અત્યારે અનેક બોલીવુડ કલાકારો EDના રડારમાં છે. આ તમામ દુબઈમાં આયોજિત એક આલીશાન લગ્ન કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે ગયા હતા. હવે ED આ મામલે તેમની પૂછપરછ કરી શકે છે. આ સમગ્ર મામલો ‘મહાદેવ’ નામની સટ્ટાબાજીની એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર સાથે જોડાયેલો છે. સૌરભે પ્રાઇવેટ જેટ મોકલીને બોલીવુડની અનેક હસ્તીઓને પોતાના લગ્નના કાર્યક્રમમાં દુબઈ બોલાવ્યા હતા. આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેણે ‘મહાદેવ’ નામની ઓનલાઈન બેટિંગ (સટ્ટાબાજીની) એપ્લિકેશન બનાવી હતી.
એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પરફોર્મ કરનાર બોલીવુડ સેલેબ્સમાં- સની લિયોની, ટાઇગર શ્રોફ, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ ડડલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કીર્તિ ખરબંદા, નુસરત ભરુચા, કૃષ્ણા અભિષેક અને સુખવિન્દરસિંહનો સમાવેશ થાય છે. ‘મહાદેવ’ બેટિંગ એપ્લિકેશન મામલે માત્ર ED જ નહીં પણ ઘણાં રાજ્યોની પોલીસ પણ તેની પાછળ લાગેલી છે.
EDએ જે ડિજિટલ પુરાવા મેળવ્યા છે, તેના પરથી જાણવા મળ્યું હતું કે હવાલા દ્વારા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે 42 કરોડ રૂપિયાની રોકડ રકમ હોટલ બુકિંગ માટે વાપરવામાં આવી હતી. લગ્નના આ કાર્યક્રમનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બોલીવુડની હસ્તીઓને જોઈ શકાય છે. આ એપની સક્સેસ પાર્ટી પણ થઈ હોવાનું જાણવામાં આવ્યું છે. સૌરભ ચંદ્રાકર અને એપના અન્ય પ્રમોટર રવિ ઉપ્પલે મળીને સપ્ટેમ્બર 2022માં આ પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં પણ ઘણા બોલીવુડ સ્ટાર્સ અને ગાયક પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હવાલા દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. એક મોટા અભિનેતાને કરોડો રૂપિયા આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ બેટિંગ એપથી જોડાયેલી 417 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. દુબઈથી સંચાલિત આ એપ્લિકેશન દ્વારા યુઝર્સને જોડવામાં આવતા હતા અને બેનામી બેન્ક ખાતા દ્વારા યુઝર આઈડી બનાવીને મની લોન્ડરિંગ કરવામાં આવી રહ્યું હતું.
BIG Revelation by Enforcement Directorate😱
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) September 15, 2023
Tiger Shroff, Sunny Leone, Neha Kakkar & several Bollywood artists attended the wedding ceremony of Scam accused Sourabh Chandrakar in UAE.
– The central agency is probing the online betting platform and its promoters. (Contd..)… pic.twitter.com/TJ0RGhceTf
આ સટ્ટાબાજીની કમાણીને અનેક બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભારતમાં તેની જાહેરાતો અને ફ્રેન્ચાઇઝીસ આમંત્રિત કરવા પર પણ મોટી રકમ ખર્ચવામાં આવી હતી. આ કંપનીના પ્રમોટર્સ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી છે. આ એપ દ્વારા સટ્ટાબાજીના ઘણા પ્લેટફોર્મને એકસાથે જોડવામાં આવ્યા હતા. એકંદરે 5000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. બોલીવુડ સ્ટાર્સને સેવન સ્ટાર્સ હોટલમાં રોકવામાં આવ્યા હતા અને હવે આ આખા કાર્યક્રમને લઈને બોલીવુડ કલાકારો EDના રડારમાં આવી ગયા છે.