Friday, November 15, 2024
More
    Home Blog Page 1065

    અમદાવાદ: 1228 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં તાહિર મહેમુદ રજાઈવાલાની ધરપકડ, 1228 કરોડના વેચાણ દર્શાવી 221 કરોડની વેરાશાખ પાસ ઓન કરી હતી

    અમદાવાદ સ્થિત રેડેક્સ એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડના સ્થળોએ તેમજ તેના ભાગીદારોના ઠેકાણાં પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 1,228 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 221 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે અમદાવાદના તાહિર મહેમુદ રજાઈવાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    રેડેક્સ એન્ટરપ્રાઈઝદેશ ના 14 રાજ્યોમાં કાર્યરત છે તેમજ નામાંકિત કંપનીઓમાં 14,000 જેટલો મેનપાવર પૂરો પાડવાનું કામ કરે છે. કાર્યવાહી દરમિયાન વિભાગને જાણવા મળ્યું કે રૂ. 1228 કરોડના બોગસ બિલ બનાવીને રૂ. 221 કરોડની વેરાશાખ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કંપનીઓએ ઇન્વર્ડ સપ્લાયના બોગસ બિલ બનાવ્યાં હતાં. આ પેઢીઓ દ્વારા બોગસ કંપનીઓ પાસેથી ખોટી રીતે 38 કરોડની રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

    આ મામલે તપાસ કરતા પેઢીઓએ તાહિર મહેમુદ રજાઈવાલા પાસેથી આવી બોગસ પેઢીઓના બિલ મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ તાહિર મહેમુદ રજાઈવાલાના સ્થળો શોધીને તપાસ કરવામમાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં બોગસ બિલ, વાંધાજનક હિસાબી સાહિત્ય, લેટરહેડ અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મળી આવ્યાં હતાં. આ શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 

    તાહિર રજાઈવાલાએ પોતાના પરિજનો અને પરિચિતોના નામે કુલ 96 બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને જેના થકી રૂ. 1228 કરોડના વેચાણ બતાવ્યા હતા. આ વેચાણો થકી 221 કરોડની ટેક્સક્રેડિટ અન્યોને પાસ કરી હતી. જેના કારણે સરકારી તિજોરીને 221 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. આ પેઢીઓના નામે ખરેખર સેવા આપ્યા વગર કાગળ પર મેન પાવર સપ્લાયના વ્યવહારો દર્શાવીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

    આ મામલે તાહિર મહેમુદ રજાઈવાલાની ગત 15 જુલાઈના રોજ અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટે મંજૂર કર્યા છે. 

    પ્રાથમિક પૂછપરછમાં તાહિરે જણાવ્યું હતું કે, અનહમ એસોશિએશનના સીએ નજીમમ રજાઈવાલાએ પરિવારના સભ્યો, સબંધીઓ, મિત્રો, કલાયન્ટ અને કર્મચારીઓ તેમજ અન્યોના નામે 96 જેટલી બોગસ કંપનીઓ બનાવી આપી હતી. આ જ કંપનીઓના નામે જીએસટી નંબર મેળવીને બોગસ બિલ બનાવીને કૌભાંડ આચર્યું હતું. 

    કન્નૌજમાં હિંસા અને આગચંપી: હનુમાન મંદિરના હવન કુંડમાં ફેંકી દેવાયું ઢોરનું કપાયેલું માથું, ટોળાએ મૂર્તિ પણ તોડી

    કન્નૌજના તાલગ્રામમાં હનુમાન મંદિરમાં એક ઢોરનું કપાયેલું માથું હવન કુંડમાં ફેંકી દેવાયા બાદ કન્નૌજમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના શનિવારે (16 જુલાઈ, 2022) ના રોજ તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રસુલાબાદ ગામમાં બની હતી. સવારે મંદિરમાં સફાઈ કરવા અને પ્રાર્થના કરવા આવેલા વૃદ્ધ પૂજારીએ હવન કુંડ પાસે ઢોરનું કપાયેલું માથું જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેને તરત જ ત્યાંથી હટાવી દીધું હતું.

    જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ રસ્તા પર બેસીને પ્રદર્શન કર્યું. આસપાસની દુકાનો પણ બંધ હતી. સવારથી જ જિલ્લામાં તણાવ પ્રવર્તી રહ્યો હતો, ત્યારબાદ આઈજી રેન્જ પ્રશાંત કુમાર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. પૂજારી જગદીશ ચંદ્રે જણાવ્યું કે આ મંદિર તેમણે પોતે બનાવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુઓ પણ ઉમટી પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે આગ લગાડવા અને દુકાનોમાં તોડફોડની તપાસ ચાલી રહી છે.

    આ પછી, કેટલાક અરાજક તત્વોએ મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાના સમાચાર પણ આવ્યા હતા. ઢોરનું કપાયેલું માથું ફેંકી દેવાની ઘટના રાત્રીના સમયે બની હતી. પોલીસે તેમની હાજરીમાં મંદિરની સફાઈ કરાવી હતી. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે માંસની દુકાનો સળગાવી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બપોર પછી સ્થિતિ કાબૂ બહાર જવા લાગી અને કન્નૌજમાં હિંસા ફાટી નીકળી.

    જોકે, SDM અને COના આશ્વાસન બાદ હિંદુ સંગઠનોએ રોડ જામ મોકૂફ રાખ્યો હતો. જગદીશ જાટવે તેમના ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા તેમના ખેતરમાં આ મંદિર બનાવ્યું છે. હવન કુંડની આસપાસ અન્ય માંસના ટુકડા પણ હતા. વિરોધ સ્થળથી લગભગ 1 કિમી દૂર સ્થિત મકબરાની બહાર કેટલીક દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. આ પછી ટોળાએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ડીએમ-એસપી પોતે સ્થળ પર છે અને તાલગ્રામ બંધ કરીને પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.

    ભગવાન ભરોસે વિરાટ કોહલી, હિન્દુઓને વખોડતો ક્રિકેટર પ્રદર્શન બગડતાજ ભજન-કીર્તન કરતો જોવા મળ્યો

    ભગવાન ભરોસે વિરાટ કોહલી, એવું લાગે છે કે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને હવે માત્ર ‘ભગવાન’નોજ સહારો છે. એટલેજ તેઓ પત્ની અનુષ્કા શર્મા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા લંડન પહોંચ્યા હતા. નવેમ્બર 2019 થી, વિરાટ કોહલીએ લગભગ છેલ્લા અઢી વર્ષથી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી. વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તેનું બેટ કોઈ કમાલ દેખાડી શક્યું નથી. હવે માત્ર ભગવાન ભરોસે વિરાટ કોહલી હોય તેવું જણાઈ રહ્યું છે.

    આ પ્રવાસમાં તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ત્યાં ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે, જે એક-એકથી બરાબરી પર છે. આ કાર્યક્રમનું આયોજન અમેરિકન સિંગર કૃષ્ણા દાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિરાટ અને અનુષ્કા ભજન-કીર્તનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસના એક અગ્રણી શિષ્યએ આ સેલિબ્રિટી કપલ સાથેની તસવીરો શેર કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર લોકોને તેની ખબર પડી હતી.

    હનુમાન દાસ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પરથી જણાઈ આવે છે કે આ કાર્યક્રમ 14-15 જુલાઈના રોજ યુનિયન ચાપેલ, લંડનમાં યોજાયો હતો. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022 થી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે છેલ્લી સદી પણ નવેમ્બર 2019માં નબળી ટીમ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. ઘણા દિગ્ગજોએ તેની ટીકા કરી છે ત્યારે, ઘણા લોકો તેના ફરી ફોર્મમાં આવવાની આશા રાખી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે હિંદુઓને જ્ઞાન આપવા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત ઝપેટમાં આવી ચુક્યા છે. હાલમાં જ વેંકટેશ પ્રસાદે કહ્યું હતું કે “કોઈ ખેલાડી ફોર્મમાં ના હોય તો તેણે ડ્રોપ નથી કરાતો, તેણે આરામ આરામ આપવામાં આવે છે. વેંકટેશે ભૂતપૂર્વ ખેલાડીઓનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કેવી રીતે તેમને પહેલા ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અગાઉ કપિલ દેવે વિરાટ કોહલીને ટીમમાંથી બહાર ન કરવા સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે “જ્યારે રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટના પ્લેઇંગ 11માંથી બહાર કરી શકાય છે તો વિરાટ કોહલીને કેમ નહીં?”

    મહુઆ મોઇત્રાએ અહોમ સમાજનું અપમાન કર્યું, કહ્યું હતું ‘યૌન શોષણનો અર્થ એટલે ગોગોઈ’ TMC સાંસદ સામે FIR નોંધાઈ

    મહુઆ મોઇત્રાએ અહોમ સમાજનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું હતું, આસામમાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મિત્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શુક્રવારે (15 જુલાઈ 2022) શિવસાગર જિલ્લામાં રાષ્ટ્રીય સંગ્રામી સેના દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં માગણી કરવામાં આવી હતી કે મહુઆ મોઇત્રા ‘ગોગોઈ’ શબ્દને ‘યૌન શોષણ’નો સમાનાર્થી આપવા બદલ માફી માંગે.

    ફરિયાદી પ્રણવ ચેટિયાએ કહ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે મોઇત્રાની ટ્વિટર ટિપ્પણીમાં, શારીરિક શોષણને ઇરાદાપૂર્વક ગોગોઇ શબ્દ દ્વારા બદલવામાં આવ્યો છે. આ આસામના સ્થાપિત જાતિ સમુદાયને બદનામ અને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો દર્શાવે છે. એફઆઈઆરમાં સંગઠને અહોમ સમુદાયની પવિત્રતા, અખંડિતતા અને સન્માનની રક્ષા કરવાની અને મોહુઆ મોઈત્રાને આકરી સજા કરવાની માંગ કરી છે.

    તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં મહાકાલી માનું અપમાન કરનાર મહુઆ મોઇત્રાએ તાજેતરમાં જ તેના એકાઉન્ટ પરથી એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, “અસંસદીય શબ્દોના સ્થાને મારી પ્રથમ નવી ટ્વિટર શ્રેણી. હવે પ્રતિબંધિત શબ્દ શારીરિક શોષણને બદલે શ્રી ગોગોઈનો ઉપયોગ કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે આસામમાં અહોમ સમુદાય દ્વારા ગોગોઈ અટકનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. તેથી જ જ્યારે મહુઆએ તેના ટ્વિટર પર ટિપ્પણી કરી, ત્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ વિવેચક ઉત્પલ બોરપુરારીએ ખુલ્લેઆમ તેની ટીકા કરી. સાથે જ સલાહ આપી કે ગોગોઈ લખવાને બદલે તે જે વ્યક્તિને નિશાન બનાવી રહી છે તેનું નામ લખો. ઉત્પલે લખ્યું, “આ મિસ્ટર ગોગોઈ કોણ છે? મનમાં નામ હોય તો કહો. અન્યથા તમામ ગોગોઈ લોકોનું અપમાન થશે.

    પોતાના ટ્વીટ પર થઈ રહેલી ટીકાને જોઈને મોઈત્રાએ સ્પષ્ટતામાં ટ્વીટ કર્યું અને કહ્યું, “આ ફક્ત તે સંઘીઓના ટ્વિટ માટે છે જેઓ કહી રહ્યા છે કે મેં બધા ગોગોઈને નિશાન બનાવ્યા છે. મને સ્પષ્ટ કરવા દો કે મેં આ શબ્દનો ઉપયોગ રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી રંજન ગોગોઈ માટે કર્યો છે.

    ઉપ રાષ્ટ્રપતિ ચુંટણી: પશ્ચિમ બંગાળના હાલના રાજયપાલ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર

    એનડીએએ શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ જાહેરાત કરી હતી.

    “તમામ વિચારણા અને પરામર્શ પછી, અમે કિસાન પુત્ર (ખેડૂતના પુત્ર) જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ અને એનડીએના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે,” તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખર બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથેના તેમના કાંટાળા સંબંધોને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. ધનખર અવાર નવાર બંગાળમાં થઈ રહેલ હિન્દુઓની હત્યાઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહેતા હોય છે.

    નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને ચૂંટણી 6 ઓગસ્ટના રોજ થવાની છે.

    NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનો પરિચય

    જેમ જેપી નડ્ડાએ જણાવ્યુ એમ જગદીપ ધનખર એક ખેડૂત પુત્ર છે. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના રાજયપાલ છે. આ પહેલા તેઓ ધારાસભ્ય અને સાંસદ સભ્ય રહી ચૂક્યા છે.

    જગદીપ ધનખર ત્રણ દાયકાથી વધુ સમયથી જાહેર જીવનમાં છે. 1989ની લોકસભા ચૂંટણીમાં ઝુનઝુનુથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ, તેમણે 1990માં સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 1993માં, તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા.

    જુલાઈ 2019 માં, તેમની નિમણૂક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી, જ્યાં તેમણે સખત મહેનત કરી છે અને લોક કલ્યાણના મુદ્દાઓ પર પ્રકાશ પાડતા નાગરિકોના ગવર્નર તરીકે ઓળખ બનાવી છે.

    તેમને બંધારણીય બાબતોના જાણકાર પણ મનાય છે. નોંધનીય છે કે ધનખર રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસીએસનના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

    આ પહેલા 21 જૂનના રોજ એનડીએ દ્વારા પોતાના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુનું નામ જાહેર કરાયું હતું.

    ‘તિસ્તાએ ઘણી લડાઇઓ લડી છે, તેને પદ્મ વિભુષણ મળવો જોઈતો હતો, તેને રાજ્યસભા સાંસદ જ નહીં મંત્રી પણ બનાવવી જોઈતી હતી’ – કોંગ્રેસ નેતા ઉદિત રાજ

    25 જૂનના રોજ ગુજરાત ATS દ્વારા કથિત એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની મુંબઈ ખાતેથી ધરપકડ કરાઇ હતી. તેના પર 2002ના ગોધરા રમખાણોમાં ગુજરાતની છબી ખરાબ કરવાનો પણ આરોપ હતો. આ સિવાય તેમના એનજીઓને મળેલા વિદેશી ફંડની પણ તપાસ કરવામાં આવી હતી. આ જ તિસ્તા સેતલવાડ માટે આજે કોંગ્રેસ નેતા ઉદિત રાજ દ્વારા એક મોટી ટિપ્પણી કરવામાં આવી છે.

    સમાચાર ચેનલ આજતક પરની એક ચર્ચા દરમિયાન જ્યારે એન્કર દ્વારા કોંગ્રેસ નેતા ઉદિત રાજને પુછવામાં આવ્યું કે જેના પર ખોટી રીતે ફંડ ઉઘરાવીને તેનો દુરુપયોગ કરવાનો આરોપ હતો તેવી વ્યક્તિ, તિસ્તા સેતલવાડ, ને કોંગ્રેસ સરકારે પદ્મશ્રી જેવો મોટો પુરસ્કાર કેમ આપ્યો હતો. તેના ઉત્તરમાં રાજે જે કહ્યું એ ખૂબ ચોંકાવનારું છે.

    કોંગ્રેસ નેતા ઉદય રાજ પોતાના જવાબમાં કહે છે કે કોંગ્રેસે તિસ્તાને પદ્મશ્રી આપ્યું એ તો ખૂબ ઓછું કહેવાય. ખરેખર તો તિસ્તાને તેનાથી પણ ઉચ્ચ સન્માન મળવું જોઈતું હતું, પદ્મ ભુષણ કે પદ્મ વિભુષણ મળવું જોઈતું હતું. એંકર જ્યારે પૂછે છે કે આવું કેમ તો રાજ જવાબ આપે છે છે કે તિસ્તાએ તો માનવ હકો માટે ઘણી લડાઇઓ લડી છે.

    ઉદિત રાજ આટલે નથી અટકાતા અને આગળ કહે છે કે આ તો તિસ્તાને રાજ્યસભામાં નહોતા મોકલાયા નહીં તો તે તો મંત્રી બનાવવા લાયક હતી.

    અન્ય પદ્મ ઍવોર્ડ મેળવેલ મહાનુભાવોનું કર્યું અપમાન

    કોંગ્રેસ નેતા ઉદિત રાજ માત્ર તિસ્તા સેતલવાડનું મહિમામંડન કરીને નથી અટકાતા પરંતુ આગળ જતાં તેઓ અન્ય પદ્મ પુરસ્કૃત મહાનુભાવોનું અપમાન પણ કરે છે.

    પોતાના વક્તવ્યમાં ઉદિત રાજ આગળ કહે છે કે, ‘અહિયાં તો ‘નાલાયકો’ ને પદ્મ ઍવોર્ડ મળતા હોય છે તો અમે તિસ્તાને આપ્યો એમાં ખોટું શું છે?’

    તિસ્તા ઉપરાંત શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ

    ઝાકિયા જાફરી કેસમાં થોડા દિવસો અગાઉ જ સુપ્રીમ કોર્ટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં ક્લીન ચીટ આપી હતી, પરંતુ સાથે સાથે તીસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેટલાક અવલોકનો પણ કર્યા હતા.

    આ અવલોકનમાં કોર્ટે નોંધ્યું હતું કે આ ત્રણેયે આ રમખાણો દરમ્યાન સમયાંતરે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હતા. કોર્ટના અવલોકનો જાહેર થયાનાં તુરંત બાદ જ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારને અનુક્રમે મુંબઈ અને ગાંધીનગરથી પકડી લીધા હતા, જ્યારે 12 જુલાઈની મોડી રાત્રે કોર્ટના અવલોકનમાં જેમના પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે તેવા સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

    સંજીવ ભટ્ટ હાલમાં બનાસકાંઠા જેલમાં જામનગરમાં તેમની ફરજ દરમ્યાન થયેલા કસ્ટોડિયલ ડેથ કેસ બાબતે સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી જ સંજીવ ભટ્ટની ઔપચારિક ધરપકડ કરી છે અને તેમને પુછપરછ માટે અમદાવાદ લવાયા છે.

    ભારત કોવિડ રસીના ડોઝનો 200 કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરશે: 199 કરોડનો આંકડો હાલ વટાવી દીધો

    ભારત સરકારનો COVID-19 રસીકરણ કવરેજ કાર્યક્રમ ટૂંક સમયમાં વેક્સિનના 200 કરોડ ડોઝ સુધી પહોંચશે, જે તેને વિશ્વમાં સૌથી મોટો બનાવશે. આ અભૂતપૂર્વ પ્રયાસમાં, 15મી જુલાઈ 2022, શુક્રવારના રોજ દેશમાં વિતરિત કરાયેલી COVID-19 રસીની કુલ સંખ્યા 199 કરોડને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં 200 કરોડના સ્તરને હાંસલ કરવાથી લગભગ 30 લાખ COVID-19 રસીઓ દૂર છે.

    ગયા વર્ષે 16 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ હેઠળ ભારતીય નાગરિકોને મેડ ઈન ઈન્ડિયા – કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. અહેવાલો અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વેક્સિનના 200 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ અંગે જાહેરાત કરે તેવી સંભાવના છે.

    કોરોના રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી, ભારતે આ કઠિન કાર્ય હાથ ધરીને તેના નાગરિકોની સુરક્ષા માટેનું પોતાનું સમર્પણ સાબિત કર્યું છે, જેના માટે નોંધપાત્ર સંસાધનોની જરૂર હતી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અવિશ્વસનીય સમર્થન અને આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટ-લાઈન કામદારો અને અથાક પ્રયાસો તથા તમામ હિતધારકોની ત્વરિત ભાગીદારી. ભારતને તેની 1.4 બિલિયન વસ્તીને ઇનોક્યુલેટ કરવામાં અને 199 કરોડથી વધુ રસીકરણ સુધી પહોંચવામાં 17 મહિના લાગ્યા.

    વાયરસના ગંભીર ફેલાવા વચ્ચે સરકારે ગયા વર્ષે 16 જાન્યુઆરીએ તેનો દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. 75-દિવસીય કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ દ્વારા, કેન્દ્ર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણને વેગ આપવા અને વ્યાપક બનાવવા માટે સમર્પિત છે.

    નોંધનીય છે કે, PM મોદીએ 26 જૂને મન કી બાતની 90મી આવૃત્તિને સંબોધિત કરતી વખતે પણ કહ્યું હતું કે આજે દેશ પાસે રસીનું વ્યાપક રક્ષણાત્મક કવચ છે તે સંતોષની વાત છે. “અમે 200 કરોડ રસીના ડોઝની નજીક પહોંચી ગયા છીએ. દેશમાં સાવચેતીનો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે”, તેમણે પુષ્ટિ કરી હતી.

    રસીકરણ અભિયાનને વધારાના રસીકરણની ઉપલબ્ધતા, સુધારેલ આયોજન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીની ઉપલબ્ધતા અંગે અદ્યતન જાગૃતિ અને રસી પુરવઠા શૃંખલાના સરળીકરણ સાથે વેગવંતો બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોવિડ રસી પૂરી પાડી રહી છે.

    કોવિડ19 રોગપ્રતિરક્ષા કાર્યક્રમના આગલા તબક્કામાં, કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો દ્વારા દેશમાં ઉત્પાદિત રસીઓમાંથી 75% રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને (કોઈપણ ખર્ચ વિના) પ્રાપ્ત કરશે અને પહોંચાડશે.

    પહેલા જ દિવસે ઊંધે માથે પટકાઈ તાપસી પન્નુની ફિલ્મ ‘શાબાશ મિથુ’: માત્ર 50 લાખની કમાણી કરી શકી, ખૂબ કર્યું હતું પ્રમોશન

    તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘શાબાશ મિથુ’ આજે દેશભરનાં થીએટરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ભારતની પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત છે. તાપસી પન્નુએ ફિલ્મમાં મિતાલીનું પાત્ર ભજવ્યું છે. જોકે, ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી અને પહેલા દિવસે માત્ર 50 લાખની જ કમાણી કરી શકી હતી. 

    ‘શાબાશ મિથુ’ એક દક્ષિણ ભારતીય પારંપરિક પરિવારમાં ઉછરેલી એક યુવતીની વાત છે જે કારકિર્દી બનાવવા માટે બળવો કરે છે. ફિલ્મમાં મિતાલી રાજ કઈ રીતે ક્રિકેટર બને છે એ સંપૂર્ણ સફરને આવરી લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. જોકે, ભારતીય દર્શકોને તાપસી પન્નુની આ ફિલ્મ ખાસ પસંદ પડી નથી અને ફિલ્મ પહેલા દિવસે એક કરોડ પણ કમાઈ શકી નથી. અમુક અહેવાલોમાં ફિલ્મની પહેલા દિવસની કમાણી 50 લાખ તો ક્યાંક 40 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    આ ફિલ્મ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મમાં તાપસી પન્નુ સાથે વિજય રાજ અને સમીર ધર્માધિકારીએ કામ કર્યું છે. આ ફિલ્મ સૃજિત મુખર્જીએ બનાવી છે. જોકે, તેમાં તેમને ખાસ સફળતા મળતી દેખાઈ રહી નથી. 

    આજે તાપસી પન્નુની ફિલ્મ સાથે રાજકુમાર રાવ સ્ટારર ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ પણ રિલીઝ થઇ છે. જોકે, આ ફિલ્મે પ્રમાણમાં સારી કમાણી કરી છે. રાજકુમારની ફિલ્મે પહેલા દિવસે 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

    તાપસી પન્નુએ આ ફિલ્મ માટે પ્રમોશન પણ ખૂબ કર્યું હતું, પરંતુ તે કંઈ કામ આવ્યું હોય તેમ લાગી રહ્યું નથી. તાપસી પન્નુની છેલ્લી પાંચ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ છે. છેલ્લે તેમની ‘થપ્પડ’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જે પહેલા દિવસે 2.89 કરોડ રૂપિયા કમાઈ હતી. તે પહેલાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘બદલા’ સિવાય એકેય ફિલ્મ બહુ કમાલ કરી શકી ન હતી. ત્યારે વધુ એક ફિલ્મમાં તાપસીને નિષ્ફ્ળતા મળી છે. 

    ‘શાબાશ મિથુ’ પહેલાં ક્રિકેટ પર બનેલી ફિલ્મો ‘83’ અને ‘જર્સી’ પણ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ‘83’ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવના જીવન પર આધારિત હતી. જેમાં રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું. જોકે, આ ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જોકે, અપવાદરૂપે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર રિલીઝ થયેલી ફિલ્મ ખાસ્સી લોકપ્રિય બની હતી. જેમાં દિવગંત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ધોનીનું પાત્ર ભજવ્યું હતું.

    ‘મફતની રેવડી વહેંચીને વોટ મેળવનારાઓથી સાવધાન’: બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ મફતના વાયદા કરતા નેતાઓ પર સાધ્યું નિશાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 જુલાઈ 2022) ઉત્તરપ્રદેશના બુંદેલખંડની યાત્રાએ છે. પીએમ મોદીએ આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો-સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને સંબોધન પણ કર્યું હતું તેમજ ‘રેવડી કલ્ચર’ વિશે પણ વાત કરી હતી.

    ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડના ઇતિહાસને યાદ કર્યો હતો તો મફતની લ્હાણી કરનારા નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેના ફાયદાઓ પણ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે માત્ર વાહનોને જ નહીં પરંતુ બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ પ્રદાન કરશે. 

    પીએમ મોદીએ કહ્યું કે, જે ધરતીએ અગણિત શૂરવીરો આપ્યા, જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે અને જ્યાંના દીકરા-દીકરીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, એ બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની ભેટ આપતાં મને વિશેષ આનંદ થાય છે.

    પીએમ મોદીએ કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટથી દિલ્હીનું અંતર તો 3-4 કલાક ઓછું થશે જ પરંતુ તેના લાભો પણ અનેકગણા છે. તેમણે એમ પણ કહ્યું કે, અત્યાર સુધી યુપીમાં વિકાસકાર્યો અટકેલાં રહ્યાં હતાં અને લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડી, પરંતુ હવે યુપીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીરતાથી કામ થઇ રહ્યું છે અને જેના કારણે યુપી કેટલાંય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું છે.

    મફતની લ્હાણી કરતા રાજકારણીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે બહુ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ બહુ સાવધાન રહેવાની જરૂર છે.

    વડાપ્રધાને કહ્યું કે, રેવડી કલ્ચરવાળ ક્યારેય તમારા માટે નવા એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. રેવડી કલ્ચરવાળાને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વહેંચીને તેમને ખરીદી લેશે. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ વિચારને હરાવવાનો છે અને રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી હટાવવાનું છે.

    તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે પરિવહનના આધુનિક સાધનો પર પહેલો અધિકાર માત્ર મોટાં શહેરોનો જ છે. પરંતુ હવે સરકાર પણ બદલાઈ છે, મિજાજ પણ બદલાયો છે. આ મોદી છે, આ યોગી છે. જૂના વિચારોને પાછળ છોડીને આપણે એક નવી પદ્ધતિથી આગળ વધી રહ્યા છીએ.

    296 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે બુંદેલખંડના ચિત્રકૂટને ઇટાવા પાસે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેને જોડશે. આ યુપીનો ચોથો એક્સપ્રેસ વે છે અને 28 મહિનામાં જ બનીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં આ પ્રોજેક્ટનું ખાતમહુર્ત કર્યું હતું

    ‘રાણા અય્યુબ 2.0’: સોશિયલ મીડિયા પર વધુ એક શંકાસ્પદ ફંડ રેઝિંગ કરનાર વાયરલ થતાં નેટીઝન્સ આપે છે પોતાની પ્રતિક્રિયાઓ

    સોશિયલ મીડિયા પર ફરી એક ફંડ રેઝિંગ અભિયાન હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. ચર્ચા અનુસાર એક 22/23 વર્ષની યુવતી પોતાની માસ્ટર ડિગ્રી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂરી કરવા માટે જુદા જુદા પ્લેટફોર્મ પર કુલ 50 લાખથી વધુનું ફંડ રેઝિંગ અભિયાન ચલાવતી નજરે પડે છે. તેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સના અલગ અલગ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.

    આ સમગ્ર ચર્ચાની શરૂઆત થઈ ટ્વિટર પર @HumansOfBombay નામના અકાઉન્ટ પરથી થયેલ એક ટ્વિટ બાદ. પોતાની ટ્વિટમાં આ અકાઉન્ટ એક યુવતીનો ફોટો મૂકીને સાથે સાથે એક ફંડ રેઝિંગ વેબસાઇટ kettoની એક ફંડ રેઝિંગ અભિયાન માટેની લિન્ક જોડીને લખે છે કે, “મુસ્કાન 22 વર્ષની છે અને તેને હાર્વર્ડમાં માસ્ટરનું શિક્ષણ પૂરું કરવા માટે રૂ.23 લાખની જરૂર છે. ચાલો તેના સપનાને સાકાર કરવામાં મદદ કરીએ. નીચેની લિંક દ્વારા દાન કરો.”

    તો હુમન્સ ઓફ બોમ્બે ના જણાવ્યા અનુસાર એક મુસ્કાન નામની 22 વર્ષીય યુવતીને હાર્વર્ડમાં પોતાના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 23 લાખની જરૂર છે. અને સાથે જ તેઓ ketto નામની એક ફંડ રેઝિંગ વેબસાઇટ પરની મુસકન માટે બનાવેલ ફંડ રેઝિંગ અભિયાન વાળી લિન્ક ઉમેરીને લોકોને તેના પર જઈને પૈસા આપવા માટે પણ કહે છે.

    નેટિઝન્સને આ સમગ્ર મામલામાં કઈક અયોગ્ય અથવા શંકાસ્પદ લાગતાં તેમણે થોડા પ્રશ્નો ઉઠાવવાની શરૂ કર્યું અને વિષયે તૂલ પકડતા અમુક જાણીતા સોશિયલ મીડિયા અકાઉન્ટસે આ વિષે તપાસ પણ આદરી દીધી હતી.

    ટ્વિટર યુઝર @DeepikaBhardwaj એ એક મોડેલિંગ સાઇટના સ્ક્રીનશૉટ, કે જેમાં તે જ યુવતી મોડેલિંગ કરતી દેખાઈ રહી છે, જોડીને હાર્વર્ડને ટેગ કરીને લખ્યું કે, “મેં આ હાર્વર્ડ એસ્પિરન્ટને શોધવાનો પ્રયાસ કર્યો. આ મોડેલિંગ સાઈટ સિવાય સોશિયલ મીડિયા પર વધુ ભાળ મળી શકી નથી (ખાતરી નથી કે તે જ છે પણ એવું લાગે છે) આશ્ચર્ય થશે કે જેણે હાર્વર્ડમાં માસ્ટર્સમાં પ્રવેશ મેળવ્યો છે તેની પાસે કોઈ કામ અથવા ઓળખપત્ર અથવા ઓનલાઈન થીસીસ નથી?” આમ દીપિકાએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આ યુવતીને હાર્વર્ડના માસ્ટર પ્રોગ્રામમાં એડમિશન મળ્યું હોય તો તેની કોઈ થીસીસ કે અન્ય કોઈ જાણકારી કેમ નથી.

    એક યુઝર @BhaiiSamrat એ અન્ય એક ફંડ રેઝિંગ વેબસાઇટ મિલાપનો સ્ક્રિનશોટ ઉમેરીને કહ્યું કે, “મિલાપ પર મુસ્કાન 25 લાખનું કલેક્શન કરી રહી છે અને સાથે જ તે કેટ્ટો પર પણ 23 લાખનું કલેક્શન કરી રહી છે. શું આ એક કૌભાંડ છે? @dir_ed કંઈક શંકાસ્પદ છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર @BefittingFactsએ થોડા સ્ક્રીનશોટ્સ જોડીને લખ્યું કે, “મુસ્કાન બાવા તેના ‘શિક્ષણ’ માટે મિલાપમાં ₹25 લાખ અને કેટ્ટોમાં ₹23.62 લાખ એકત્ર કરી રહી છે. મિલાપમાં તે ધર્મશાલાની છે અને કેટ્ટોમાં તે ચંદીગઢની છે.” સાથે જ તેમણે પોતાની ટ્વિટમાં ED તથા ફાઇનાન્સ મંત્રાલયના અકાઉન્ટસને ટેગ કરીને આ વિષયમાં તપસ કરવા કહ્યું હતું.

    ટ્વિટર અકાઉન્ટ @Naarad_Munii_ પોતાની ટ્વિટમાં મુસ્કાનના નામનો હાર્વર્ડ યુનિવર્સિટીનો લેટર જોડીને ભારતીય ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેંટને ટેગ કરીને લખે છે કે હવે ઊંઘમાંથી ઉઠો. સાથે લખે છે કે, “તેને 15 એપ્રિલ 2022 સુધીમાં પોતાના પ્રવેશની પુષ્ટિ કરવાની હતી. જુલાઈ આવી ગયો પણ હજુ સુધી દાન માંગી રહ્યા છે.”

    અત્રે નોંધનીય છે કે લોકો આ વિષયને કથિત પત્રકાર રાણા અય્યુબ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. કારણ કે ભૂતકાલમાં રાણા અય્યુબે પણ આ જ રીતે કોરોનાના નામે ફંડ રેઝિંગ અભિયાન ચલાવીને મોટું ફંડ એકઠું કર્યું હતું અને અંતે તે ફંડનો ઉપયોગ પોતાના અંગત વપરાશ માટે કર્યો હતો. જે બાદ ED તેની 1.77 કરોડની મતા પણ જપ્ત કરી હતી.