ખાલિસ્તાની તત્વો સામે ભારત સરકાર કડક હાથે કામ લઇ રહી છે. બુધવારે NIAએ (20 સપ્ટેમ્બર, 2023) 43 ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની યાદી જાહેર કર્યા બાદ હવે માર્ચ, 2023માં અમેરિકામાં ભારતીય કૉન્સ્યુલેટ પર હુમલો અને તોડફોડ કરવા મામલે વૉન્ટેડ ખાલિસ્તાનીઓની યાદી બહાર પાડી છે.
NIA SEEKS INFO ON WANTED ACCUSED IN SAN FRANCISCO INDIAN CONSULATE ATTACK CASE pic.twitter.com/HkETEjlDoE
— NIA India (@NIA_India) September 21, 2023
NIAએ કુલ 10 ખાલિસ્તાનીઓની યાદી જાહેર કરી છે. આ તમામ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલા ભારતીય કૉન્સ્યુલેટમાં થયેલી તોડફોડ અને હુમલામાં સામેલ હતા. એજન્સીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, આ 10 વિશે કોઇ માહતી હોય તો તેમને પહોંચાડે. આ સાથે NIA ઓફિસનાં સરનામાં પણ આપ્યાં છે, જ્યાં માહિતી આપી શકાશે. તેમજ વોટ્સએપ અને ટેલિગ્રામ નંબર તેમજ ઈ-મેઈલ આઈડી પણ જોડવામાં આવ્યાં છે. એજન્સીએ એમ પણ કહ્યું છે કે જે કોઇ પણ માહિતી આપશે તેના વિશેની તમામ જાણકારી ગોપનીય રાખવામાં આવશે.
એજન્સીએ આ માટે કુલ ત્રણ નોટિસ ઇસ્યુ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ લોકો વિશે કોઇ પણ માહિતી હોય તો NIAને આપવામાં આવે જેથી તેમની ધરપકડ કરવામાં આવી શકે. સાથે આ તમામના ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે.
— NIA India (@NIA_India) September 21, 2023
ઉલ્લેખનીય છે કે ગત 18 અને 19 માર્ચની રાત્રે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલ ઈન્ડિયન કૉન્સ્યુલેટ પર અમુક ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરી દીધો હતો અને તેને સળગાવવાના પ્રયાસ કર્યા હતા. NIA દ્વારા જણાવવામાં આવ્યું કે, તે જ દિવસે અમુક ખાલિસ્તાન સમર્થકો નારાબાજી કરતા સિક્યુરિટી બેરિયર્સ તોડીને કૉન્સ્યુલેટ પરિસરમાં ઘૂસી ગયા હતા અને ઈમારતમાં નુકસાન પહોંચાડીને અધિકારીઓ-કર્મચારીઓને ઈજા પણ પહોંચાડી હતી.
આગળ જણાવવામાં આવ્યું કે, 1 અને 2 જુલાઈના રોજ પણ અમુક આરોપીઓ પરિસરમાં ઘૂસી ગયા હતા અને કૉન્સ્યુલેટને આગ લગાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સમયે અમુક કર્મચારીઓ મકાનમાં હાજર હતા.
આ મામલે 16 જુલાઇના રોજ NIAએ IPCની કલમ 109,120-B, 147, 148 ,149, 323,436,448 & 452 અને UAP એક્ટની કલમ 13 તેમજ પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3(1) હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બુધવારે (20 સપ્ટેમ્બર, 2023) NIAએ ટેરર-ગેંગસ્ટર લિંક્ડ કેસમાં વૉન્ટેડ એવા કુલ 43 ગેંગસ્ટરો અને આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી. જેમાંથી 29 ખાલિસ્તાની સમર્થકો હતા. આ યાદી જાહેર કરવામાં આવી તેના થોડા જ કલાકોમાં કેનેડાના વિનીપેગ શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી સુખદૂલસિંઘની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી.