Thursday, September 19, 2024
More
    Home Blog Page 1112

    સ્કૂલમાં નમાજ પઢ્વા આપ્યો રૂમ: તો વાલી બોલ્યા મારૂ બાળક હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગે છે તો રૂમ ફાળવશો?

    નડિયાદની નોલેજ સ્કૂલ હમણાં વિવાદમાં આવી છે. એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં શાળાના સંચાલકો એ બાળક ને શાળાએ મૂકવો છે કે નહીં? તેવું પૂછાતા વાલી એ વળતો સવાલ કરી ને પૂછ્યું હતું કે “તમે શાળામાં મુસ્લિમ બાળકો માટે સ્કુલમાં નમાજ પઢવાની વ્યવસ્થા કરી છે? તો પછી મારા બાળક હનુમાન ચાલીસાના પાઠ કરશે તેના માટે પણ અલગ રૂમની વ્યવસ્થા કરો.”

    છેલ્લા બે દિવસ થી સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે જેના કારણે હમણાં ચાલી રહેલી ધાર્મિક ઉન્માદની ચર્ચામાં એક વધુ કડી ઉમેરાઈ છે. કર્ણાટકમાં હિજબ મામલો હોય કે હલાલ નો મામલો હોય કે પછી શોભા યાત્રા પર પત્થર મારાનો મામલો હોય. દેશમાં હાલમાં ધાર્મિક ચર્ચાનો માહોલ છે બંને પક્ષે લોકો પોત પોતાની વાત રાખી રહ્યા છે. પરંતુ નડિયાદની નોલેજ શાળાનો આ મામલો ચોકાવનારો છે.

    સમાન્યપણે શાળામાં ગણવેશ સરખો એટલા માટે રાખતો હોય છે કારણ કે કોઈ પણ નાત જાત નો ભેદ રહે નહીં કોઈ ઊંચ નીચ રહે નહીં કોઈ સાથે ધાર્મિક ભેદભાવ થાય નહીં. પરંતુ અહિયાં શાળા પ્રશાસન જ એક ચોક્કસ ધર્મના લોકો માટે અલગથી સ્કુલમાં નમાજ માટે રૂમ આપે તે શિક્ષણનું ધર્મીકીકરન છે અને બાળકો ભેદભાવ શીખે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શાળા સંચાલકો ને આ બાબતે પૂછતા કોઈ જવાબ આપ્યો ના હતો. પરંતુ જ્યારે બાળકો ને પૂછવામાં આવ્યું તો તેમણે કબૂલ્યું હતું કે શાળાના ચોથા માળે નમાજ માટે એક અલગથી રૂમ ફાળવવામાં આવ્યો છે.

    ઓડિયોમાં થતી વાત ચિતમાં વાલી અલગ એમ પણ કહે છે કે “શું મારો બાળક હનુમાનના પાઠ શનિવારે અને મંગળવારે કરવા માંગે છે તો સુ તમે તેના માટે રૂમ ફાળવશો? તેના જવાબમાં શાળા સંચાલક યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. હમણાં સુધી આ વિવાદ પર શાળા તરફ થી કોઈ જ બયાન આવ્યું નથી. જોકે ઘણા લોકોનું કહેવું છે કે આવી અદાયલી વ્યવસ્થાઑ નકારને બાળકોમાં વિભાજનની માનસિકતા પૈદા થાય છે.

    દેશમાં સેક્યુલારિઝમની ચર્ચા વારંવાર થતી હોય છે, પરંતુ આ પ્રકારના કિસ્સા એવો સંકેત આપે છે કે દેશમાં સેક્યુલારિઝમ ફક્ત એ જ ધર્મના લોકો પર પરાણે લાગુ પાડવામાં આવતું હોય છે, જ્યારે બીજા ધર્મના લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવતી હોય છે.

    પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને ઇનોવેશન પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગસાહસિકતાનું માટે વૈશ્વિક આયુષ કેન્દ્ર બનાવવા માટે એકસાથે લાવશે. ત્રણ દિવસની આ સમિટમાં આયુષ ક્ષેત્રમાં રોજગાર, સાહસિકતા, રોકાણ તથા સંશોધન પર ભાર આપશે.

    સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

    WHO મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસએ પોતાના ટૂંકા સંબોધનમા ગુજરાતીમાં કહ્યું કે, “મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે.” જે બાદ હજાર મહેમાનોએ તાળીઓ સાથે એમને વધાવી લીધા હતા.

    પ્રધાનમંત્રી મોદીએ આ અવસર પર પોતાના વક્તવ્યમાં ઘણી મહત્વની વાતો કહી હતી.

    પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. ભારત પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિનું સાક્ષી છે. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું.આજે તે વધીને $18 બિલિયનથી વધુ થઈ ગયું છે.
    
    પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહર' નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે.
    
    મોદીએ ઉમેર્યું કે, ભારતમાં અત્યારે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતમાંથી 14 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. એમને ખાતરી છે કે ભારતના આયુષ સ્ટાર્ટઅપ્સમાંથી યુનિકોર્ન બહુ જલ્દી બહાર આવશે.
    
    આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતની મુસાફરી કરવાની સુવિધા મળશે. એક વિદેશી નાગરિક રોઝમેરી કે જેણે આયુર્વેદિક સારવાર દ્વારા દ્રષ્ટિ પાછી મેળવી હતી, PM મોદીએ મહાત્મા મંદિરમાં એની આપવીતી સૌ સમક્ષ મૂકી હતી.
    
    ભારત એક ખાસ આયુષ ચિહ્ન પણ બનાવવા જઈ રહ્યું છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આનાથી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ મળશે.
    
    અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહા નિર્દેશક ડો. ટેડ્રોસને નવું ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું અને ટેડ્રોસએ પણ સહજ ભાવે હસીને નવું નામ સ્વીકાર્યું હતું. સાથે મોદીએ તુલસીના છોડનું મહત્વ પણ સમજાવ્યું હતું.

    આ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022 ત્રણ દિવસ ચાલવાની છે.

    ત્રણ દિવસમાં વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022માં 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ, 2 સિમ્પોઝિયમ હશે. સમિટના ઉદ્દઘાટન પછી તકનીકી સત્રો યોજાશે. આ સત્રોમાં બે રાઉન્ડ ટેબલ હશે.

    પ્રથમ દિવસના પહેલા સત્રમાં રાજદ્વારી કોન્ક્લેવ અને વિશ્વ માટે ભારતીય આયુષ તકો પર કેન્દ્રિત હશે. ડિપ્લોમેટ કોન્ક્લેવ રિપબ્લિક ઓફ કોંગો, લેસોથો, માલી, મેક્સિકો, રવાન્ડા, ટોગો, મોંગોલિયા, બાંગ્લાદેશ, ચિલી, ક્યુબા, ગામ્બિયા, જમૈકા, થાઈલેન્ડ, કિર્ગિઝ્સ્તાન, ઝિમ્બાબ્વે, કોસ્ટા રિકાના દૂતાવાસો અને અને માનવ સેવા, યુએસ એમ્બેસી તથા યુએસ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ સહભાગી બનવાના છે.

    પ્રથમ દિવસનું બીજું રાઉન્ડ ટેબલ ચર્ચા-વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં મુખ્ય મંત્રાલયો અને ઉદ્યોગો/ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટ-અપ્સ વચ્ચે G2B ક્રિયાપ્રતિક્રિયાઓ, FMCG કોન્ક્લેવમાં આયુષ અને યોગ પ્રમાણપત્રનું વૈશ્વિકરણ જેવા વિષયો કેન્દ્રમાં રહેશે. પ્રથમ દિવસ આયુષ-ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પ્રોસ્પેક્ટ્સ: રોકાણની તકો (ઉદ્યોગનું કદ અને અંદાજો, નિયમનકારી પાસાઓ, ઉત્પાદનો અને સેવાઓની નિકાસ) પર પૂર્ણ સત્ર સાથે સમાપ્ત થશે.

    આ સમિટ 20 થી 22 એપ્રિલ 2022 દરમિયાન બહુવિધ ભાગોમાં સુનિશ્ચિત કરવામાં આવી છે, જે આયુષ શિક્ષણ, સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સમગ્ર આયુષ પ્રણાલીઓમાં સતત આરોગ્યની વૈશ્વિક સમજની હિમાયત કરશે.

    જુનિ.એનટીઆર બન્યા ભગવાધારી: આરઆરઆર ફિલ્મની સફળતા બાદ લીધી 21 દિવસની કઠોર હનુમાન દીક્ષા

    ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે અહિયા પ્રદેશ, જાતિ, ધર્મના આધારે દરેક સમુદાયની પોતાની આસ્થા હોય છે. એવી જ એક આસ્થાના પાલન બાબતે એક ફિલ્મ સ્ટાર ચર્ચામાં છે. હાલમાં રાજામૌલિની ફિલ્મ આરઆરઆર બ્લોક બસ્ટર રહી છે અને કમાણીના મામલામાં રૂ.1,000 કરોડનો પણ આંકડો પાર કરી ચૂકી છે. આની ખુશી અને શ્રદ્ધાના ભાગરૂપે તેના એકટર જુનિયર એનટીઆર એ 21 દિવસની કઠોર હનુમાન દીક્ષા લીધી છે.

    હનુમાન દીક્ષા લીધા બાદ જિનિયર એનટીઆર.

    તેમની હનુમાન દીક્ષા લીધા બાદની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે દક્ષિણ ભારતના સુપર સ્ટારો હમેશા ભારતીયતાનું સન્માન કરતાં હોય છે જ્યારે બૉલીવુડને લોકોને આ મામલે ખૂબ ખરું ખોટું સાંભળવ્યું હતું અને આરોપ પણ લગાવ્યો હતો કે બૉલીવુડ હમેશા ધર્મ અને આસ્થાની મજાક જ ઉડાવતું હોય છે.

    શું હોય છે હનુમાન દીક્ષા?

    હનુમાન દીક્ષા 21 દિવસની કઠોર તપસ્યા હોય છે જેમાં સંપૂર્ણ ભગવા વસ્ત્ર ધારણ કરી, હનુમાન માળા પહેરી, ઉધડા પગે રહેવાનુ હોય છે આ ઉપરાંત આ 21 દિવસ સાત્વિક ભોજન લેવાનું હોય છે તથા બ્રહ્મચર્યનું પાલન પણ કરવાનું હોય છે. જુનિયર એનટીઆર એ હમણાં હનુમાન દીક્ષા લીધી છે હમણાં જ એક કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં હનુમાન માળા પહેરી ઉઘાડા પગે લોકો ને નજરે પડ્યા હતા. તેમની આ આસ્થા લોકોને ખૂબ પસંદ પડી છે.

    રામ ચરણે પણ લીધી છે 41 દિવસ ની અયપ્પા દીક્ષા.

    આરઆરઆર ફિલ્મના બીજા હીરો રામ ચરણે થોડા દિવસ પહેલા જ અયપ્પા દીક્ષા લીધી છે તે પણ 41 દિવસનું કઠોર તપ હોય છે જેમાં કાળા વસ્ત્રો ધારણ કરીને 41 દિવસ સુધી ઉઘાડા પડે રહેવાથી લઈને જમીન પર સુવા સુધીની સાધના કરવી પડતી હોય છે. તેમનું આ વ્રત હમણાં ચાલુ જ છે.

    અયપ્પા દીક્ષા લીધા બાદ આરઆરઆર ફિલ્મના એકટર રામચરણ.

    આરઆરઆર ની સફળતા પછી હવે જિનિયર એનટીઆર કોરતલા શિવા અને કેજીએફ ફિલ્મના નિર્માતાની ફિલ્મ સલારમાં દેખાશે. જો કે હમણાં તો તે આધ્યત્મિક યાત્રા પર છે.

    ‘જહાંગીરપુરીમાં વૃંદા કરાત, કોર્ટમાં કપિલ સિબ્બલ, ‘આપ’નું સંરક્ષણ’ : દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું- તોફાનીઓને બચાવવા માટે સેક્યુલર ગેંગ મેદાને

    હનુમાન જયંતીના દિવસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલાં રમખાણો બાદ પકડાયેલા તોફાનીઓની ભૂમિકાને લઈને રાજ્ય સરકાર પર પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે જહાંગીરપુરી હિંસા માટે જવાબદાર આ તોફાનીઓને દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીનું સંરક્ષણ મળી રહ્યું છે.

    દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જે રીતે સુપ્રીમ કોર્ટમાં તોફાનીઓનો પક્ષ લેવામાં આવી રહ્યો છે અને જહાંગીરપુર વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે તે દર્શાવે છે કે આ તોફાનીઓને બચાવવા માટે ‘સેક્યુલર ગેંગ’ એક થઇ ગઈ છે.

    આદેશ ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું, ‘વૃંદા કારતનું જહાંગીરપુરી જવું, કપિલ સિબ્બલનું કોર્ટમાં પક્ષ રાખવું અને આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓનું તોફાનમાં સામેલ થવું સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તોફાનીઓને સંરક્ષણ આપવા માટે કથિત સેક્યુલર ગેંગ આજે એક થઇ ગઈ છે.’

    આદેશ ગુપ્તાએ કહ્યું, જહાંગીરપુરી વિસ્તારમાં ધારાસભ્ય અને કોર્પોરેટર બંને આમ આદમી પાર્ટીના છે અને બંને માફિયાઓ અને તોફાનીઓને સંરક્ષણ આપી રહ્યા છે. ત્યાં જે તોફાનીઓ પકડાયા છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમને સંરક્ષણ મળી રહ્યું હતું.

    આદેશ ગુપ્તાએ કહ્યું કે, અન્સાર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. જહાંગીરપુરીના ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેના સબંધો છે. તે એક માફિયા તરીકે કામ કરતો હતો. ત્યાં જેઓ પણ ગેરકાયદે ધંધો કરતા હતા તેઓ તપાસમાં સામે આવી જશે. આ પોલીસ તપાસનો વિષય છે.

    દિલ્હી પોલીસની કાર્યવાહી મામલે સંતુષ્ટિ વ્યક્ત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જહાંગીરપુરી વિસ્તારમાં સ્થિતિ ઠીક નથી. તોફાનીઓએ શાંતિપૂર્ણ યાત્રા અને નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન વચ્ચે દિલ્હી પોલીસ આવી તો તેમની ઉપર પણ ગોળી ચલાવવામાં આવી. આવા તોફાનીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી.

    જહાંગીરપુરી હિંસા બાદ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી રહેલા અતિક્રમણને લઈને તેમણે કહ્યું, મેં કોર્પોરેશનના કમિશનર અને મેયરને પત્ર લખ્યો હતો. મેં ગેરકાયદે સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. ત્વરિત કાર્યવાહી કરવા બદલ હું પાલિકાને અભિનંદન પાઠવું છું.

    તેમણે કહ્યું કે અતિક્રમણ હટાવવું એ પાલિકાનું કામ છે. ઘણીવાર ફરિયાદ મળ્યા બાદ થાય છે તો ઘણીવાર રૂટિન કામ તરીકે કરવામાં આવે છે. આવનાર સમયમાં દિલ્હીમાંથી અને ખાસ કરીને જ્યાં ગેરકાયદે કારોબાર ચાલતા હોય, નશાખોરી થતી હોય તેવા વિસ્તારોમાંથી અતિક્રમણ હટાવવામાં આવશે.

    બાંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના અતિક્રમણ અને ગેરકાયદે નિરમાનોને લઈને તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી રોહિંગ્યાઓને કેજરીવાલ સરકારનું સમર્થન મળી રહ્યું છે. સરકાર તેમને વીજળી-પાણી અનર રાશન મફતમાં આપી રહી છે. આ વિસ્તારોમાં કાર્યવાહી ખૂબ જરૂરી છે અને કોર્પોરેશન આ મામલે આગળ પણ કાર્યવાહી ચાલુ જ રાખશે.

    બીજેપી નેતાઓ બાદ હવે પંજાબ પોલીસ પહોંચી કુમાર વિશ્વાસના ઘરે, કવિએ ભગવંત માનને આપી ચેતવણી

    પંજાબ પોલીસ આ પહેલા ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજકારણી બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત આવી ચૂકી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ તથા આમ આદમી પાર્ટીના સ્થાપક સદસ્ય કુમાર વિશ્વાસના ઘરનો દરવાજો ખખડાવ્યો છે.

    એવું લાગે છે કે પંજાબ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ જે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેને દબાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પંજાબ પોલીસે ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજનેતા બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત મુલાકાત લીધી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના ઘરે પણ પહોચી છે.

    કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેણે પંજાબના સીએમ ભગવંત માનને ચેતવણીના રૂપમાં સલાહ પણ આપી છે અને માનને તેમના ભૂતકાળની યાદ અપાવી છે. કુમાર વિશ્વાસના ઘરે પંજાબ પોલીસનું પહોચવું એ મુદ્દો હવે વધુ વેગ પકડે એવી આશંકા છે.

    કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘વહેલી સવારે પંજાબ પોલીસ દરવાજા પર આવી પહોંચી છે. એક સમયે, મારા દ્વારા પાર્ટીમાં સામેલ કરાયેલા ભગવંત માનને હું ચેતવણી આપું છું કે દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ, જેને તમે પંજાબની જનતાએ આપેલી સત્તા સાથે રમવા દો છો, તે એક દિવસ તમને અને પંજાબને છેતરશે. દેશને મારી ચેતવણી યાદ રહે.’

    પંજાબ પોલીસે કુમાર વિશ્વાસ વિરૂદ્ધ કયા કેસમાં કેસ નોંધ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું લાગે છે કે કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના ખાલિસ્તાનીઓ સાથેના સંબંધોનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસ એ જ મામલામાં તેમના ઘર સુધી પહોંચી ગઈ છે જે તેમણે દાવો કર્યો હતો.

    કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે તેઓ AAPમાં હતા ત્યારે એક દિવસ કેજરીવાલે તેમને કહ્યું હતું કે જો તેઓ પંજાબ જીતશે તો હું અલગ દેશનો પીએમ પણ બની શકું છું. તેના પર આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપવામાં આવ્યા હતા. જો કે, બાદમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પોતે બે વીડિયો જાહેર કર્યા હતા જેમાં જણાવાયું હતું કે AAPએ ચૂંટણી લડવા માટે તેમની પાસેથી નાણાકીય અને અન્ય ટેકો લીધો હતો.

    પંજાબ પોલીસ દ્વારા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધના નિવેદનોને લઈને મોહાલીના સાયબર ક્રાઈમ સેલમાં ઉપરાઉપર કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ પહેલા દિલ્હીમાં બીજેપી નેતા તેજિંદર બગ્ગા, દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પણ પંજાબ પોલીસ તપાસ માટે દિલ્હી પહોંચી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલ ઉપરાંત અનેક લોક ઉપયોગી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

    બનાસ ડેરી ખાતેના નવા સંકુલના ઉદઘાટન સાથે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ, ચીઝ-વેય પ્રોસેસિંગ પ્લાન્ટ, 4 બનાસ બાયોગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન તથા બનાસડેરીના હમણાં સુંધીના વિકાસને દર્શાવતી કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું.

    પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં કો-ઓપરેટિવ ચળવળથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પ્રધાનમંત્રી મોદીએ બનાસડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, “હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું.”

    બનાસકાંઠાએ બટાટાના મબલખ ઉત્પાદન દ્વારા ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી, વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી. આ અવસર પર પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    બનાસ ડેરી દ્વારા મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લોકલ પ્રોડક્ટને વૈશ્વિક બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહ્યું કે, મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભર થશે.

    નહિવત વરસાદ અને સૂકી જમીન વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા ખેડૂતો બનાસકાંઠામાં જોવા મળે છે.

    બનાસડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે, પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યુ કે, બનાસકાંઠાના લોકો જેને સમજી-સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે.

    આ બનાસડેરીએ ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે.

    પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ 75 તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ-જનકલ્યાણ માટેના અનેક માર્ગ હોય છે. સીમાદર્શન, રણોત્સવ, જેવા પ્રકલ્પોથી ટુરિઝમ ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે, ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની આધુનિક સુવિધાઓ અને તેનાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

    નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂપિયા 600 કરોડના ખર્ચે નવનિર્મિત ડેરી સંકુલ અને બટાટા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ નવું તૈયાર કરવા આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે.

    WHOના પારંપરિક દવાઓના વૈશ્વિક કેન્દ્ર: કોરોનાકાળમાં આયુર્વેદનું મહત્વ આપમેળે સમજાયું હતું

    આયુર્વેદિક સારવાર દ્વારા કોરોનાના કપરાં કાળમાં એવા લાખો લોકોને જીવનરક્ષક સારવાર મળી હતી કે જેમણે દવાખાના સુંધી નહોતાં પહોંચી શક્યા અથવા જેમને દવાખાનામાં ખાટલા કે ઓક્સિજનની વ્યવસ્થા થઇ નહોતી. આજે જ્યારે WHO પણ પરંપરાગત સારવાર પર ભાર આપી રહ્યું હોય ત્યારે ભગવાન ધન્વંતરિ સર્જિત આ આયુર્વેદથી કોરોનાની સારવારમાં થયેલ અસર જરૂર જાણવી જોઈએ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવાના આ પગલાને WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે “ગેમ-ચેન્જર” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને WHOના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે.

    ડૉ. પૂનમે ANI સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે.

    કોરોનાકાળ દરમિયાન સફળ નીવડી હતી આયુર્વેદિક સારવાર

    2020-2021 માં જ્યારે કોરોનાનાં કેસ ભારતમાં ટોચ પર હતા અને સર્વત્ર કોરોનાનો કહેર વર્તી રહ્યો હતો ત્યારે ભારતની પ્રજાને આયુર્વેદિક સારવાર પદ્ધતિઓએ રાહતનો શ્વાસ આપ્યો હતો. ભલે એ કોરોનીલ કીટ હોય કે ગિલોય ઘનવટી, સુદર્શન વટી હોય કે દિવ્ય ધારા હોય, કંથામૃત ગોળીઓ હોય કે વરાળથી નાસ લેવાની સારવાર હોય, દરેક ઘરમાં આયુર્વેદિક સારવાર એક રક્ષાકવચ તરીકે ઉભરી આવ્યું હતું.

    લગભગ દરેક દવાખાનાઓમાં કોરોનાની સારવારમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દર્દીઓને જુદી જુદી આયુર્વેદિક ગોળીઓ સાથે બે થી ત્રણ સમય આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવતાં હતા. દરેક શહેર-ગામમાં પ્રશાસન દ્વારા તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સેવાભાવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આયુર્વેદિક દવાઓ, ચૂરણો તથા ઉકાળાઓનું વિતરણ કરવામાં આવતું હતું.

    ગુજરાત સરકારની ધન્વંતરિ રથ સેવા પણ રેડ ઝોન તરીકે નોંધાયેલ સ્થળોએ જઈને સામાન્ય નાગરિકોને આ અતિજરુરી આયુર્વેદિક સારવાર માટેની સામગ્રીઓ વિનામૂલ્યે પહોંચાડતી હતી. સમગ્ર કોરોના કાળ દરમિયાન એવા અનેક કિસ્સા સામે આવ્યા કે જેમાં આયુર્વેદિક સારવાર દ્વારા કેટલાય વ્યક્તિઓ તથા કેટલાય પરિવારો કોરોનાના ભરડામાંથી સકુશળ બહાર આવ્યા હોય.

    વિશ્વની અનેક મોટી સંસ્થાઓની રિસર્ચમાં સાબિત થયું કે કોરોનાની સારવારમાં અન્ય પદ્ધતિઓ કરતા આયુર્વેદિક સારવાર વધુ અસરકારક નીવડી હતી.

    આયુર્વેદિક સારવાર પરંપરાગત દવાઓ કરતાં વધુ શક્તિશાળી છે, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

    વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સારવાર મેળવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, ત્યારે કોરોના દર્દીઓની ક્લિનિકલ ટ્રાયલના એક ગ્રાઉન્ડબ્રેકિંગ વચગાળાના પરિણામએ નવી આશાઓને જન્મ આપ્યો હતો. દર્દીઓ ત્રણ હોસ્પિટલોમાં કોરોના માટે કુદરતી સારવાર લઈ રહ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે આયુર્વેદિક ઉપચારની સંયુક્ત સારવાર એલોપેથિક સારવારના પરંપરાગત માર્ગની સરખામણીમાં કોરોનાના કેટલાક લક્ષણોને દૂર કરવામાં વધું સક્ષમ હતી.

    ક્લિનિકલ ટ્રાયલ ત્રણ અલગ-અલગ હૉસ્પિટલોમાં હાથ ધરવામાં આવી હતી અને કોરોના દર્દીઓને કોરિવલ લાઇફ સાયન્સ દ્વારા “ઇમ્યુનોફ્રી” તરીકે ઓળખાતી આયુર્વેદિક દવા અને બાયોજેટિકા દ્વારા ‘રેજિનમ્યુન’ કે જે ન્યુટ્રાસ્યુટિકલ છે તેની સંયુક્ત સારવાર આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ કુદરતી ઉપાયોના સંયોજનથી સરકાર દ્વારા કોરોના માટે મંજૂર કરવામાં આવેલી પરંપરાગત સારવારની સરખામણીમાં વધુ સારા પરિણામો આવ્યા હતા.

    આયુર્વેદિક ઉપાય ઇમ્યુનોફ્રી અને ન્યુટ્રાસ્યુટિકલ બાયોગેટિકાની મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં 3 હોસ્પિટલોમાં કરવામાં આવી રહી હતી. જેથી મધ્યમ લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની કુદરતી સારવારની અસરને સમજવામાં આવે. આ હોસ્પિટલોમાં લોકમાન્ય હોસ્પિટલ પુણે, મહારાષ્ટ્ર, સરકારી મેડિકલ હોસ્પિટલ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા, ગુજરાતનો સમાવેશ થયો હતો.

    આમ ભગવાન ધન્વંતરિ દ્વારા હજારો વર્ષો પહેલાં દર્શાવાયેલ આયુર્વેદિક સારવાર આ કોરોના જેવા એકદમ નવા તથા જીવલેણ રોગોમાં પણ અસરકારક નીવડે એ ભારત માટે પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરવા જેવી બાબત છે.

    પ્રધાનમંત્રી મોદીએ જામનગર, ગુજરાત ખાતે ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ નો શિલાન્યાસ કર્યો

    આજે ગુજરાતનાં જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો.

    કાર્યક્રમના મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મોરેશિયશના પ્રધાનમંત્રી પ્રબિંદકુમાર જગનાથ, WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ , ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના આયુષ મંત્રી સરબનંદા સોનોવાલ, ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા જોવા મળ્યા.

    સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહી હતી.

    • ગણપતિ વંદના તથા ધન્વંતરિ વંદના સાથે જામનગર ખાતેના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
    • આયુષ મંત્રીનું સરબનંદા સોનોવાલનું વક્તવ્ય થયું.
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વક્તવ્ય થયું.
    • WHO ના ભાગ એવા બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળના પ્રધાનમંત્રીઓના વિડિયો મેસેજ દ્વારા વક્તવ્ય થયા.
    • WHO ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસનું વક્તવ્ય થયું.
    • મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રબિંદકુમાર જગનાથનું વક્તવ્ય થયું.
    • પ્રધાનમત્રીશ્રી મોદીએ સેન્ટર નો શિલાન્યાસ કર્યો હતો.
    • અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય થયું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

    WHO પરંપરાગત દવાના આ કેન્દ્ર તરીકે ભારત સાથે નવી ભાગીદારી કરી છે. પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતના યોગદાન અને ભારતની ક્ષમતા બંને માટે આ સન્માન છે. ભારત આ ભાગીદારીને સમગ્ર માનવતાની સેવા કરવાની મોટી જવાબદારી તરીકે લઈ રહ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    પાંચ દાયકા કરતાં વધુ સમય પહેલાં જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. અહીં એક શ્રેષ્ઠ આયુર્વેદ સંસ્થા છે – ‘આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા’. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું આ ગ્લોબલ સેન્ટર વૈશ્વિક સ્તરે વેલનેસ ક્ષેત્રે જામનગરની ઓળખને નવી ઊંચાઈ આપશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    રોગમુક્ત રહેવું એ જીવનની સફરનો મહત્વનો ભાગ બની શકે છે, પરંતુ સુખાકારી એ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. આપણા જીવનમાં સુખાકારીનું શું મહત્વ છે, કોવિડ રોગચાળાના આ યુગમાં આપણે તેનો અનુભવ કર્યો છે. તેથી જ વિશ્વ આજે આરોગ્ય સંભાળ વિતરણના નવા પરિમાણની શોધમાં છે. મને આનંદ છે કે WHO એ આ વર્ષ માટે “આપણો ગ્રહ અમારું સ્વાસ્થ્ય” સૂત્ર આપીને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ના ભારતના વિઝનને આગળ ધપાવ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    ભારતની પરંપરાગત દવા પદ્ધતિ માત્ર સારવાર પુરતી મર્યાદિત નથી, પરંતુ તે જીવનનું સર્વગ્રાહી વિજ્ઞાન છે. દર્દ દૂર થવો અને સારવાર ઉપરાંત, આયુર્વેદમાં સામાજિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય – સુખ, પર્યાવરણીય સ્વાસ્થ્ય, કરુણા, સહાનુભૂતિ અને ઉત્પાદકતાનો સમાવેશ થાય છે. તેથી આપણો આયુર્વેદ જીવનના જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. તેને પાંચમો વેદ કહેવામાં આવે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    સારા સ્વાસ્થ્યનો સીધો સંબંધ સંતુલિત આહાર સાથે છે. આપણા પૂર્વજો માનતા હતા કે કોઈપણ રોગનો અડધો ઈલાજ સંતુલિત આહારમાં રહેલો છે. આપણી પરંપરાગત તબીબી પદ્ધતિઓ કઈ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું તેની માહિતીથી ભરપૂર છે. મને સંતોષ છે કે બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. વર્ષ 2023 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ જાહેર કરવું એ માનવતા માટે ખૂબ જ ફાયદાકારક પગલું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    આયુર્વેદ, સિદ્ધ, યુનાની ફોર્મ્યુલેશનની પણ વૈશ્વિક સ્તરે ઘણી માંગ છે. વિશ્વના ઘણા દેશો આજે રોગચાળાને રોકવા પરંપરાગત હર્બલ પધ્ધતિના ઉપયોગ પર ભાર મૂકે છે. ભારતની યોગ પરંપરા ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન જેવા અનેક રોગો સામે લડવામાં વિશ્વને ઘણી મદદ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા, યોગ લોકપ્રિય બની રહ્યો છે અને વિશ્વભરના લોકોને માનસિક તણાવ ઘટાડવા, મન-શરીર-ચેતનાને સંતુલિત કરવામાં મદદ કરી રહ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    હું પણ આ વૈશ્વિક કેન્દ્ર માટે પાંચ ધ્યેયો રાખવા માંગુ છું. પ્રથમ ધ્યેય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત જ્ઞાન એકત્રિત કરવાનો છે, તેનો ડેટાબેઝ બનાવવાનો છે.

    ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) એ પરંપરાગત દવાઓના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો પણ બનાવવા જોઈએ. આ તમારી સંસ્થાનું બીજું લક્ષ્ય હોઈ શકે છે. આ સાથે આ દવાઓ પર દરેક દેશના લોકોનો વિશ્વાસ વધુ વધશે.

    GCTM એ એવું પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં વિશ્વની પરંપરાગત દવાઓના નિષ્ણાતો એક સાથે આવે, સાથે આવે, તેમના અનુભવો શેર કરે. આ વૈશ્વિક કેન્દ્ર આ પ્રયાસોને તેનું ત્રીજું લક્ષ્ય બનાવી શકે છે.

    આ કેન્દ્રનો ચોથો ધ્યેય સંશોધનમાં રોકાણ સાથે સંબંધિત હોવો જોઈએ. GCTM એ પરંપરાગત દવાના ક્ષેત્રમાં સંશોધન માટે ભંડોળ એકત્ર કરવું જોઈએ.

    પાંચમો ધ્યેય સારવાર પ્રોટોકોલ સાથે સંબંધિત છે. શું GCTM અમુક ચોક્કસ રોગો માટે સાકલ્યવાદી સારવાર પ્રોટોકોલ વિકસાવી શકે છે જેમાં દર્દીને આધુનિક અને પરંપરાગત દવાઓ બંનેમાંથી ફાયદો થાય છે?

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    આપણે ભારતીયો વસુધૈવ કુટુંબકમ અને સર્વ સંતુ નિરામયની ભાવનામાં જીવતા લોકો છીએ. આખું વિશ્વ એક કુટુંબ છે અને આ આખો પરિવાર હંમેશા સ્વસ્થ રહે, આ અમારી ફિલસૂફી રહી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે : રાજ્યમાં ₹20,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ કરશે

    ગુજરાતમાં PM મોદી : વડાપ્રધાન મોદી સોમવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ જામનગરમાં પરંપરાગત દવાઓના નવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શિલાન્યાસ કરતી વખતે ₹20,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

    અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ PM મોદી રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરાયેલ સુધારાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગના નવા સ્થાપિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે ગયા હતાં.

    આ સેન્ટર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સર્વેલન્સ સિસ્ટમ તરીકે કામ કરે છે. 2019 માં સ્થપાયેલા અને ગયા વર્ષે અપગ્રેડ કરાયેલા કેન્દ્રની મુલાકાત લીધા પછી, મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી.

    PM મોદીએ ટ્વિટ કરીને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે નવું નામ સૂચવ્યું હતું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થોડા સમય પહેલા જ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલાયુ હતું. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની જગ્યાએ વિધા સમીક્ષા કેન્દ્ર લખવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત મુખ્ય બિલ્ડીંગનુ પણ નામ બદલી દેવાયુ છે. પીએમ મોદીના ટ્વીટ બાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના બદલે વિધા સમીક્ષા કેન્દ્ર નામ કરાયુ છે.

    રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સ્થાનિક રીતે ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ તરીકે ઓળખાતું કેન્દ્ર રાષ્ટ્રીય ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા આધારિત કેન્દ્ર છે.

    રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કેન્દ્ર 55,000 શાળાઓ પર દેખરેખ રાખી રહ્યું છે અને 1.2 કરોડ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોને સુધારવામાં મદદ કરવા માટે 4 લાખ શિક્ષકોને હાથવેગા રાખે છે. આ કેન્દ્ર પ્રાથમિક શિક્ષણના ગુણાત્મક સુધારણા માટે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાજરી અને કાર્યનું વાસ્તવિક સમયનું ઓનલાઈન મોનિટરિંગ કરે છે.

    PM આજે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

    પ્રધાનમંત્રી આજે સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

    પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે.

    આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.

    પ્રધાનમંત્રી જામનગરમાં WHO ના વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે

    19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે. આથી આ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે. જેને લઈને ઈન્સ્ટિટયુટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડાયેરકટર ડૉ.અનુપ ઠાકર ઈત્રની તમામ ટીમ દ્વારા વિશેષ કાર્યકમના આયોજન માટે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

    દાહોદના આદિજાતિ મહાસંમેલનમાં વડાપ્રધાન હાજરી આપશે

    ગુજરાતમાં PM મોદી પોતના પ્રવાસના ત્રીજા દિવસે 20 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 22,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    સંમેલનમાં 2 લાખથી વધુ લોકો આવવાની આશા છે. વડાપ્રધાન 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ પ્રદેશમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજના, વડાપ્રધાન આશરે રૂ. 335 કરોડના દાહોદ સ્માર્ટ સિટીના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસી લોકોને 120 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહ, આંગણવાડી અને અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન દાહોદમાં ઉત્પાદન એકમ ખાતે 9000 HP ઈલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન માટે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.

    આ ઉપરાંત વડાપ્રધાન લગભગ રૂ. 550 કરોડના મૂલ્યના રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં અંદાજે રૂ. 300 કરોડના પાણી પુરવઠાને લગતા પ્રોજેક્ટ, રૂ. 175 કરોડના દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, દુધીમતી નદી પ્રોજેક્ટને લગતા કામો, ઘોડિયા ખાતે ગેટકો સબસ્ટેશન સહિત અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 18થી 20 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં PM મોદીની અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.

    અફઘાનિસ્તાન : કાબુલની શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત

    અફઘાનિસ્તાનની એક શાળામાં એકસાથે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટમાં છ લોકોનાં મોત થયાં હોવાની અને દસથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીકના હઝારા શિઆ વિસ્તારમાં આવેલ એક કુમાર શાળામાં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

    કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ન્યૂઝ એજન્સી AFP ને જણાવ્યું હતું કે, બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તે જ વિસ્તારમાં ઇંગ્લિશ લેંગ્વેજ સેન્ટર ખાતે થયેલા એક બ્લાસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે વિસ્ફોટકોના કારણે થયો હતો કે કેમ તે અંગે ફોડ પાડ્યો ન હતો.

    ઝદરાનના જણાવ્યા અનુસાર, દશ્ત-એ-બાર્ચી વિસ્તારના પશ્ચિમી વિસ્તારમાં આવેલ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની બહાર બે વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. નોંધવું જોઈએ કે, દશ્ત-એ-બાર્ચી વિસ્તારમાં મોટેભાગે હઝારા કોમના લોકો રહે છે. આ ધાર્મિક લઘુમતીઓને અગાઉ પણ ઇસ્લામિક સ્ટેટ જેવા સુન્ની આતંકવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના 3.80 કરોડ લોકોમાંથી હઝારાઓની સંખ્યા 10 થી 20 ટકા જેટલી છે.

    અહેવાલ અનુસાર, બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જોકે, હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી.

    હઝારા કોમના લોકોને અગાઉ પણ ISKP દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હઝારાઓમાં ભય ફેલાયો છે. ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન કટ્ટર સુન્ની નિયમો પાળે છે અને આ આતંકી સંગઠન 26 ઓગસ્ટ 2021 ના રોજ કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 26 ઓગસ્ટ 2021 ના દિવસે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ની જ શાખા છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.