Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મફતની રેવડી વહેંચીને વોટ મેળવનારાઓથી સાવધાન’: બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતા પીએમ...

    ‘મફતની રેવડી વહેંચીને વોટ મેળવનારાઓથી સાવધાન’: બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ મફતના વાયદા કરતા નેતાઓ પર સાધ્યું નિશાન

    મફતની લ્હાણી કરતા રાજકારણીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 જુલાઈ 2022) ઉત્તરપ્રદેશના બુંદેલખંડની યાત્રાએ છે. પીએમ મોદીએ આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો-સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને સંબોધન પણ કર્યું હતું તેમજ ‘રેવડી કલ્ચર’ વિશે પણ વાત કરી હતી.

    ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડના ઇતિહાસને યાદ કર્યો હતો તો મફતની લ્હાણી કરનારા નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેના ફાયદાઓ પણ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે માત્ર વાહનોને જ નહીં પરંતુ બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ પ્રદાન કરશે. 

    પીએમ મોદીએ કહ્યું કે, જે ધરતીએ અગણિત શૂરવીરો આપ્યા, જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે અને જ્યાંના દીકરા-દીકરીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, એ બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની ભેટ આપતાં મને વિશેષ આનંદ થાય છે.

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટથી દિલ્હીનું અંતર તો 3-4 કલાક ઓછું થશે જ પરંતુ તેના લાભો પણ અનેકગણા છે. તેમણે એમ પણ કહ્યું કે, અત્યાર સુધી યુપીમાં વિકાસકાર્યો અટકેલાં રહ્યાં હતાં અને લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડી, પરંતુ હવે યુપીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીરતાથી કામ થઇ રહ્યું છે અને જેના કારણે યુપી કેટલાંય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું છે.

    મફતની લ્હાણી કરતા રાજકારણીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે બહુ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ બહુ સાવધાન રહેવાની જરૂર છે.

    વડાપ્રધાને કહ્યું કે, રેવડી કલ્ચરવાળ ક્યારેય તમારા માટે નવા એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. રેવડી કલ્ચરવાળાને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વહેંચીને તેમને ખરીદી લેશે. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ વિચારને હરાવવાનો છે અને રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી હટાવવાનું છે.

    તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે પરિવહનના આધુનિક સાધનો પર પહેલો અધિકાર માત્ર મોટાં શહેરોનો જ છે. પરંતુ હવે સરકાર પણ બદલાઈ છે, મિજાજ પણ બદલાયો છે. આ મોદી છે, આ યોગી છે. જૂના વિચારોને પાછળ છોડીને આપણે એક નવી પદ્ધતિથી આગળ વધી રહ્યા છીએ.

    296 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે બુંદેલખંડના ચિત્રકૂટને ઇટાવા પાસે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેને જોડશે. આ યુપીનો ચોથો એક્સપ્રેસ વે છે અને 28 મહિનામાં જ બનીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં આ પ્રોજેક્ટનું ખાતમહુર્ત કર્યું હતું

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં