ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જેમતેમ કરીને પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી મજબૂત બનવાની જગ્યાએ સતત તૂટતી જોવા મળી રહી છે. બીજી તરફ આંતરિક વિખવાદ પણ અવારનવાર સામે આવતો રહે છે. જમીની સ્તરે પણ હવે જોઈએ તેટલું સમર્થન મળતું દેખાઈ રહ્યું નથી. તાજેતરમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને આવો જ અનુભવ થયો અને ઉપલેટામાં તેમણે રેલી રદ કરીને આવવું પડ્યું.
ગુજરાત તકના એક રિપોર્ટ અનુસાર, શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) ઉપલેટામાં ઇસુદાન ગઢવીની આગેવાનીમાં એક બાઇક રેલી આયોજિત કરવામાં આવી હતી. આ માટે તેઓ તો પહોંચી ગયા પણ પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જ ફરક્યા ન હતા. થોડા જ લોકો દેખાતાં આખરે પાર્ટીએ કાર્યક્રમ જ રદ કરી દીધો અને ઈસુદાન ગઢવીએ પાછા ફરવું પડ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ઉપલેટામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના આગમન પર આમ આદમી પાર્ટી દ્વારા એક બાઈક રેલી યોજવામાં આવી હતી, જે બસ સ્ટેન્ડથી નીકળીને નાગનાથ ગેટ સુધી પહોંચવાની હતી. જે માટે કાર્યકરો અને નેતાઓને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે રેલીનો સમય થયો તો લોકોની પાંખી હાજરી જોવા મળી અને મુખ્ય મહેમાનો અને હોદ્દેદારો જ આવ્યા ન હતા. સ્થળ પર બાઇક રેલી નીકળી શકે તેટલા માણસો પણ ભેગા થયા ન હતા, જેથી કાર્યક્રમો રદ કરી દેવા પડ્યા.
સામે આવેલા વીડિયોમાં ઈસુદાન ગઢવી અને તેમની આસપાસ થોડા કાર્યકરો જોવા મળે છે. આંગળીના વેઢે ગણાય તેટલા કાર્યકરોની હાજરીમાં ઈસુદાન ગઢવી કારમાંથી ઉતરીને લોકોનું અભિવાદન સ્વીકારે છે અને ત્યારબાદ થોડી મિનિટો સુધી રોકાઈને તે જ ગાડીમાં પાછા ફરે છે.
જોકે, ઈસુદાન ગઢવી માટે આ પહેલો પ્રસંગ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ તેમની સાથે આવા પ્રસંગો બન્યા હતા. મે, 2022માં પાર્ટી મોટા ઉપાડે પરિવર્તન યાત્રાની જાહેરાત કરી હતી અને ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન કરી નાખ્યું હતું. પરંતુ એકાદ-બે કાર્યક્રમો થયા બાદ યાત્રાનો વીંટો વાળી દેવાયો હતો.
આ જ યાત્રાનો એક કાર્યક્રમ જામનગરના એક ગામમાં યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમમાં ગણીને અઢાર-વીસ જેટલા લોકો જ એકઠા થયા હતા. જેની તસવીરો તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.