Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણમહિલા અનામત બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સંસદના ચાલુ વિશેષ સત્રમાં રજૂ કરાશે:...

    મહિલા અનામત બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સંસદના ચાલુ વિશેષ સત્રમાં રજૂ કરાશે: જાણો શું છે આ બિલ, શું હોય શકે જોગવાઈઓ

    સંસદનું વિશેષ સત્ર શરૂ થયા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહિલા અનામત માટેના બિલને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહિલા અનામત બિલને મંજૂરી આપી છે. સંસદના ચાલુ વિશેષ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં બિલ પર અંતિમ મહોર મારવામાં આવી હતી. 

    સંસદનું વિશેષ સત્ર શરૂ થયા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જૂના સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં સાંજે સાડા છ વાગ્યે તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓની હાજરીમાં બેઠક શરૂ થઈ હતી. જે લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં મહિલા અનામત માટેના બિલને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. 

    મીડિયા અહેવાલોનું માનીએ તો આગામી 20 સપ્ટેમ્બરના રોજ સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવશે અને તેની ઉપર ચર્ચા થશે. કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ બિલના સમર્થનમાં દેખાઇ રહી છે તેને જોતાં બિલ પાસ થઈ જશે તે લગભગ નક્કી છે. 

    - Advertisement -

    શું છે મહિલા અનામત બિલ?

    આ બિલમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી પણ ઓછી છે, જ્યારે રાજ્યોની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે. જો આ બિલ પસાર થઈને એક્ટ લાગુ થાય તો આ તમામ ઠેકાણે એક તૃત્યાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. 

    આ બિલની ચર્ચા આમ તો ઘણાં વર્ષોથી ચાલે છે અને પહેલી વખત 12 સપ્ટેમ્બર, 1996ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. છેલ્લે વર્ષ 2010માં તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને સાંસદોના હોબાળા વચ્ચે પસાર કરી દેવામાં આવ્યું હતું. તેમાં જોગવાઈ એવી હતી કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવે. જોકે, પછીથી લોકસભામાં આ બિલ પસાર ન થતાં ખરડો રદ કરી દેવામાં આવ્યો હતો. 

    ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ બિલનું સમર્થન કરતા આવ્યા છે. પરંતુ અન્ય અમુક પાર્ટીઓ તેના વિરોધમાં હતી. તાજેતરમાં જ્યારે વિશેષ સત્રની ઘોષણા કરવામાં આવી ત્યારે પણ બિલને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. આખરે મોદી સરકાર બિલ લાવી રહી છે. તેને સંસદના નવા ભવનમાં રજૂ કરવામાં આવશે અને તેની સાથે નવા ભવનના કામકાજની શરૂઆત ઐતહાસિક નિર્ણય સાથે થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં