Wednesday, May 15, 2024
More
    હોમપેજગુજરાતસરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદી બે કાંઠે, ભરૂચમાં ગોલ્ડન બ્રિજ...

    સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદી બે કાંઠે, ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે ભયજનક સપાટી વટાવી: 3500 લોકોનું સ્થળાંતર

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે NDRF 6 બટાલિયન દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં 5 ટીમોને તૈનાત કરવામાં આવી છે. નર્મદાના કેવડીયા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને 24 લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઉપરવાસમાં બારે મેઘ ખાંગા થવાથી અને ઓમકારેશ્વર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતાં ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. વધુ જેથી 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. જેના કારણે ભરૂચ અને વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ગોલ્ડન બ્રિજ પર પાણીનું સ્તર 24 ફૂટની જોખમી સપાટીને વટાવી 32 ફૂટની આજુબાજુ પહોંચી ગયું છે. બીજી તરફ ભરૂચ અને વડોદરા જિલ્લામાંથી 3500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરની સ્થતિ જોતાં નર્મદા જિલ્લા વહીવટીતંત્રે શાળા, કોલેજ જેવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

    16 સપ્ટેમ્બરે બપોરના અરસામાં સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાથી પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 23 ગેટ ખોલીને 19 લાખ ક્યુસેકના જથ્થામાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. રવિવારે (17 સપ્ટેમ્બરે) બપોરના સમય સુધીમાં છોડવામાં આવેલા પાણીનો જથ્થો ઓછો કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પૂરની સ્થિતિને પગલે મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02642242300 જાહેર કર્યો છે. એ ઉપરાંત સરકારે જણાવ્યું હતું કે વડોદરાના 3 તાલુકાના 13 ગામોમાંથી લગભગ 1500 લોકોને સુરક્ષિત સ્થાન પર સ્થાનાંતરિત કરાયા છે. NDRFની ટીમે દીવાબેટમાં ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કર્યું છે.

    શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અપાયા આદેશ

    નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇટીઆઇ સહિતની તમામ શૈક્ષિણીક સંસ્થાઓમાં રજા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ સીએ ગાંધી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના ભંગ બદલ IPCની કલમ 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    ચાણોદની બજારોમાં ઘૂસી ગયા પાણી

    નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં વડોદરા જિલ્લાના તીર્થધામ ચાણોદમાં પાણી ઘૂસી ગયા હતા. નદી કિનારાના 56-60 ઘરોના એક-એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને બીજા માળ સુધી પાણી પહોંચી ગયું છે. જેના લીધે લોકોએ સ્થળાંતર કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત ચાણોદના મુખ્ય બજારની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે. ચાણોદમાં પાણી ઘૂસી જતાં નાવડીઓ ફરતી થઈ ગઈ છે.

    બચાવ કામગીરી પૂરજોશમાં

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે NDRF 6 બટાલિયન દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં 5 ટીમોને તૈનાત કરવામાં આવી છે. નર્મદાના કેવડીયા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને 24 લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા. જેમાં 1 શિશુ, 2 બાળક, 8 સ્ત્રી, 13 પરુષોનો સમાવેશ થાય છે.

    આ સિવાય 16 સપ્ટેમ્બરની મોડી રાત્રે ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના 11 ગામોમાંથી 1110 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડભોઈના કરનાળીમાંથી 9, નદેરિયામાંથી 17, શિનોરમાંથી 24, બરકાલના 7, માલસરના 84, કરજણ તાલુકાના પુરામાંથી 600, આલમપુરાના 180, લીલાઈપુરાના 25, ઓઝના 24, નાની કોરલના 130 અને શાયરના 10 સહિત કુલ 1110 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

    આ સિવાય વડોદરાના કરજણમાંથી માહિતીના આધારે NDRFની ટીમે બે કલાકની મહેનત બાદ 16 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં અંદાજે 1400થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડીને ભોજન સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ 28 જેટલા લોકોનો બચાવ પણ કરવામાં આવ્યો હતો. કરજણ તાલુકાના નાની કોરલ નામના આખા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં