ગુજરાત રાજ્ય પ્રશાસને બોટાદના ડોન સિરાજ ઉર્ફે સિરોની ગેરકાયદેસર સંપત્તિ તોડી પાડી છે. બુલડોઝરથી બોટાદમાં મોહમ્મદપૂરા ખાતે આવેલ સિરાજ ડોનની ગેરકાયદેસર સંપત્તિ તોડી પાડતા દ્રશ્યો અહીં જોઈ શકાય છે. ડીએસપી તથા સ્થાનિક પીઆઈ સાથે 20થી વધુ કર્મચારીઓનો કાફલો આ કાર્યવાહી માટે આવી પહોચ્યો હતો.
સિરાજની અગાઉ 8 મેના રોજ પોલીસે ધરપકડ કરી હતી.
5 મેના રોજ સિરાજે વેપારી અને VHP નેતા મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ઉર્ફે મુન્નાભાઈ માળીને કથિત રીતે ધમકી આપી હતી. મુન્નાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા સિરાજ ડોને કહ્યું હતું કે, “તારે કિશન ભરવાડ જેવું જ પરિણામ ભોગવવું પડશે.”
આ સંદર્ભે મુન્નાભાઈ માળીએ 7મી મે 2022ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી સિરો ડોનનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે અને તેની સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ માટે ફરિયાદો નોંધાયેલી છે.
આરોપીઓએ કથિત રીતે મુન્નાભાઈ માળીને એમ કહીને ધમકી આપી હતી કે, “ગામમાં તમે હનુમાનજીના મંદિર પર લાઉડસ્પીકર લગાવ્યા છે. તેને નીચે ઉતારો નહીંતર કિશન ભરવાડ જેવા જ પરિણામોનો સામનો કરવો પડશે. તમે અમારું શું કરશો? જો હું તમને કારમાં બેસાડીને તમારું અપહરણ કરી લઉં, તો તમે મારું કશું કરી શકતા નથી. અમે તમને બધાને જોઈ રહ્યા છીએ. તારી મર્યાદામાં રહો, નહીંતર હું તમને મારી નાખીશ.” અને આગળ તેણે ઉંચા અવાજે વાત કરી અને ફરીથી તેને (મુન્નાભાઈ માળી)ને મારી નાખવાની ધમકી આપી.
આ ફરિયાદ અંતર્ગત 8 તારીખે આરોપી સિરાજ ડોનની ધરપકડ કર્યા બાદ આજે સવારે DSP અને PI સહિત 20થી વધુ કર્મચારીઓનો કાફલો બોટાદના મોહમ્મદપુરા ખાતે આવેલ સિરાજ ડોનની ગેરકાયદેસર સંપત્તિ ખાતે પહોચ્યો હતો. જ્યાં બુલડોઝરની મદદથી ગેરકાયદેસર મિલકતને તોડી પડાઈ હતી.
ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન ફરિયાદકર્તા મહેન્દ્રભાઇ માળી એ કહ્યું, “પ્રશાસન દ્વારા મારી ફરિયાદને ધ્યાને રાખીને આ જે ત્વરિત કાર્યવાહી કરી છે એનાથી મને સંતોષ છે. મારી ફરિયાદના આધારે તુરંત જ આરોપીની ધરપકડ કરી દેવામાં આવી હતી.” મહેન્દ્રભાઇએ આગળ જણાવ્યુ, “મારા પરિવાર અને મારા પર ખતરો હજુ યથાવત છે, જે માટે આજે અમે પોલીસને અમારા સંરક્ષણ માટેની અરજી આપવા જવાના છીએ.”
સિરાજ ડોન પર ગેરકાયદે જુગાર અને હત્યાના પ્રયાસ સહિત 34 જેટલા કેસ દાખલ છે.
25મી જાન્યુઆરી 2022ના રોજ, અમદાવાદ (ગ્રામ્ય)માં આવતા ધંધુકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કિશન ભરવાડના હત્યારા શબ્બીર અને ઈમ્તિયાઝ પઠાણની પોલીસે ધરપકડ કરી હતી અને વધુ તપાસમાં મુસ્લિમ મૌલવીની સંડોવણી પણ બહાર આવી હતી.
પુરક માહિતી લિંકન સોખડીયા દ્વારા.