દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાનના જન્મસ્થળ મથુરામાં વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની જન્માષ્ટમીની ઉજવણી ISRO વૈજ્ઞાનિકોને સમર્પિત કરવામાં આવી છે, જેમણે મિશન ચંદ્રયાન-૩ને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ગુરૂવારે રાત્રે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે મથુરામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ જે અસ્થાયી નિવાસમાં બિરાજમાન થશે તેને ‘સોમનાથ પુષ્પ બંગલા’ નામ આપવામાં આવ્યું છે. આ નામ ISRO ચેરમેન એસ. સોમનાથના નામ પરથી આપવામાં આવ્યું છે. મિશન ચંદ્રયાનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવવા આ નામ અપાયું છે. આ ઉપરાંત, ભગવાન જે વિશેષ પોશાક ધારણ કરશે તેને ‘પ્રજ્ઞાન પ્રભાસ’ નામ આપવામાં આવ્યું છે. જે માટે બંગાળ અને દિલ્હીના કારીગરોએ દિવસો સુધી મહેનત કરી છે.
આ ઉપરાંત, ભગવાનના આસનની સામે પ્રજ્ઞાન રોવરનું એક વિશેષ આર્ટવર્ક પણ મૂકવામાં આવશે. આ સમગ્ર મહોત્સવ દેશના વિકાસ અને હિંદુ રાષ્ટ્રના સંકલ્પ સાથે મનાવવામાં આવશે.
મંદિર ટ્રસ્ટના સભ્ય ગોપેશ્વરનાથ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે. આ વિશેષ ઉપલબ્ધિ બદલ દેશના તમામ નાગરિકો વૈજ્ઞાનિકોની મહેનત, સમર્પણ અને તપસ્યાની પ્રશંસા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણના 5,250મા જન્મોત્સવ નિમિત્તે ઈસરોના વૈજ્ઞાનિકોના માનમાં એ પ્રકારની થીમ રાખવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જન્માષ્ટમી પર મંદિરના કપાટ રાત્રે 1:૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ ઉમેર્યું હતું કે, ચંદ્રયાન-૩ની સફળતાથી તમામ ભારતવાસીઓ અભિભૂત છે. સનાતન ધર્મમાં ચંદ્રમાને વિશેષ સ્થાન મળ્યું છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, સનાતન ધર્મમાં જેટલી સુંદર અને પ્રમાણિત વ્યાખ્યા ચંદ્ર અને નવ ગ્રહો વિશે કરવામાં આવી છે તેવી ક્યાંય જોવા નહીં મળે. સનાતન ધર્મની એ જ પરંપરાને ઇસરોના યશસ્વી વૈજ્ઞાનિકોએ પુનર્સ્થાપિત કરી છે.”
જન્માષ્ટમીના અવસર પર મંદિરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મથુરામાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે માટે મંદિર ટ્રસ્ટથી લઈને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારે સંકલનમાં રહીને તમામ વ્યવસ્થાઓ કરી હતી.