કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર, 2023 સુધીના પાંચ દિવસો દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પાંચ બેઠકો કરવામાં આવશે. વિશેષ સત્રની જાહેરાતના બીજા દિવસે ‘વન નેશન, વન ઈલેક્શન’ની સંભાવનાઓ તપાસવા માટે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું. જ્યારથી સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરાઈ છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સેશન દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ માટેનું બિલ રજૂ કરવામાં આવશે. જોકે, સરકાર તરફથી આ મામલે ફોડ પાડવામાં આવ્યો નથી. આવી અટકળો વચ્ચે ઘણા લોકો જાણવા માંગતા હશે કે આ ‘વન નેશન, વન ઈલેક્શન’ શું છે? અને તેના લાભ-ગેરલાભો શું છે? શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’? આ બધા પ્રશ્નોના સરળ જવાબ મેળવીએ.
હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને દેશની લોકસભાની ચૂંટણી અલગ-અલગ સમયગાળા દરમિયાન યોજાય છે. જેમાં મતદારો અલગ-અલગ સમયગાળા દરમિયાન મત આપે છે. જ્યારે ‘વન નેશન, વન ઈલેક્શન’નો અર્થ એ કે આ બંને ચૂંટણી એકસાથે યોજવામાં આવે છે. બંનેનો સમયગાળો પણ એક જ રહે છે. એટલે કે લોકસભા અને વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે છે.
સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં વર્ષ 1952, 1957, 1962 અને વર્ષ 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી, પરંતુ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ નિયત સમય કરતાં પહેલાં ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન, વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી અને ભારતના તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાવા લાગી.
‘વન નેશન, વન ઈલેક્શન’ બિલના ફાયદાઓ
- -લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાથી જનતાના નાણાંની બચત થશે. નાણાકીય બચતની સાથે-સાથે સમયની બચત પણ થશે તેમજ ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાના કારણે વિકાસના કામોને પણ વેગ મળી શકશે. આ ઉપરાંત, વહીવટીતંત્ર અને સુરક્ષા દળો પરનો બોજ ઓછો થશે. એકસાથે ચૂંટણી યોજાવથી દેશના વહીવટીતંત્રને ચૂંટણી પ્રચારને બદલે વિકાસ સંબંધિત પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકશે. નિષ્ણાંતોનું માનવું છે કે ‘વન નેશન, વન ઇલેક્શન’થી કાળા નાણાં પર પણ અંકુશ લગાવી શકાશે. બીજી તરફ સરકારી સંસાધનોનો ઉપયોગ પણ મર્યાદિત રહેશે.
શું થઈ શકે નુકશાન?
- ‘વન નેશન, વન ઈલેક્શન’ના કારણે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધશે અથવા તો ઘટશે, જે રાજ્યોની સ્વાયત્તાને અસર કરી શકે છે. ઘણા લોકો એવું માને છે કે જો ‘વન નેશન, વન ઇલેક્શન’ હોય તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે પ્રાદેશિક મુદાઓ પ્રભાવિત થઈ શકે છે. એક સાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક પક્ષોને નુકશાન થઈ શકે છે. આવું કરવાથી મતદારો એક દિશામાં મતદાન કરે તેવી સંભાવના વધી જશે, જેનો ફાયદો કેન્દ્ર સરકારમાં પ્રભુત્વ ધરાવતા પક્ષને થઈ શકે છે. વધુમાં, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે. ત્યાં સુધી રાજકીય અસ્થિરતા સંભવી શકે છે. એકસાથે ચૂંટણી યોજવા માટે 25 લાખ EVM મશીન અને 25 લાખ VVPT મશીનો જોઈ શકે છે. જેનો ખર્ચો પણ મોટો થઈ શકે છે.
દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ લાગુ કરવાની પ્રક્રિયા
કાયદાપંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. આ કાયદાપંચના જણાવ્યા અનુસાર, ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી છે, પરંતુ તે ‘વન નેશન, વન ઇલેક્શન’ દ્વારા દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. તેથી, આ મામલે તમામ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. કયા પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પણ જરૂરી છે.
30 ઓગસ્ટ, 2018ના રોજ, જસ્ટિસ બીએસ ચૌહાણના નેતૃત્વ હેઠળના કાયદા પંચના જણાવ્યા અનુસાર, બંધારણના વર્તમાન માળખા હેઠળ દેશમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ યોજી શકાય નહીં. આ માટે બંધારણના જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં ફેરફારની જરૂર પડશે. આ સિવાય લોકસભા અને વિધાનસભાની કામગીરી માટે બનાવેલા નિયમોમાં પણ સુધારો કરવાની જરૂર પડી શકે છે.
સરકારે પાંચ બંધારણીય સુધારા કરવા જરૂરી
સરકારે લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણીઓ યોજવા માટે કલમ 83, 85, 172, 174 અને 356માં સુધારા કરવા ખૂબ જરૂરી છે.
કલમ-83 (2) : આ કલમમાં કહેવાયું છે કે લોકસભાની મુદત પાંચ વર્ષથી વધુ સમય માટે લંબાવી શકાય નહીં. જોકે, તેને વહેલી વિખેરી શકાય છે.
કલમ-85(2): આ કલમમાં હાલના ગૃહ કે સંસદને વિખેરીને સામાન્ય ચૂંટણીઓ યોજી નવી સંસદ કે ગૃહની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-172(1): આ કલમમાં રાજ્યની વિધાનસભાનો જો જલ્દી ભંગ કરવામાં ન આવે તો પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-174(2): આ કલમમાં રાજ્યપાલ પાસે કેબિનેટની સલાહથી અને સહાયથી વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર છે. જો કોઈ સીએમની ભલામણ સામે શંકા હોય તો રાજ્યપાલ પોતાની રીતે નિર્ણય લઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-356: આ કલમ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈને સંબંધિત છે. રાજ્યપાલની ભલામણ પર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.
‘વન નેશન, વન ઈલેક્શન’ની ભૂતકાળમાં થયેલી ચર્ચાઓ
ડિસેમ્બર, 2015માં કાયદાપંચ દ્વારા આ વિષય પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર આચારસંહિતાની અમલવારી ન થવાથી વિકાસકાર્યો પણ ગતિભેર આગળ વધી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એકસાથે ચૂંટણી કરવાની ભલામણ કરવામાં આવી હતી.
જૂન, 2017માં પ્રથમ વખત આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે ઔપચારિક બેઠક બોલાવી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ટ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશભરમાં દર મહિને ચૂંટણી થાય છે અને એમાં ખર્ચ પણ વધુ થાય છે. આચારસંહિતા લાગુ થવાથી અનેક વહીવટી કાર્યો અટકી પડે છે. જોકે, આ મામલે અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ 2020માં PM મોદીએ એક સંમેલનમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને ભારતની જરૂરિયાત ગણાવી હતી. હવે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સરકારે આ મુદ્દે એક સમિતિ બનાવી છે, જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિ તમામ હિતધારકોના અભિપ્રાય લીધા બાદ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે.
આ દેશોમાં લાગુ છે ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોર્મ્યુલા
દુનિયામાં ઘણા દેશો પહેલાથી જ ‘વન નેશન, વન ઈલેક્શન’ના ફોર્મુલાને પર ચાલી રહ્યા છે. આ દેશોમાં જર્મની, હંગરી, દક્ષિણ આફ્રિકા, યુકે, ઈન્ડોનેશિયા, સ્પેન, સ્લોવેનિયા, અલ્બાનિયા, પૉલેન્ડ, ફિલિપિન્સ, બ્રાઝિલ, બોલીવિયા, કોસ્ટા, કોલંબિયા, ગ્વાટેમાલા, રિકા, ગુઆના હોન્ડુરાસ અને બેલ્જિયમ જેવો દેશો સામેલ છે. આ દેશોમાં એક જ વાર ચૂંટણી કરવાની પરંપરા છે. પાછલા દિવસોમાં સ્વીડને પણ એક સાથે ચૂંટણી યોજી હતી જે બાદ સ્વીડન પણ ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોર્મ્યુલાવાળા દેશોમાં સામેલ થઈ ગયું છે.