ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી મસ્જિદ’માં શૃંગાર ગૌરીની વિડીયોગ્રાફીનો આજે બીજો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યે કોર્ટ કમિશ્નર અજય કુમાર મિશ્રા પક્ષ અને પ્રતિપક્ષ સાથે જ્ઞાનવાપી પરિસર પહોંચ્યા હતા. જોકે, તે પહેલાં મુસ્લિમ પક્ષે કોર્ટમાં એક અરજી દાખલ કરીને કમિશ્નર પર નિષ્પક્ષ રીતે કામ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કમિશ્નર બદલવાની પણ માંગ કરી હતી. તો બીજી તરફ આ મામલે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું કહેવું છે કે કોર્ટમાં મસ્જિદની અંદર વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. વિડીયોગ્રાફી માત્ર બહારના ચબૂતરાની કરવામાં આવનાર છે. મુસ્લિમ પક્ષના વકીલોએ આરોપ લગાવ્યો હતો કે મસ્જિદની દીવાલોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી કોર્ટ કમિશ્નર બદલી નાંખવામાં આવે.
દરમ્યાન, સર્વેના એક દિવસ પહેલાં મુસ્લિમોએ નારાબાજી કરવાના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. તંત્રે 1000 પોલીસ અને પીએસીના જવાનોને એક કિલોમીટરના વિસ્તારમાં તહેનાત રાખવામાં આવ્યા હતા.
વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરમાં થતા સર્વે મામલે AIMIM પ્રમુખ ઔવેસી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય મુસ્લિમ વિરોધી હિંસાના રસ્તા ખોલી આપશે. તેમણે ટ્વીટમાં કહ્યું, ‘કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ આદેશથી કોર્ટ 1980-1990 ના દાયકાની રથયાત્રા દરમિયાન થયેલ ખૂનામરકી અને મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલી રહી છે.
This order to survey Kashi’s Gyanvapi Masjid* is open violation of 1991 Places of Worship Act, which prohibits conversion of religious places. SC in Ayodhya judgement had said the Act protects “secular features of Indian polity which is 1 of basic features of Constitution”1/2 https://t.co/ed5yyS9ieL
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2022
વિવાદિત માળખાના સર્વેના એક દિવસ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં ગેટ નંબર 4માંથી સર્વે ટીમ અંદર જતી હતી તે દરમિયાન ત્યાં અલ્લાહુ અકબરના નારા લાગ્યા હતા. જ્યાં બીજી તરફ હિંદુ પક્ષે પણ હરહર મહાદેવના નારા લગાવ્યા હતા. નોંધવું જોઈએ કે આ વિવાદિત માળખાના એક ભાગની દેખરેખ કરનાર અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિ સતત આ સર્વેનો વિરોધ કરી રહી છે. કોર્ટનો આદેશ આવ્યા બાદ સમિતિના સંયુક્ત સચિવે કહ્યું હતું કે કોઈને પણ માળખામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને તેઓ તે માટેના પરિણામો માટે તૈયાર છે.
શું છે મામલો?
18 ઓગસ્ટ 2021 ના દિવસે વારાણસીમાં પાંચ મહિલાઓએ શૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ દર્શન કરવાની માંગ સહિત અન્ય માંગોને લઈને વારાણસીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આ અરજી સ્વીકારતા સ્થળ પરની સ્થિતિ જાણવા માટે એક કમિશન રચવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં વિવાદિત સ્થળનું નિરીક્ષણ થઇ શક્યું ન હતું.
વારાણસી સિવિલ જજ (સિનીયર ડિવીઝન ફાસ્ટટ્રેક) જસ્ટિસ રવિ કુમાર દિવાકરે 18 ઓગસ્ટ 2021ના પોતાના પહેલા આદેશને યથાવત રાખી 8 એપ્રિલ 2022 ના રોજ કોર્ટે કમિશ્નર અજય કુમાર મિશ્રાને નિયુક્ત કરી સર્વેક્ષણ અને વિડીયોગ્રાફીની કાર્યવાહી ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે સુનાવણી બાદ અરજી ફગાવીને પોતાના પહેલા આદેશને યથાવત રાખ્યો હતો અને 10 મે પહેલાં ઈદ બાદ સર્વેક્ષણ અને વિડીયોગ્રાફીની કાર્યવાહી કરીને આ મામલે રિપોર્ટ માંગીને સુનાવણીની તારીખ 10 મે 2022 મુકરર કરી છે.