એક તરફ જ્યાં ભારતમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ સનાતન ધર્મને અપમાનિત કરવામાં લાગેલી છે ત્યાં બીજી તરફ વિશ્વ સનાતન તરફ વળી રહ્યું છે. અમેરિકાના કેન્ટુકીના લુઇસવિલે શહેરમાં 3 સપ્ટેમ્બરના દિવસને ‘સનાતન ધર્મ દિવસ’ ઘોષિત કરવામાં આવ્યો છે.
લુઇસવિલેમાં એક હિંદુ મંદિરમાં મહાકુંભ અભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મેયર ક્રેગ ગ્રીનબર્ગે આ બાબતની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમમાં આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર, ઋષિકેશ સ્થિત પરમાર્થનિકેતનના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરૂ ચિદાનંદ સરસ્વતી, સ્વામી ભગવતી સરસ્વતી ઉપરાંત લુઇસવિલેના મેયર, ડેપ્યુટી મેયર અને ગવર્નર ઉપસ્થિત રહ્યા.
The re-consecration – or #Mahakumbh #Abhishekam – of the #Hindu Temple of #Kentucky was made more powerful and significant by @LouisvilleMayor's proclamation of 3 September 2023 as #SanatanaDharma Day! A wonderful new chapter in the glorious saga of #Indian culture! #Spiritual pic.twitter.com/0nv0PGmM2M
— Pujya Swamiji (@PujyaSwamiji) September 5, 2023
આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી શહેરના ડેપ્યુટી મેયર બરબરા સ્મિથે અધિકારીક રીતે ‘સનાતન ધર્મ દિવસ’ માટેની ઘોષણા કરી હતી અને જાહેરમાં વટહુકમ વાંચી સંભળાવ્યો હતો.
આ કાર્યક્રમની અધ્યક્ષતા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સ્વામી ભગવતી સરસ્વતીએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી. આ કાર્યક્રમ હેઠળ મંદિરમાં સાત દિવસ સુધી પૂજા-હવન, અનુષ્ઠાન કરવામાં આવ્યાં. સમાપન વખતે સ્વામી ચિદાનંદ સરસ્વતીઈ સનાતન પરંપરાના પ્રભાવ અને મહત્ત્વ પર ભાર આપ્યો. જ્યારે શ્રીશ્રી રવિશંકરજીએ પૂજા અને તેમાં અગ્નિ, જળ, વાયુ વગેરે તત્વોના મહત્વ અંગે વાત કરી હતી.
સ્વામી ભગવતી સરસ્વતીએ હિંદુત્વના વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે જોડાણ વિશે ચર્ચા કરી અને કહ્યું કે કઈ રીતે આ તમામ એકબીજા સાથે બહુ મજબૂતીથી જોડાયેલાં છે. કાર્યક્રમ પૂર્ણ થયે શહેરના ડેપ્યુટી મેયર દ્વારા શ્રીશ્રી રવિશંકર અને ચિદાનંદ સરસ્વતીને લુઈસવિલે શહેરની માનદ નાગરિકતા પ્રદાન કરવામાં આવી હતી.
કોંગ્રેસ-DMK નેતાઓએ સનાતન વિશે કરી હતી ટિપ્પણી
બીજી તરફ ભારતમાં કોંગ્રેસ સહિતની પાર્ટીઓ સનાતનના અપમાનમાં વ્યસ્ત છે. વિવાદની શરૂઆત તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને તામિલનાડુની ડીએમકે સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના એક નિવેદનથી શરૂ થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મ ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવો છે અને જે રીતે અમુક ચીજવસ્તુઓનો માત્ર વિરોધ નહીં પરંતુ સંપૂર્ણ રીતે નાશ કરવો જરૂરી છે એ જ રીતે સનાતનનો પણ નાશ કરવો જરૂરી છે.
તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પણ સનાતન અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તે એક જાતિઓ આધારિત વિભાજિત સમાજ છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે, “જે ધર્મ સમાનતાને પ્રોત્સાહન આપતો ન હોય કે માનવતાને મહત્વ ન આપતો હોય તે રોગ જેવો જ છે.”