Saturday, November 16, 2024
More
    Home Blog Page 1077

    અમરનાથ દુર્ઘટના: 16 લોકોનાં મોતની પુષ્ટિ, NDRF-SDRF, સેનાનું રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ, યાત્રા સ્થગિત કરાઈ

    જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે (8 જુલાઈ 2022) સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. હાલ ભારતીય સેનાના નેતૃત્વમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આઇટીબીપીની ટીમો રાહત-બચાવકાર્યમાં જોતરાયેલી છે. તો બીજી તરફ, દુર્ઘટનાને પગલે અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

    ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બન્યા બાદ જ રાહત-બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે આખી રાત પણ ચાલ્યું હતું. શનિવારે સવારથી રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી આવી છે. અત્યાર સુધીમાં 16નાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જયારે 40 લોકો લાપતા છે તો 100થી વધુ લોકોને ઇજા પહોંચી છે, જેમાંથી 12ની સ્થિતિ ગંભીર છે. ઇજાગ્રસ્તોને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા ઇજાગ્રસ્તોને લઇ જવામાં આવી રહ્યા છે. 

    ભારતીય વાયુસેનાએ 29 લોકોને બચાવી લીધા હતા, જેમાંથી 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવ્યું હતું. 

    ભારતીય વાયુસેનાએ અમરનાથ ગુફા સ્થળે બચાવકાર્યો માટે શ્રીનગરથી 2-2 ALH ધ્રુવ અને MI-17 V5 હેલિકોપ્ટર તહેનાત કર્યાં છે. ઉપરાંત, એક AN-32 અને Ilyushin-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ચંદીગઢમાં સ્નેટડબાય મોડ પર રાખવામાં આવ્યાં છે.

    NDRFના ડીજી અતુલ કરવાલે જણાવ્યું કે, વરસાદ હજુ પણ ચાલુ જ છે, પરંતુ બચાવકાર્યમાં કોઈ અડચણ આવી રહી નથી. 100 થી વધુ માણસો સાથે એનડીઆરએફની 4 ટીમો સતત બચાવકાર્યમાં જોડાયેલી છે તેમજ સાથે ભારતીય સેના, એસડીઆરએફ, સીઆરપીએફ અને અન્ય બળો પણ બચાવકાર્યમાં લાગેલા છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની માઉન્ટેન સ્ક્વૉડ કાટમાળની અંદર જવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ પાણીનો પ્રવાહ વધુ છે તેમજ ઠંડુ પણ વધુ છે. હાલ ટીમો સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. 

    બીજી તરફ, અનેક લોકોને સેનાએ બચાવી લીધા છે અને સુરક્ષિત સ્થળોએ ખસેડી દીધા છે. અમરનાથના રસ્તેથી બચાવવામાં આવેલા લોકોએ સંગમ બેઝ પહોંચીને ભારતીય સેનાના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમના જીવ બચાવવા બદલ જવાનોનો આભાર માન્યો હતો. 

    બીજી તરફ, અમરનાથ દુર્ઘટના વાદળ ફાટવાની સંભાવનાને જોતાં રામબન જિલ્લાના તમામ એસડીએમ અને મામલતદારોને હાઈ-એલર્ટ પર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જમ્મુ-કાશ્મીર પ્રશાસને તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. 

    ઝુબૈર વિરુદ્ધ વધુ એક કેસમાં થશે કાર્યવાહી: 10 મહિના પહેલાં લાગ્યો હતો દુનિયાભરના મુસ્લિમોને ભડકાવવાનો આરોપ, હવે યુપી પોલીસ એક્શનમાં

    ફેક્ટચેકના નામે હિંદુ વિરોધી પ્રોપેગેન્ડા ચલાવનાર ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર (Mohammad Zubair) વિરુદ્ધ વધુ એક એફઆઈઆર (FIR) ચર્ચામાં આવી છે. જોકે, આ એફઆઈઆર 10 મહિના પહેલાં ઉત્તપ્રદેશના લખીમપુર ખીરીમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે. 

    મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ આ એફઆઈઆર ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુદર્શન ન્યૂઝના લખીમપુર ખીરી બ્યુરો ચીફ આશિષ કુમાર કટિયારે કોર્ટના માધ્યમથી નોંધાવી હતી. જોકે, તેમણે આ માટે મે 2021 માં પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે એફઆઈઆર દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આખરે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ ઝુબૈર પર આઈપીસીની કલમ 153-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆરમાં (FIR) ફરિયાદી આશિષ કટિયારે ઝુબૈર પર આખી દુનિયાના મુસ્લિમોને ભારત વિરુદ્ધ એક કરવા અને કોરોના જેવા સંકટકાળમાં પણ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરિયાદમાં ટ્વિટરને પણ આરોપી બનાવ્યું છે. 

    ફરિયાદમાં આશિષ કુમારે જણાવ્યું કે, ‘ઝુબૈરે 14 અને 15 મે 2021ના રોજ સુદર્શન ન્યૂઝ પર પ્રસારિત એક ગ્રાફિક્સને મદીનાની અલ-નવાબી મસ્જિદ બતાવીને આખા દેશમાં સાંપ્રદાયિક માહૌલ બગાડવાનો પત્યાસ કર્યો હતો. આ ગ્રાફિક્સ સુદર્શન ન્યૂઝ પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ 2021 પર આધારિત એક શૉ દરમિયાન પ્રતીકાત્મક તસ્વીર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને જેને ઝુબૈરના દાવા સાથે કોઈ સબંધ નથી. ઝુબૈરે આમ કરીને દુનિયાભરમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.’

    ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા ફરિયાદી આશિષ કટિયારે કહ્યું કે, “10 મહિનાથી કેસ પેન્ડિંગ રહ્યો, પરંતુ આખરે દિલ્હી પોલીસ અને સીતાપુર પોલીસની કાર્યવાહી બાદ હવે લખીમપુર ખીરી પોલીસે (Lakhimpur Kheri Police) પણ ઝુબૈર પર કાર્યવાહી શરૂ કરી છે. ખીરી પોલીસે મને જણાવ્યું કે ઝુબૈરની કસ્ટડી સબંધિત કાગળો સબંધિત અધિકારીઓ અને કોર્ટ સુધી જમા કરી દેવામાં આવ્યા છે. જલ્દીથી જ ઝુબૈરે ખીરીમાં આવવું પડશે.”

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ખીરી પોલીસના SHO મોહમ્મદીએ કહ્યું, “અમે સીતાપુર જેલમાં વોરન્ટ બી દાખલ કરી દીધું છે. આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ મથકો, જિલ્લાઓ કે રાજ્યોમાં કેસ દાખલ હોય ત્યારે તેની કસ્ટડી મેળવવા માટે પોલીસ વોરંટ B દાખલ કરે છે. 

    ઉલ્લેખનીય છે કે હિંદુ સંતોના અપમાન બદલ ઝુબૈર પર યુપીના સીતાપુરમાં એક એફઆઈઆર દાખલ થઇ હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ઝુબૈરને પાંચ દિવસ માટે વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોકે, ઝુબૈર વિરુદ્ધ દિલ્હીમાં અન્ય એક કેસ દાખલ હોઈ તે કસ્ટડીમાં જ રહેશે.

    ઝારખંડના એક જિલ્લામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધતા કટ્ટરવાદીઓનું શાળાઓ પર દબાણ: 100થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે અપાય છે રજા

    દેશભરની શાળાઓ અને સરકારી કચેરીઓમાં અઠવાડિક રજા રવિવારે મળે છે પરંતુ ઝારખંડમાં એક જિલ્લાની સરકારી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા આપવામાં આવી રહી છે. જેમાંથી મોટાભાગની શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. 

    દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર, ઝારખંડના જામતાડા જિલ્લામાં જેમ-જેમ મુસ્લિમ વસ્તી વધતી ગઈ તેમ સરકારી શાળાઓમાં અઠવાડિક રજા રવિવારને બદલે શુક્રવારે મળવા માંડી હતી. રિપોર્ટ અનુસાર, હાલ 100 થી વધુ સરકારી શાળાઓ મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે રવિવારને બદલે શુક્રવારે બંધ રહે છે. આ શાળાઓ ઉર્દુ વિદ્યાલયો નથી કે ન તેમને તંત્ર તરફથી શુક્રવારે શાળા બંધ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

    સ્થાનિક લોકો અને શાળા મેનેજમેન્ટ સમિતિ દ્વારા આ સરકારી શાળાઓમાં રજા શુક્રવારે કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. શરૂઆતમાં કેટલાંક બાળકોના વાલીઓએ શુક્રવારે જુમ્માનું કારણ આપીને શાળામાં તે દિવસે રજા આપવા માટે દબાણ કર્યું હતું. જે બાદ શાળા સમિતિએ બેઠક કરીને શુક્રવારે રજા અને રવિવારે શાળા ચાલુ રાખવાનું ફરમાન બહાર પાડી દીધું હતું. જે બાદ ધીમે-ધીમે અઘોષિત રીતે આ નિયમ જેવો જ બની ગયો છે. 

    રિપોર્ટ અનુસાર, જિલ્લામાં અનેક મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામોમાં એવી શાળાઓ છે જ્યાં ન તો ઉર્દુ શિક્ષણ ચાલે છે કે ન કોઈ ઉર્દુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ બાળકોની વસ્તી 70 ટકાથી વધુ હોવાના કારણે શાળા સમિતિએ પોતાની રીતે જ આ શાળાઓને ઉર્દુ સ્કૂલ ઘોષિત કરીને અઠવાડિક રજા પણ રવિવારની જગ્યાએ શુક્રવારે નક્કી કરી દીધી છે.

    એક તસ્વીર પણ સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજન માટેનું મેનુ જોવા મળે છે. જેમાં સાત વારની સામે જે-તે દિવસે ભોજનમાં શું બનાવવામાં આવશે તે લખવામાં આવ્યું છે. જેમાં શુક્રવારની સામે ‘જુમ્મા’ અને ‘અવકાશ’ લખેલું જોવા મળે છે, જ્યારે રવિવારની સામે ભોજનની વિગતો લખેલી દેખાય છે.

    jagran
    તસ્વીર સાભાર: દૈનિક જાગરણ

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ બાબુલાલ મરાંડીએ ટ્વિટ કરીને ઝારખંડની હેમંત સોરેન સરકાર પર નિશાન સાધ્યું હતું અને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલાં ગઢવામાં હાથ જોડીને પ્રાર્થના કરવાની પદ્ધતિ રોકવાના સમાચાર અને હવે જામતાડા જિલ્લામાં રવિવારને બદલે બળજબરીથી શુક્રવારે શાળા બંધ કરાવવા સાથે જ સામાન્ય વિદ્યાલયો પર જાતે જ ઉર્દુ શાળાઓનું બોર્ડ લખાવી દેવું. સાથે તેમણે મુખ્યમંત્રી સોરેનને પણ પ્રશ્ન કર્યો હતો અને આવી કાર્યવાહી પર રોક લગાવવાની અને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઝારખંડના ગઢવા જિલ્લામાં સરકારી શાળામાં થતી પ્રાર્થનામાં બાળકોને હાથ જોડવાની પદ્ધતિ પર રોક લગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોએ જઈને પ્રાર્થનામાં હાથ જોડવા પર રોક લગાવવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે શાળામાં 75 ટકા મુસ્લિમ બાળકો ભણતા હોવાથી પ્રાર્થના પણ તેમના કહ્યા અનુસાર જ થશે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જિલ્લાતંત્રની નોટીસ પાઠવી સાત દિવસમાં જવાબ માંગ્યો છે. 

    ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ પર ધરપકડની લટકતી તલવાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ જવા રવાના

    વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા અવિનાશ દાસ (Avinas Das) વિરુદ્ધ અમદાવાદમાં નોંધાયેલા કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવ્યા બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. રિપોર્ટ અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ જવા માટે રવાના થઇ છે અને તેઓ અવિનાશ દાસની ધરપકડ કરી શકે છે. 

    આજતકના રિપોર્ટ અનુસાર, આજે સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) એક ટીમ અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ જવા રવાના થઇ છે. અનુમાન છે કે કોઈ પણ ક્ષણે અમદાવાદ પોલીસ અવિનાશની ધરપકડ કરી શકે છે. 

    અવિનાશ દાસ વિરુદ્ધ ગત મે મહિનામાં અમદાવાદ ખાતે એક કેસ નોંધાયો હતો. અવિનાશ દાસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલ ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહમંત્રી અમિત શાહ સાથેની જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહમંત્રીની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

    આ ઉપરાંત દાસ ઉપર રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર તિરંગો પહેરેલી એક મહિલાની તસ્વીર પોસ્ટ કરી હતી. આ આરોપો હેઠળ વધુમાં વધુ ત્રણ વર્ષ જેલની સજા કરી શકાય છે.  

    અવિનાશ દાસ વિરુદ્ધ આ કેસ 14 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાસ વિરુદ્ધ આઇપીસીની કલમ 469 અને આઇટી એક્ટની કલમ 67 સાથે રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન સબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

    કેસ દાખલ થયા બાદ અવિનાશ દાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેમને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ ગુજરાત હાઇકોર્ટે પણ અવિનાશ દાસની આગોતરા જામીનનની અરજી ફગાવી દીધી હતી. 

    અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, અવિનાશ દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરતા એક તસ્વીર પ્રસારિત કરી હતી જેમાં એક વ્યક્તિને તિરંગાથી બનાવવામાં આવેલ કપડાંમાં દર્શાવવામાં આવ્યા હતા. ખંડપીઠે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અરજદારે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે અને જેથી કોર્ટ રાહત આપવામાં સતર્કતા દાખવશે.

    અવિનાશ દાસે કોર્ટને કહ્યું હતું કે, તેઓ તેમની ભૂલ માટે બિનશરતી માફી માંગવા માટે તૈયાર છે અને કહ્યું હતું કે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર એક ભૂલ હતી અને તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય ધ્વજનું અપમાન એ ભૂલ ન હોય શકે. અહીં નોંધવું જોઈએ કે અમદાવાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ સિવાય બોમ્બે હાઇકોર્ટ પણ અવિનાશ  દાસના ટ્રાન્ઝિસ્ટ બેલ રદ કરી દીધા હતા. 

    ઇડીએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને ફટકાર્યો 62 કરોડનો દંડ, FEMAના ઉલ્લંઘનનો આરોપ 

    શુક્રવારે (8 જુલાઈ 2022) પ્રવર્તન નિદેશાલયે (ઇડીએ) એમનેસ્ટી ઇન્ડિયા અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલને ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (FEMA) ઉલ્લંઘન બદલ શૉ કૉઝ નોટીસ પાઠવી છે. આ ઉપરાંત સંસ્થા તેમજ આકાર પટેલને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

    વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમના ઉલ્લંઘન બદલ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર 51.72 કરોડ અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈડીને એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની જાણકારી મળી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    એજન્સીના જણાવ્યા અનુસાર, જાણકારી મળી હતી કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ પોતાની ભારતીય શાખાઓ મારફતે એફડીઆઈ રુટના માધ્યમથી વિદેશોમાં એકથી કરવામાં આવેલ મોટી રકમ ભારતમાં મોકલી હતી. જે નિયમોનું ઉલ્લંઘન છે. 

    ઇડી અનુસાર, એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેની ભારતીય શાખા એટલે કે એમનેસ્ટી ઇન્ડિયા એક નૉન-એફસીઆરએ કંપની છે. જેથી ફંડ મોકલવાના કારણે એફસીઆરએ નિયમોનું ઉલ્લંઘન થયું છે. ઇડીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફંડ એવા સમયે મોકલવામાં આવ્યું જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પહેલાં જ એમનેસ્ટી ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટને એફસીઆરએ હેઠળ રજીસ્ટ્રેશન કે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં ભારતીય શાખાને વિદેશી ફંડ મોકલવામાં આવ્યું હતું. 

    ઇડીએ વધુમાં જણાવ્યું કે, નવેમ્બર 2013 અને જૂન 2018 વચ્ચેના સમયગાળામાં એમનેસ્ટી ઇન્ડિયા દ્વારા મોટા પ્રમાણમાં રકમ એકથી કરવામાં આવી હતી. જેને વિદેશમાં વેપાર કે જનસંપર્ક સેવાઓ તરીકે બતાવવામાં આવ્યું હતું. પરંતુ આરોપ છે કે એમનેસ્ટી દ્વારા વિદેશી ફંડ લેવામાં આવી રહ્યું હતું, અને જે નિયમોની વિરુદ્ધ છે. 

    એમનેસ્ટી ઇન્ડિયા પર આરોપ છે કે એફસીઆરએની તપાસથી બચવા માટે વ્યવસાયિક ગતિવિધિઓની આડમાં વિદેશી ભંડોળને રુટ કરવા માટે આ મોડેલ લાગુ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે એમનેસ્ટી ઇન્ડિયાને મોકલવામાં આવેલ 51,72,78,111.87 રૂપિયા એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ભારતમાં ગતિવિધિઓ ચલાવવા માટે આપવામાં આવ્યા હતા. જે બાબત ધ્યાને આવતા ઇડીએ એમનેસ્ટી ઇન્ડિયા અને આકાર પટેલને દંડ ફટકાર્યો છે.

    શું છે FCRA? 

    એફસીઆરએ એટલે કે ફૉરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એક કાયદો છે જે હેઠળ વિદેશથી મળતા દાન અને તેના ઉપયોગ પર નજર રાખવામાં આવે છે. જે સુનિશ્ચિત કરે છે કે એનજીઓ કે સંસ્થાઓને મળતું વિદેશી દાન દેશમાં ખોટા ઉદ્દેશ્યથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું નથી. નિયમો અનુસાર, વિદેશી દાન માત્ર એ જ કામમાં વાપરી શકાય છે જે માટે રકમ લેવા પહેલાં જાણકારી આપવામાં આવી હોય. દેશમાં અનેક લોકો પર વિદેશથી ફંડિંગ મેળવવા પર રોક લગાવવામાં આવી છે. જેમાં રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, પત્રકારો અને ન્યાયાધીશો વગેરે વિદેશી ફન્ડિંગ મેળવી શકતા નથી.

    પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ સાથે બની વિચિત્ર ઘટના: ઈદ પહેલાં ઘરેથી બકરો ચોરાઈ ગયો, 90 હજાર રૂપિયા હતી કિંમત

    પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ કાયમ વિચિત્ર કારણોસર ચર્ચામાં રહે છે. હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે કામરાન અકમલનો એક બકરો ચોરી થઇ ગયો છે! બકરી ઈદ પર કુરબાની આપવા માટે આ બકરો તેમના ઘરે લાવવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે અજાણ્યા શખ્સો તેને ઉઠાવી લઇ ગયા હતા. 

    પૂર્વ પાકિસ્તાની વિકેટકીપર-બેટર કામરાન અકમલ લાહોર ખાતે એક સોસાયટીમાં રહે છે. બકરી ઈદનો તહેવાર આવતો હોઈ તેમણે કુરબાની આપવા માટે છ બકરા ખરીદ્યા હતા. આ તમામને તેમણે ઘરની બહાર બાંધ્યા હતા. આ બકરાની દેખરેખ માટે અકમલે એક માણસ પણ રાખ્યો હતો. જોકે, તે પણ કંઈ કામ આવ્યો નહીં અને તે ઉંઘેલો હતો તે દરમિયાન જ આવીને ચોરો પોતાનું કામ કરી ગયા હતા! આ ઘટના 7 જુલાઈની મધ્યરાત્રિની હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    અકમલના પિતાએ જણાવ્યું કે, જે બકરો ચોરી થઇ ગયો છે તે સૌથી વધુ કિંમતનો અને સૌથી સારો હતો. તેની કિંમત 90 હજાર રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. કામરાન અકમલનો બકરો ચોરી થયાની જાણકારી હાઉસિંગ સોસાયટીના મેનેજમેન્ટને આપતાં તેમણે અકમલ પરિવારને  આશ્વાસન આપ્યું હતું કે ચોરોને જલ્દીથી જ પકડી લેવામાં આવશે અને ચોરી થયેલો બકરો પણ મેળવી લેવાશે. 

    કામરાન અકમલે પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી 53 ટેસ્ટ, 157 ODI અને 58 T20 મેચ રમી છે. તેમણે વર્ષ 2002 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિકેટકીપર હતા.

    કામરાને 53 ટેસ્ટ મેચમાં કુલ 2648 રન બનાવ્યા છે. તેમના નામે 6 શતક અને 12 અર્ધશતક બોલે છે. ઉપરાંત ODIમાં તેમણે 3236 રન બનાવ્યા છે. જેમાં 5 શતક અને 10 અર્ધશતકનો સમાવેશ થાય છે. જ્યારે 58 T20 માં અકમલે 987 રન બનાવ્યા છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દી ન રહેતા હવે તેઓ એક યુ-ટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જેમાં તેઓ દુનિયાભરમાં રમાતી ક્રિકેટ મેચો અંગે પોતાનો અભિપ્રાય આપે છે. જોકે, તેઓ પાકિસ્તાનની ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા મળે છે. તેઓ પેશાવરની ટીમમાંથી રમે છે.

    કામરાન અકમલ કાયમ સમાચારોમાં રહેતા જોવા મળે છે. ક્યારેક તેઓ સોશિયલ મીડિયા પર કોઈ ભૂલ કરી નાંખે છે તો ક્યારેક ક્રિકેટના મામલે તેમની પર આરોપો લાગ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થતા જ રહે છે. હવે ફરી એકવાર તેઓ વિચિત્ર કારણોસર સમાચારનો મુદ્દો બન્યા છે.

    ‘નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું નથી’: ઇસ્લામિક સ્કૉલર અતીકુર રહેમાનનું નૂપુરને સમર્થન, કહ્યું- મૌલવીઓ જણાવે કે નૂપુર ક્યાં ખોટાં હતાં

    ઇસ્લામિક સ્કોલર અતીકુર રહેમાને ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. અતીકુર રહેમાને કહ્યું કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીમાં કશું ખોટું ન હતું. તેમણે આ વાત ‘ઇન્ડિયા ન્યૂઝ’ પર પ્રદીપ ભંડારીના ડિબેટ શો દરમિયાન કહી હતી. આ સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલી નફરત અને ધમકીઓને લઈને પણ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, જોઈ કોઈને લાગતું હોય કે નૂપુરે ખોટું કહ્યું છે તો કોઈ વરિષ્ઠ ઇસ્લામિક મૌલવીએ સામે આવીને જણાવવું જોઈએ કે તેઓ ક્યાં ખોટાં હતાં.

    ચર્ચા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે ઇસ્લામવાદીઓ દ્વારા ઇસ્લામ પર સવાલ કરવાના વિરોધમાં આપવામાં આવતી હત્યાની ધમકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં શોના હોસ્ટ પ્રદીપ ભંડારીએ કહ્યું કે ભારત એક ઉદાર લોકશાહી ધરાવતો દેશ છે. એવો કોઈ કટ્ટર ધાર્મિક દેશ નથી કે જ્યાં ધર્મની ટીકાનો અર્થ સખત સજા હોય.

    જે બાદ વિનોદ બંસલે કહ્યું, “હું અતીકુર રહેમાનના નિવેદનને સમર્થન આપું છું કે પયગંબર મોહમ્મદના જીવનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તેમના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતો છે. ભારત એક એવો દેશ છે, જ્યાં આપણે ભગવાન રામ અને કૃષ્ણના જીવન વિશે, વસ્તુઓ શીખવા અને તેમના ઉપદેશોથી પ્રેરિત થવા વિશે ચર્ચા કરીએ છીએ. તો શા માટે આપણે પયગંબર મુહમ્મદ પાસેથી ન શીખવું જોઈએ?”

    જે બાદ વિનોદ બંસલે અતીકુર રહેમાનને પૂછ્યું, “જ્યાં સુધી નુપુર શર્માની વાત છે, તેમણે જે પણ કહ્યું છે તે ઇસ્લામિક પુસ્તકોને ટાંકીને કહ્યું છે અને આ જ વાત ઘણા ઇસ્લામી વિદ્વાનોએ પણ કહી છે. તો મારે પૂછવું છે કે તેમના નિવેદનમાં શું ખોટું હતું? તેઓ ખોટાં હતાં? કે તેમની શૈલી અને વર્તન ખોટાં હતાં? ઈસ્લામિક ગ્રંથોમાં જે કંઈ લખ્યું છે તે ખોટું છે? આખરે ઇસ્લામવાદીઓ શા માટે તેમનું માથું કાપી નાંખવાની માંગ કરી રહ્યા છે?”

    તેના જવાબમાં રહેમાને કહ્યું કે, હું કહીશ કે નૂપુર શર્મા ખોટાં ન હતાં. જો કોઈ ઇસ્લામિક વિદ્વાન અથવા મુસ્લિમ વિચારતો હોય કે તેઓ ખોટાં હતાં, તો ઇસ્લામનો વ્યાપ એટલો વિશાળ છે કે તેમને માફ કરી શકાય છે. કોઈ વરિષ્ઠ મૌલવી જણાવે કે તેઓ ક્યાં ખોટાં હતાં?”

    અતીકુર રહેમાનના આ નિવેદનને સમર્થન આપતા પ્રદીપ ભંડારીએ કહ્યું કે ધર્મ પર આ રીતે ચર્ચા થવી જોઈએ. જ્યાં કોઈપણ ગેરસમજને સંવાદ અને વિચારોના આદાનપ્રદાન દ્વારા દૂર કરવામાં આવે છે અને ધમકીઓ દ્વારા નહીં.

    આ જ ચર્ચા દરમિયાન ઈસ્લામિક વિદ્વાને એ પણ કહ્યું કે જો તેઓ નૂપુર શર્માને આમંત્રિત કરીને તેમની ખોટી માહિતીને સાચી કરી શકે તેટલા પણ સક્ષમ ન હોય તો ઇસ્લામના અનુયાયી તરીકે તેમને ટીવી ડિબેટમાં આવવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું, “હું ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટીકાનું સ્વાગત કરું છું. તેનાથી દુનિયાને એ સમજવાની તક મળે છે કે તેમનો સંદેશ શું હતો. દુનિયામાં પોતાનો સંદેશ ફેલાવવા માટે તેમને (પયગંબર મોહમ્મદ) અલ્લાહે કેવી રીતે પસંદ કર્યા?”

    વડોદરા: પ્રેમલગ્ન બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાયું, પતિ અને સાસુ-સસરા શારીરિક-માનસિક ત્રાસ ગુજારતાં હિંદુ યુવતીની ફરિયાદ, કેસ દાખલ

    તાજેતરમાં જ વડોદરામાં એક ખ્રિસ્તી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા બાદ તેને હેરાન કરવાની ઘટના સામે આવી હતી ત્યારે શહેરમાંથી આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક યુવતીએ ખ્રિસ્તી યુવક અને તેના માતા-પિતા વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકે ગુનો ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    વડોદરામાં રહેતી એક યુવતીએ ગત 2 જુલાઈના રોજ વડોદરાના ફતેગંજ પોલીસ મથક ખાતે કેલ્વિન જસ્ટિન રાઠોડ તેમજ તેના મા-બાપ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી અને ત્રણેય તેને મેણાંટોણાં મારી, મારઝૂડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હિંદુ યુવતીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    ગત વર્ષે બંનેના ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં

    પ્રાપ્ત વિગતો અનુસાર, રહેતી હિંદુ યુવતીના લગ્ન 14 એપ્રિલ 2021ના રોજ કેલ્વિન રાઠોડ સાથે ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે થયાં હતાં. તે બંને નાવ્યાર્ડ રોડ પર આવેલ હોન્ડા શૉરૂમ પર સાથે નોકરી કરતા હતા અને જ્યાં સાત મહિનાના પ્રેમસબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. જે બાદ તેઓ કેલ્વિનના મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતા હતા.

    યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છ મહિના પહેલાં તે ઘરે હતી ત્યારે તેના સાસુ-સસરાએ ‘તું નોકરી કેમ કરતી નથી?’ અને ‘દહેજ પણ નથી લાવી’ તેમ કહીને પૈસાની માંગણી કરી હતી તેમજ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પણ દબાણ કર્યું હતું. ઉપરાંત તેનો પતિ કેલ્વિન પણ ત્યાં હાજર હોવા છતાં તેણે તેનો સાથ આપ્યો ન હતો. જે બાદ યુવતીએ દવા પીને આત્મહત્યા કરી લેવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સમયસર હોસ્પિટલમાં સારવાર કરાવતા જીવ બચી ગયો હતો. 

    બે મહિના પહેલાં ત્રણેયે માર માર્યો હતો

    યુવતીની ફરિયાદ અનુસાર, બે મહિના પહેલાં તેમની લગ્નની વર્ષગાંઠના દિવસે બહાર જમવા જવા માટે કહેતા પતિ, સાસુ અને સસરાએ તેને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાદ યુવતી તેના પિયર જતી રહી હતી. જોકે, તેના એક મહિના બાદ તેના પતિએ લખાણ કરાવીને, સમાધાન કરીને ઘરે લઇ આવ્યો હતો. 

    જોકે, યુવતીએ કહ્યું છે કે ત્યારબાદ પણ તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. જે બાદ તાજેતરમાં યુવતી સૂતેલ હતી ત્યારે પતિ કેળવીને તેને લાત મારીને ઉઠાડ હોવાનો અને કાન પર લાફો માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેને કેલ્વિન મરી જવાની ધમકી આપતો હોવાનો તેમજ ગંદી ગાળો આપતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. 

    ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ

    ઘટના બાદ યુવતીએ ફતેગંજ પોલીસ મથકે તેના પતિ કેલ્વિન રાઠોડ તેમજ સાસુ સંગતાબેન રાઠોડ અને સસરા જસ્ટિન જોસેફ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 498 (A) (પતિ કે પતિના સબંધી દ્વારા મહિલાનું ઉત્પીડન), 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 294 (b) (અશ્લીલ વર્તન), 506 (2) (ગુનાહિત ધમકી) અને 114 (ગુના સમયે દુષ્પ્રેરકની ઉપસ્થિતિ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    તપાસ કરનાર પોલીસ અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર કેલ્વિનને નોટીસ આપવામાં આવી છે અને પાંચ દિવસની અંદર પોલીસ મથકે હાજર નહીં થાય તો ધરપકડ કરવામાં આવશે.

    ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા વચગાળાના જામીન, પરંતુ હજુ પણ દિલ્હી પોલીસની કસ્ટડીમાં જ રહેશે

    ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એક ટ્વિટ મામલે કેસ નોંધાયો હતો, જેમાં તેણે હિંદુ સંતોનું અપમાન કર્યું હતું. આ કેસ મામલે ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે.

    જોકે, ઝુબૈર હજુ પણ પોલીસ કસ્ટડીમાં જ રહેશે કારણ કે તેને માત્ર 1 જૂન 2022ના રોજ નોંધાયેલ એક FIR મામલે રાહત આપવામાં આવી છે. કોર્ટે તેને પાંચ દિવસની રાહત આપી છે અને દિલ્હી મેજિસ્ટ્રેટની સરહદ ન છોડવા અને ટ્વિટર પર કેસ મામલે કંઈપણ પોસ્ટ ન કરવાની શરતે મોહમ્મદ ઝુબૈરને જામીન આપ્યા છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે ઝુબૈર બેંગ્લોર કે અન્યત્ર ક્યાંય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે છેડછાડ કરી શકશે નહીં. 

    ઝુબૈર તરફથી દલીલો કરતા તેના વકીલ કૉલીન ગોંજાલવીસે કોર્ટને કહ્યું કે, ઝુબૈર પોતે જ હેટ સ્પીચ વિરુદ્ધ કામ કરે છે અને તેને જ પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, ઝુબૈરના ટ્વિટ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી છે અને એ વિડંબના છે કે તે એક ફેક્ટચેકર વેબસાઈટ ચલાવે છે. 

    એસજી તુષાર મહેતાએ કહ્યું કે, ઝુબૈરે પોતાના ફાયદા માટે તથ્યોને છુપાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, સીતાપુર કોર્ટે એક દિવસ પહેલાં જ ઝુબૈરના જામીન રદ કરી દીધા હતા પરંતુ તે આ બેન્ચને જણાવવામાં આવ્યું નથી. તેમજ દિલ્હીની કોર્ટ દ્વારા આપવામાં આવેલા તેના જામીન રદ કરવાના અને રિમાન્ડ મંજૂર કરવાના આદેશનો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

    એસજીએ એમ પણ કહ્યું કે, આ કેસમાં નાણાકીય બાબતો અંગે પણ તપાસ ચાલી રહી છે અને તેમાં ઝુબૈરની સંડોવણીને લઈને તપાસ ચાલુ છે. તેમણે કોર્ટને એ પણ ધ્યાન પર લાવ્યું કે માત્ર એક ટ્વિટને લઈને તપાસ ચાલી રહી નથી પરંતુ સમગ્ર મામલાને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ ઉત્તપ્રદેશ ના સીતાપુર જિલ્લામાં ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઇ હતી. ઝુબૈર વિરુદ્ધ ટ્વિટમાં હિંદુ સંતો મહંત બજરંગ મુનિ, યતિ નરસિંહાનંદ અને સ્વામી આનંદ સ્વારૂપ વિશે અપમાનજનક ભાષા વાપરવાનો આરોપ લાગ્યો હતો. રાષ્ટ્રીય હિંદુ શેર સેનાના જિલ્લા પ્રમુખે આ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ઝુબૈર વિરુદ્ધ આઈપીસીની કલમ 295 (A) અને આઇટી એક્ટ (2000)ની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

    7 જુલાઈના રોજ સીતાપુર કોર્ટે ઝુબૈરની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા સમાન પ્રકારના ગુના ફરીથી આચરી શકે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે કેસ ગંભીર છે અને જામીન આપી શકાય તેમ નથી. જોકે, ઝુબૈરને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ હજુ પણ તે કસ્ટડીમાં જ રહેશે. 

    શરણાર્થી બનીને ભારત આવેલા સૂફી ઝરીફ બાબાની હત્યા: શાહરૂખ-સલમાનના નામ પર કરોડોની સંપત્તિ બનાવી લીધી હતી, આઈબીની પણ હતી નજર

    અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે ભારત આવેલા ઝરીફ બાબાની મંગળવારે (5 જુલાઈ, 2022) પૈસાની લેવડદેવડ દરમિયાન માથામાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ગુરુવારે (7 જુલાઈ 2022) એક વ્યક્તિની અટકાયત કરી છે.

    શરણાર્થી હોવા છતાં ઝરીફે કરોડોની સંપત્તિ એકઠી કરી હતી અને જેના કારણે ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ તેની ઉપર નજર હતી. તે પોતાને અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ ગણાવતો હતો અને કિંમતી પથ્થરોનો પણ વેપાર કરતો હતો. 

    મહારાષ્ટ્રના નાસિક નજીક યેવાલાના ઔદ્યોગિક ઉપનગર ચિચોંડી ખુર્દમાં મંગળવારે મોડી રાત્રે કેટલાક લોકોએ ઝરીફ બાબાની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યામાં ઝરીફનો ડ્રાઈવર અને એટેન્ડન્ટ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ કેસમાં પોલીસે ગુરુવારે (7 જુલાઈ 2022) એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

    30-32 વર્ષની વયનો (અલગ-અલગ રિપોર્ટ અનુસાર) ઝરીફ વર્ષ 2017 માં તાલિબાનનું જોખમ હોવાનું કહીને ભારત આવ્યો હતો. આટલા ઓછા સમયમાં તે કરોડોની સંપત્તિનો માલિક બની ગયો હતો. અત્યાર સુધીમાં તેની 4 કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે, તેમજ પોલીસના મત અનુસાર તેની વધુ સંપત્તિ અંગે ખુલાસો થઇ શકે છે. 

    કોણ છે ઝરીફ બાબા?

    ઝરીફ બાબા કે સૂફી બાબાના નામથી પ્રખ્યાત ઝરીફ પોતાને ચિશ્તી સૂફી વંશજ ગણાવતો હતો. તે પોતાનું આખું નામ ખ્વાજા સૈયદ ઝરીફ ચિશ્તી મોઇનુદ્દીન કહેતો. કહેવાય છે કે તેનો જન્મ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં થયો હતો. 

    જન્મ બાદ તેનો પરિવાર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આવી ગયો હતો. જે પછી તેણે કૌટુંબિક વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, આ વ્યવસાય શું હતો તે સ્પષ્ટ નથી પરંતુ આ જ મામલે તે બ્રિટનથી લઈને ખાડી દેશોના સંપર્કમાં રહેતો હતો. કહેવાય છે કે પછીથી તે સૂફી ધર્મગુરુનું કામ કરવા લાગ્યો હતો. 

    તાલિબાનનું જોખમ વધ્યા બાદ તે પાકિસ્તાન અને ત્યાંથી ઈરાન ચાલ્યો ગયો હતો. જે બાદ વર્ષ 2017 માં ભારત આવ્યો હતો. થોડો સમય દિલ્હીમાં રહ્યા બાદ કર્ણાટક ગયો હતો. છેલ્લા બે વર્ષથી તે નાસિકના યેવલા નજીક એક નાના ગામમાં રહેતો હતો. 

    ઝરીફ સોશિયલ મીડિયા પર બે યુ-ટ્યુબ અકાઉન્ટ ચલાવતો હતો. આ અકાઉન્ટમાં તેના લખો ફોલોઅર્સ જોડાયેલા હતા. દરરોજ તેની પાસે અનેક લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા. તે નાસિક, કર્ણાટક અને અજમેરની મજારોમાં પણ જતો હતો અને હજારો લોકોને મળતો હતો. 

    કમાણીનાં સાધનો

    તેની કમાણીનાં મુખ્ય સાધન તેની પાસે સારવાર માટે આવતા લોકો અને યુ-ટ્યુબ ચેનલ હતાં. જેના થકી તે લાખો રૂપિયા કમાતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે કિંમતી પથ્થરો વેચવાનું કામ પણ શરૂ કર્યું હતું. તેમજ તેને લોકો પાસેથી દાન પણ મળતું હતું. કહેવાય છે કે તે બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખન્ના ફોટો અને એડિટેડ વિડીયો દ્વારા પોતાનો પ્રભાવ વધારતો હતો.

    રિપોર્ટ અનુસાર, કેટલાક દિવસો પહેલાં તેણે યેવલામાં 15 એકર જમીન ખરીદી હતી અને ત્યાં જ તે પોતાનો સ્થાયી અડ્ડો બનાવવા માંગતો હતો. પોલીસનું માનવું છે કે તે શરણાર્થી હતો એટલે પોતાનું બેન્ક અકાઉન્ટ ખોલી શકતો ન હતો અને પોતાના નામે સંપત્તિ ખરીદી શકતો ન હતો. તેથી બની શકે કે તે બીજાના નામો પર સંપત્તિ ખરીદી રહ્યો હોય. પોલીસનું એવું પણ માનવું છે કે તેની હત્યા પાછળ સંપત્તિ જ મુખ્ય કારણ છે. 

    આઈબીની નજર હતી

    ઝરીફની યુ-ટ્યુબ ચેનલો પર ફોલોઅર્સની સંખ્યા સતત વધતી જતી હતી. એક અફઘાન શરણાર્થી આટલા ઓછા સમયમાં દેશમાં પ્રખ્યાત થઇ ગયા બાદ સુરક્ષા એજન્સીઓ પણ તેની ઉપર નજર રાખવા માંડી હતી. મહારાષ્ટ્રની વાવી પોલીસે 2021 માં ઝરીફ, તેની પત્ની અને ડ્રાઈવર ગફ્ફારની તપાસ કરી રહી હતી. જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ 22 એપ્રિલ 2021 ના રોજ ઇન્ટેલિજન્સ બ્યુરોને સોંપવામાં આવ્યો હતો. ત્યારથી જ આઈબીની તેની ઉપર નજર હતી.

    આર્જેન્ટીના મૂળની મહિલા સાથે લગ્ન

    નાસિક ગ્રામ્ય પોલીસના એસપી સચિન પાટીલના જણાવ્યા અનુસાર, ઝરીફ લગભગ બે વર્ષથી મિરગાંવ શિવારાના એક બંગલામાં રહેતો હતો. તેણે આર્જેન્ટિનામૂળ ની 28 વર્ષીય તિરીના દાઉદી નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, પોલીસને આ લગ્ન સબંધિત કોઈ દસ્તાવેજ મળ્યા ન હતા. 

    ઝરીફ બાબાની હત્યા બાદ સામે આવ્યું કે તેની સાથે એક મહિલા અને એક અફઘાન નાગરિક રહેતા હતા. મહિલા પોતાને તેની પત્ની ગણાવતી હતી. દાઉદીને હિંદી, અંગ્રેજી કે મરાઠીમાંથી એકેય ભાષા આવડતી નથી, જેથી પોલીસનું કહેવું છે કે તેની પૂછપરછ થઇ શકે તેમ નથી. મહિલા પાસે વર્ષ 2023 સુધી ભારતમાં રહેવા માટેના વીઝા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ઝરીફ આર્જેન્ટીનાને લગ્ન કરવાના ઉદ્દેશ્યથી ભારત લાવ્યો હતો. મહિલા સાથે તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને 22 નવેમ્બર 2017 ના રોજ બંને ભારત આવ્યા અને બીજા દિવસે બંનેએ લગ્ન કરી લીધાં હતાં.