મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરને લઈને શરૂ થયેલો વિવાદ હવે અન્ય રાજ્યોમાં પણ પ્રસરી રહ્યો છે. હવે કર્ણાટક સરકારે લાઉડસ્પીકરના ઉપયોગ પર આંશિક પ્રતિબંધ લાગુ કરી દીધો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ણાટક રાજ્યમાં પણ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હશે.
મંગળવારે (10 મે, 2022) કર્ણાટક સરકારે ધ્વનિ પ્રદુષણ નિયંત્રણ સબંધિત નિયમો હેઠળના 2002 ના આદેશનો હવાલો આપીને એક પરિપત્ર જારી કર્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીમાં ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, કોમ્યુનિટી હોલ અને બેન્કવેટ હોલને છોડીને ક્યાંય લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, જેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે 15 દિવસની અંદર સબંધિત અધિકારીઓ પાસેથી અનુમતિ લેવી પડશે.
તદુપરાંત, જણાવવામાં આવ્યું છે કે જેમને જ્યાં પરવાનગી આપવામાં ન આવી હોય ત્યાં લાઉડસ્પીકર કે અન્ય ધ્વનિ ઉત્પાદક સાધનો સ્વૈચ્છિક રીતે હટાવી લે અથવા સમય પૂર્ણ થયા બાદ સબંધિત અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. તદુપરાંત, ધ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમોની જોગવાઈઓ અનુસાર, લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમની પરવાનગી માંગતી અરજી પર નિર્ણય લેવા માટે વિવિધ સ્તરે વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.
લાઉડસ્પીકર મામલે વિવાદ વધતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, મુખ્ય સચિવ, એડિશનલ એડવોકેટ જનરલ, ગૃહ વિભાગના અધિકારીઓ તેમજ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ આ મામલે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.
After 15 days, action will be taken as per the law if at all the permission has not been taken by any of the loudspeakers using authority on any premises. We will remove the loudspeakers and case will be filed against such people: Karnataka Home Minister Araga Jnanendra (2/2) pic.twitter.com/NWsj5u94ug
— ANI (@ANI) May 11, 2022
બેઠક બાદ કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગાઈડલાઈન અનુસાર, રાત્રે દસથી સવારે 6 સુધીમાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. નિયત ડેસીબલ હેઠળ લાઉડસ્પીકરના ઉપયોગ માટે સબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવી પડશે. 15 દિવસની અંદર લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા સંસ્થાન દ્વારા પરવાનગી લેવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. લાઉડસ્પીકરો હટાવવામાં આવશે અને આવા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.
શ્રીરામ સેનાએ ઉચ્ચારી હતી ચીમકી
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવ્યા બાદ કર્ણાટકમાં પણ શ્રીરામ સેના દ્વારા લાઉડસ્પીકર અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે 15 દિવસ પહેલાં ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકરને લઈને કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો 9 મેથી કર્ણાટકના મંદિરોમાંથી પણ લાઉડસ્પીકરથી ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવશે.
શ્રીરામ સેનાના પ્રમુખે નિવેદન આપતા કહ્યું હતું કે, “હું ચેતવણી આપી રહ્યો છું. મુસ્લિમ સંગઠનોની જીદથી વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. તમારી પ્રાર્થનાઓ અને નમાઝ હોસ્પિટલના દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને પરેશાન કરી રહી છે. તેથી કાં તો તમે ડેસિબલ લેવલ ઘટાડો અથવા અમે અમારી રીતે કાર્યવાહી કરીશું.”
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા નોંધ્યું હતું કે, અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ મૌલિક અધિકાર નથી. કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે, કોઈ પણ ધર્મ પૂજા કે ઈબાદત માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી આપતો નથી.