Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ સાથે બની વિચિત્ર ઘટના: ઈદ પહેલાં ઘરેથી...

    પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ સાથે બની વિચિત્ર ઘટના: ઈદ પહેલાં ઘરેથી બકરો ચોરાઈ ગયો, 90 હજાર રૂપિયા હતી કિંમત

    પૂર્વ પાકિસ્તાની વિકેટકીપર-બેટર કામરાન અકમલ લાહોર ખાતે એક સોસાયટીમાં રહે છે. બકરી ઈદનો તહેવાર આવતો હોઈ તેમણે કુરબાની આપવા માટે છ બકરા ખરીદ્યા હતા. આ તમામને તેમણે ઘરની બહાર બાંધ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ કાયમ વિચિત્ર કારણોસર ચર્ચામાં રહે છે. હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે કામરાન અકમલનો એક બકરો ચોરી થઇ ગયો છે! બકરી ઈદ પર કુરબાની આપવા માટે આ બકરો તેમના ઘરે લાવવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે અજાણ્યા શખ્સો તેને ઉઠાવી લઇ ગયા હતા. 

    પૂર્વ પાકિસ્તાની વિકેટકીપર-બેટર કામરાન અકમલ લાહોર ખાતે એક સોસાયટીમાં રહે છે. બકરી ઈદનો તહેવાર આવતો હોઈ તેમણે કુરબાની આપવા માટે છ બકરા ખરીદ્યા હતા. આ તમામને તેમણે ઘરની બહાર બાંધ્યા હતા. આ બકરાની દેખરેખ માટે અકમલે એક માણસ પણ રાખ્યો હતો. જોકે, તે પણ કંઈ કામ આવ્યો નહીં અને તે ઉંઘેલો હતો તે દરમિયાન જ આવીને ચોરો પોતાનું કામ કરી ગયા હતા! આ ઘટના 7 જુલાઈની મધ્યરાત્રિની હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    અકમલના પિતાએ જણાવ્યું કે, જે બકરો ચોરી થઇ ગયો છે તે સૌથી વધુ કિંમતનો અને સૌથી સારો હતો. તેની કિંમત 90 હજાર રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. કામરાન અકમલનો બકરો ચોરી થયાની જાણકારી હાઉસિંગ સોસાયટીના મેનેજમેન્ટને આપતાં તેમણે અકમલ પરિવારને  આશ્વાસન આપ્યું હતું કે ચોરોને જલ્દીથી જ પકડી લેવામાં આવશે અને ચોરી થયેલો બકરો પણ મેળવી લેવાશે. 

    - Advertisement -

    કામરાન અકમલે પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી 53 ટેસ્ટ, 157 ODI અને 58 T20 મેચ રમી છે. તેમણે વર્ષ 2002 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિકેટકીપર હતા.

    કામરાને 53 ટેસ્ટ મેચમાં કુલ 2648 રન બનાવ્યા છે. તેમના નામે 6 શતક અને 12 અર્ધશતક બોલે છે. ઉપરાંત ODIમાં તેમણે 3236 રન બનાવ્યા છે. જેમાં 5 શતક અને 10 અર્ધશતકનો સમાવેશ થાય છે. જ્યારે 58 T20 માં અકમલે 987 રન બનાવ્યા છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દી ન રહેતા હવે તેઓ એક યુ-ટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જેમાં તેઓ દુનિયાભરમાં રમાતી ક્રિકેટ મેચો અંગે પોતાનો અભિપ્રાય આપે છે. જોકે, તેઓ પાકિસ્તાનની ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા મળે છે. તેઓ પેશાવરની ટીમમાંથી રમે છે.

    કામરાન અકમલ કાયમ સમાચારોમાં રહેતા જોવા મળે છે. ક્યારેક તેઓ સોશિયલ મીડિયા પર કોઈ ભૂલ કરી નાંખે છે તો ક્યારેક ક્રિકેટના મામલે તેમની પર આરોપો લાગ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થતા જ રહે છે. હવે ફરી એકવાર તેઓ વિચિત્ર કારણોસર સમાચારનો મુદ્દો બન્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં