાય છે. હમણાં સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અમેરિકા અને કેનેડામાં ફંડ રેજિંગ કેમ્પેન દ્વારા ન માત્ર પૈસા એકઠા કર્યા છે, પરંતુ વિદેશી ફંડ પર FCRA હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધોથી બચવા માટે AAPએ બુક ઓફ એકાઉન્ટ્સમાં વાસ્તવિક દાનદાતાની ઓળખ પણ છુપાવી છે.
FIRST AND EXCLUSIVE: Sensational ED secret report marked to MHA reveals that AAP hid the identity of the source of Rs 7 crore funds received from foreign donors located in Canada, USA, Middle East, NZ and Aus between 2014 and 2022. The report states that multiple donors used the… pic.twitter.com/4ukr3vJBqd
— Rahul Shivshankar (@RShivshankar) May 20, 2024
EDએ તેની તપાસ સાથે સંબંધિત તમામ માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દાતાઓની વિગતો સાથે શેર કરી છે. જેમ કે, ભંડોળ આપનારનું નામ, દાતાનો દેશ, પાસપોર્ટ નંબર, ફંડમાં આપેલી રકમ, ફંડિંગની પદ્ધતિ, બેન્ક એકાઉન્ટ નંબર, બિલિંગ ઇમેઇલ, ફંડિંગનો સમય-તારીખ અને ચુકવણી માટે ઉપયોગમાં લેવાયેલા ગેટવે વગેરે, આ વિગતો PMLA 2002 હેઠળ તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવી છે. એજન્સીએ કેનેડાઈ નાગરિકોની ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબરો દ્વારા ફંડિંગ મળ્યાના પુરાવા પણ એકત્રિત કર્યા છે.
નોંધવા જેવુ છે કે, ભ્રષ્ટાચાર વિરોધી ઝંડા લઈને ઊભી થયેલી આમ આદમી પાર્ટી આજે બધી બાજુથી ભ્રષ્ટાચારના કીચડમાં ફસાઈ ગઈ છે. પાર્ટીના પ્રથમ હરોળના તમામ નેતાઓ આજે જેલમાં છે અને અન્ય ઘણા આરોપો પણ લાગી રહ્યા છે. ઓછામાં વધુ સ્વાતિ માલીવાલનો કેસ આવ્યા બાદ આખી પાર્ટી વિવાદ સાફ કરવામાં લાગી ગઈ છે. 10 જ વર્ષમાં આમ આદમી પાર્ટી એવા વિવાદોમાં ફસાઈ ગઈ છે કે, હવે તેના અસ્તિત્વને લઈને પણ ધારણાઓ કરવામાં આવી રહી છે. રાજનીતિજ્ઞ વિશેષકોનું માનવું છે કે, આમ આદમી પાર્ટીનું હવે કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી.