તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે કેટલી ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિષયને લઈને DMK અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ દેશની સંસ્કૃતિ અને સનાતનનું અપમાન છે અને જેટલું વધુ અપમાન કરશે તેટલા વિપક્ષો ઓછા થતા જશે.
ગૃહમંત્રી શાહ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ સંબોધી રહ્યા હતા, તે સમયે તેમણે આ ટિપ્પણી કરી. વિપક્ષોને લઈને તેમણે કહ્યું, “સત્તા તમને જોઈએ છે, પણ કઈ કિંમતે? બે દિવસથી તમે આ દેશની સંસ્કૃતિનું, દેશના ઇતિહાસનું, સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છો. I.N.D એલાયન્સના બે મુખ્ય પક્ષો- DMK અને કોંગ્રેસ પાર્ટી….તેના બે નેતાઓના પુત્રો, એક પૂર્વ નાણામંત્રીનો પુત્ર અને એક મુખ્યમંત્રીનો પુત્ર, તેઓ કહી રહ્યા છે, સનાતન ધર્મને સમાપ્ત કરી દેવો જોઈએ.”
#WATCH | Rajasthan | Union Home Minister Amit Shah says, "…For the last two days INDIA alliance is insulting 'Sanatana Dharma'. Leaders of DMK and Congress are talking about ending 'Sanatana Dharma' just for vote bank politics. This is not the first time they have insulted our… pic.twitter.com/7yylv3gbkV
— ANI (@ANI) September 3, 2023
આગળ કહ્યું, “આ લોકોએ વોટબેન્ક અને તુષ્ટિકરણનું રાજકારણ કરવા માટે સનાતન ધર્મને સમાપ્ત કરવાની વાત કહી છે. આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે….અને પહેલી વખત નથી કર્યું. મનમોહનસિંઘે કહ્યું હતું, બજેટ પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. અમે કહીએ છીએ, બજેટ પર પહેલો અધિકાર ગરીબોનો, આદિવાસીઓનો, દલિતો અને પછાત વર્ગનો છે.” ગૃહમંત્રીએ ઉમેર્યું કે, “આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કહે છે કે મોદીજી જીત્યા તો સનાતનનું શાસન આવશે. પરંતુ સનાતનનું શાસન તો લોકોના હૃદયમાં છે, તેને કોઈ હટાવી ન શકે.”
ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “રાહુલ બાબા કહે છે કે હિંદુ સંગઠન લશ્કર-એ-તૈયબાથી પણ ખતરનાક છે. તેઓ હિંદુ સંગઠનની આવી સરખામણી કરે છે અને તેમના ગૃહમંત્રી હિંદુ આતંકવાદની વાત કરતા હતા. તેઓ વોટબેન્કનું અને તુષ્ટિકરણનું રાજકારણ કરવા માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે.”
સનાતન ધર્મનું અપમાન કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને ભારે પડશે તેમ કહીને ગૃહમંત્રીએ ઉમેર્યું કે, તેઓ જેટલા વધુ બોલશે તેટલા જ ઓછા થતા જશે. 2014માં તેઓ હતા તેનાથી 2019માં ઘટી ગયા અને હવે સનાતનનું અપમાન કરવાનું શરૂ કર્યું છે તો 2024માં દૂરબીન લઈને જોવાથી પણ નહીં મળે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી આપતાં સનાતન ધર્મને મેલેરિયા, ડેન્ગ્યુ અને કોરોના જેવા રોગો સાથે સરખાવ્યો અને કહ્યું કે તેનો સંપૂર્ણપણે નાશ જરૂરી છે. તેમના આ નિવેદન બાદ બચાવમાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ ઉતર્યા અને સનાતન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. બંને નેતાઓનાં નિવેદનોને લઈને વિવાદ સર્જાયો છે.