દેશના નવા સંસદ ભવનના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ગૃહની કાર્યવાહીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થઈ હતી. આ સંબોધન દરમિયાન તેમણે મહિલા અનામત બિલની ઘોષણા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આ એક્ટ નારીશક્તિ વંદન અધિનિયમ તરીકે ઓળખાશે. ત્યારબાદ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું.
#WATCH | In the Lok Sabha of the new Parliament building, Union Law Minister Arjun Ram Meghwal tables the Women's Reservation Bill in Lok Sabha. pic.twitter.com/cRQMhbDdzI
— ANI (@ANI) September 19, 2023
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે સોમવારે યોજાયેલી ખાસ બેઠકમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. જોકે, સંસદનું સત્ર ચાલતું હોવાના કારણે પ્રેસ બ્રીફિંગ થયું ન હતું પરંતુ મીડિયામાં સૂત્રો મારફતે બિલને મંજૂરી અપાઈ હોવાનું જણાવાય રહ્યું હતું. હવે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરીને તેની પુષ્ટિ કરી હતી.
પીએમ મોદીના સંબોધન બાદ કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે બિલ રજૂ કર્યું હતું. જોકે, આજે માત્ર બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેની ઉપર ચર્ચા કાલે થશે.
આજનો દિવસ ઐતિહાસિક, અન્ય અનેક પવિત્ર કામોની જેમ આ કામ માટે પણ ઈશ્વરે મને પસંદ કર્યો: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “આજનો દિવસ ઇતિહાસમાં નામ અંકિત કરવાનો સમય છે. આપણા સૌ માટે આ પળો ગર્વની પળો છે. અનેક વર્ષોથી મહિલા અનામત મામલે અનેક ચર્ચાઓ થઈ, બહુ વાદવિવાદ થયા, સંસદમાં અગાઉ પણ અમુક પ્રયાસો થયા હતા. 1996માં બિલ પહેલી વખત રજૂ કરવામાં આવ્યું હતું. અટલજીના કાર્યકાળમાં અનેક વખત મહિલા અનામતનું બિલ રજૂ કરવામાં આવ્યું, પરંતુ તેને પાસ કરાવવા માટે આંકડા ન મેળવી શક્યા અને એ સપનું અધૂરું રહી ગયું. પરંતુ અન્ય અનેક પવિત્ર કામોની જેમ મહિલાઓને અધિકાર આપવાના કામ માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે.”
પીએમ મોદીએ કહ્યું, “અમારી સરકારે ફરી આ દિશામાં પગલું ઉઠાવ્યું છે. ગઈકાલે જ કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી. આજે 19 સપ્ટેમ્બરની આ તારીખ એટલે જ ઈતિહાસમાં અમરત્વને પ્રાપ્ત કરવા જઈ રહી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, નેતૃત્વ કરી રહી છે ત્યારે ખૂબ જરૂરી છે કે નીતિ નિર્ધારણમાં આપણી માતાઓ-બહેનો, આપણી નારીશક્તિ વધુમાં વધુ યોગદાન આપે. એટલું જ નહીં, મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. “
#WATCH | Special Session of Parliament | PM Narendra Modi speaks on Women's Reservation Bill — Nari Shakti Vandan Adhiniyam
— ANI (@ANI) September 19, 2023
"Discussion on Women's Reservation Bill happened for a long time. During Atal Bihari Vajpayee's regime Women's Reservation Bill was introduced several… pic.twitter.com/bPTniQvhZr
વડાપ્રધાને કહ્યું, “આજે આ ઐતિહાસિક અવસર પર નવા સંસદ ભવનમાં ગૃહની પહેલી કાર્યવાહી તરીકે આ નવા બદલાવનું આહવાન કરવામાં આવશે અને દેશની નારીશક્તિ માટે દરેક સાંસદો મળીને નવા પ્રવેશદ્વાર ખોલશે. ‘વિમેન લેડ ડેવલપમેન્ટ’ના સંકલ્પને આગળ વધારતાં આજે અમારી સરકાર એક પ્રમુખ બંધારણ સંશોધન વિધેયક પ્રસ્તુત કરવા જઈ રહી છે. જેનું લક્ષ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.
વિધેયકનું નામ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, “નારીશક્તિ વંદન અધિનિયમના માધ્યમથી આપણું લોકતંત્ર વધુ મજબૂત થશે. હું દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. હું તેમને આશ્વાસન આપું છું કે અમે આ બિલને કાયદો બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. હું આ ગૃહમાં તમામ સાથીઓને આગ્રહપૂર્વક નિવેદન કરું છું કે પાવન શરૂઆત અને પાવક વિચાર આપણી સામે આવ્યો છે તો સર્વસંમતિથી આ બિલ પસાર કરાવીએ.”