તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી, જેના કારણે દરવાજા ખોલીને પાણી છોડવું પડ્યું હતું. લાખો ક્યુસેક પાણી છોડાવાના કારણે નર્મદાનું જળસ્તર પણ વધ્યું અને આસપાસનાં ગામોમાં પણ અસર થઈ. આ બધા વચ્ચે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકારે પીએમ મોદીનો જન્મદિવસ ઉજવવા માટે ડેમ છલોછલ ભર્યો અને એકસાથે પાણી છોડ્યું એટલે આ પૂરની સ્થિતિ સર્જાઈ છે. પછીથી સરકાર તરફથી સાચી હકીકત જણાવવામાં આવી.
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વીડિયો ટ્વિટ કર્યો અને તેમાં કહ્યું કે, સરદાર સરોવરમાંથી 17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી ભરૂચના અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ અને બે-બે માળ સુધી પાણી ઘૂસી ગયાં અને ખેડૂતોનાં ખેતરોને પણ બહુ નુકસાન થયું. તેમણે દાવો કર્યો કે, વડાપ્રધાન મોદીના જન્મદિવસે ડેમ ફૂલ કરવા માટે પાણી સંગ્રહી રાખવામાં આવ્યું. જો પાણી છોડવામાં આવ્યું હોત તો આમ થયું ન હોત. તેમણે આને ભાજપનું ‘નાટક’ પણ ગણાવ્યું.
આજે સત્તર તારીખે જ નર્મદાના નીરના વધામણાં કરવા પાણી રોકી રાખ્યું અને પછી અઢાર લાખ ક્યુસેક્સ પાણી છોડી બીજેપી સરકારે તબાહી મચાવી . ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશતા થયેલ પારાવાર તબાહી. કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્તોની લીધી મુલાકાત. pic.twitter.com/Xkz5ioV78P
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 17, 2023
આ આરોપોને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ, આ સ્ટ્રોમ નર્મદા નદીની સમાંતર જ આગળ વધ્યું, જેથી ત્યાં ખૂબ વરસાદ પડ્યો. અચાનક ધારણા કરતાં વધુ વરસાદ પડવાના કારણે મધ્ય પ્રદેશના અમુક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેથી સરદાર સરોવરમાં પાણીનો ઇનફ્લો વધી ગયો હતો અને આખરે પાણી છોડવું પડ્યું.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારે 17 સુધી પાણી નહતું છોડ્યું, પરંતુ મંત્રીએ જણાવ્યું કે, પાણી છોડવાની શરૂઆત 16 સપ્ટેમ્બરના રોજથી જ કરી દેવામાં આવી હતી. તેમણે સમજાવ્યું કે, 16મીએ મળસ્કે 3 વાગ્યે એમપીના ઓમકારેશ્વર ડેમમાંથી 68 હજાર ક્યુસેકથી વધારીને 4.53 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી, જે પાણી 8 થી 12 કલાક પછી સરદાર સરોવરમાં આવ્યું, જેથી ડેમમાં જે ઈનફ્લો 5.31 લાખ ક્યુસેકનો હતો તે વધીને 22 લાખ ક્યુસેક પર પહોંચી ગયો હતો.
તેમણે જણાવ્યું કે, પાણીની આવક વધતાં 16 સપ્ટેમ્બરના 10 વાગ્યે સવારે 45 હજાર ક્યુસેકથી વધારીને 5 લાખ, 8 લાખ અને 12 વાગ્યે 16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. 16 સપ્ટેમ્બરના રોજ મહત્તમ ઈનફ્લો 22 લાખ ક્યુસેક હતો તેની સામે 18 લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, 16 સપ્ટેમ્બરના રોજ જીવંત સંગ્રહ 109 ટકાથી પણ વધારે થયો. એટલે કે સરદાર સરોવર ડેમની જે ક્ષમતા છે તેનાં કરતાં પણ વધુ પાણી માત્ર દોઢ દિવસના ગાળામાં ઉમેરાયું, પરિણામે તેને છોડવું પડ્યું અને નીચેના વિસ્તારોમાં તે ફરી વળ્યું.
મુખ્યમંત્રીના જળ વધામણાંને લઈને તેમણે સ્પષ્ટતા કરી હતી કે, વર્ષ 2019 બાદ જ્યારે પણ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાય અને ગેટ ખોલવામાં આવે ત્યારે મુખ્યમંત્રી જતા હોય છે અને પાણીનાં વધામણાં તેમનાં હસ્તે કરવામાં આવે છે. કોંગ્રેસના આક્ષેપોમાં કોઇ તથ્ય નથી.