Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજદ્રોહ કાયદા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કાયદાના અમલ પર રોક...

    રાજદ્રોહ કાયદા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કાયદાના અમલ પર રોક લગાવી, નવી કોઈ FIR નહીં થાય; કપિલ સિબ્બલે કોર્ટમાં રજૂ કરી હતી દલીલો

    સુપ્રિમ કોર્ટે દેશદ્રોહના કાયદા પર કામચલાઉ રોક લગાવી દીધી છે અને નવી FIR ન નોંધવા આદેશ આપ્યો છે. હાલમાં જે કેસ ચાલી રહ્યા છે તે લોકો જામીન માટે અરજી કરી શકે છે એમ પણ જણાવ્યું છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ પર સુનાવણી કરતા રાજદ્રોહ કાયદા પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પુનર્વિચાર સુધી રાજદ્રોહના કાયદા 124A હેઠળ કોઈ પણ નવો કેસ દાખલ કરવામાં ન આવે. આ મામલે કેન્દ્ર રાજ્ય સરકારોને ગાઈડલાઈન પણ જારી કરશે.

    કોર્ટે હાલ ચાલતા કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે એમ પણ કહ્યું છે કે જેમની વિરુદ્ધ રાજદ્રોહના આરોપસર કેસ ચાલી રહ્યા છે અને આ આરોપમાં જેઓ જેલમાં બંધ છે તેઓ જામીન માટે જે-તે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકે છે. હવે આ મામલે જુલાઈમાં સુનાવણી થશે.

    અહીં ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કાયદા અને તેની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટ ખાતે સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ એન.વી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને રાજદ્રોહની કલમ અંગે પુનર્વિચાર કરવાની મંજૂરી આપતા કહ્યું કે, પુનર્વિચારની પ્રક્રિયા પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી આ કાયદાનો ઉપયોગ થવો ન જોઈએ. સાથે કોર્ટે આશા વ્યક્ત કરતા કહ્યું કે, 124A પર ફરીથી વિચારની પ્રક્રિયા પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી કોઈ કેન્દ્ર કે રાજ્ય સરકાર આ કલમ હેઠળ કેસ દાખલ નહીં કરે.

    - Advertisement -

    હાલ આ કાયદા પર રોક લગાવવામાં નહીં આવે : કેન્દ્રની અપીલ

    દરમ્યાન, કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, રાજદ્રોહના આરોપસર એફઆઈઆર દાખલ કરવાનું બંધ કરી શકાય નહીં કારણ કે આ પ્રાવધાન એક સંગીન અપરાધ સાથે સબંધિત છે અને 1962 માં એક બંધારણીય પીઠે પણ તેને યથાવત રાખ્યો હતો. કેન્દ્રે રાજદ્રોહના બાકી કેસો મામલે કોર્ટને સૂચન કર્યું કે, આ પ્રકારના કેસમાં જામીન અરજીઓ જલ્દીથી સુનાવણી કરવામાં આવે કારણ કે સરકાર દરેક કેસની ગંભીરતાનું આકલન કરી શકે નહીં અને આ કેસો આતંકવાદ, મની લોન્ડરિંગ વગેરે જેવી બાબતો સાથે પણ જોડાયેલા હોય શકે છે.

    સરકારે કોર્ટમાં જણાવ્યું કે કેન્દ્રે રાજ્ય સરકારોને જારી કરવા માટેના આદેશનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જે અનુસાર રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ હશે કે જિલ્લા પોલીસ પ્રમુખ (એસપી) કે તેમનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરી વગર રાજદ્રોહની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ થઇ શકાશે નહીં. જેની સાથે સરકારે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે હાલ આ કાયદા પર રોક લગાવવામાં ન આવે.

    આ ઉપરાંત, સરકાર પક્ષેથી સોલિસિટર જનરલે એમ પણ જણાવ્યું હતું કે આ જામીનપાત્ર કલમ છે અને તમામ ચાલી રહેલા કેસની ગંભીરતાનું વિશ્લેષણ કરવું અને આકલન કરવું કઠિન છે. આ સંજોગોમાં કોર્ટ અપરાધની પરિભાષા પર રોક લગાવે તે યોગ્ય હોય શકે નહીં.

    બીજી તરફ, અરજદાર તરફથી દલીલ કરતા વકીલ કપિલ સિબ્બલે માંગ કરી હતી કે રાજદ્રોહ કાનૂન પર તત્કાલ રોક લગાવવાની જરૂર છે. આ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહના કાયદાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ સાથે નોંધ્યું કે નાગરિકોના અધિકારોની રક્ષા સર્વોપરિ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં