Saturday, November 23, 2024
More
    હોમપેજદેશમિશન આદિત્ય-L1નું સફળ લૉન્ચિંગ, સ્પેસ ઓબ્ઝર્વેટરીની 'સૂર્યયાત્રા' શરૂ: 4 મહિનામાં 15 લાખ...

    મિશન આદિત્ય-L1નું સફળ લૉન્ચિંગ, સ્પેસ ઓબ્ઝર્વેટરીની ‘સૂર્યયાત્રા’ શરૂ: 4 મહિનામાં 15 લાખ કિલોમીટર કાપશે

    લૉન્ચ થયા બાદ હવે રોકેટની મદદથી સેટેલાઇટને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશઃ કક્ષાઓ વધારવામાં આવશે અને આખરે તે પૃથ્વીની કક્ષા છોડીને L1 પોઇન્ટની ફરતે આવેલા હૅલો ઓર્બિટમાં દાખલ થશે અને આખરે તેના નિયત સ્થાન પર પહોંચશે.

    - Advertisement -

    આખરે મિશન આદિત્ય-L1નાં મંડાણ થઇ ચૂક્યાં છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી આજે ઇસરોએ PSLV-C57 રોકેટની મદદથી સ્પેસ ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું અને જેની સાથે અવકાશીય સંશોધન ક્ષેત્રે એક વધુ ઉપલબ્ધિ મેળવી લીધી. આદિત્ય-L1 લૉન્ચ થયો તે ક્ષણનો આખો દેશ સાક્ષી બન્યો. 

    સવારે 11:50 કલાકે ઇસરો દ્વારા આદિત્ય-L1નું રોકેટ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. આ માટે દિવસોથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી અને શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) રાત્રે જ રોકેટને લૉન્ચપેડ પર ગોઠવી દેવાયું હતું. તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપીને આખરે લૉન્ચ કરી દેવામાં આવ્યું. બે મહિનાના સમયગાળામાં ઈસરોનું આ બીજું સફળ લૉન્ચિંગ છે.

    આદિત્ય-L1 લૉન્ચ થયા બાદ હવે રોકેટની મદદથી પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશઃ કક્ષાઓ વધારવામાં આવશે અને આખરે તે પૃથ્વીની કક્ષા છોડીને L1 પોઇન્ટની ફરતે આવેલા હૅલો ઓર્બિટમાં દાખલ થશે અને આખરે તેના નિયત સ્થાન પર પહોંચશે. આ કુલ અંતર 15 લાખ કિલોમીટર હશે, જે કાપવામાં આદિત્ય-L1ને ચાર મહિનાનો સમય લાગશે. આ યાત્રામાં પૃથ્વીની કક્ષામાંથી નીકળીને L1 પોઇન્ટ સુધી પહોંચવાનો સમય સૌથી મહત્વપૂર્ણ છે. 

    - Advertisement -

    L1 પોઇન્ટ એટલે લેન્ગ્રેજ પોઇન્ટ. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા કુલ 5 પોઇન્ટ છે, જ્યાં પૃથ્વી અને સૂર્ય બંનેનાં ગુરૂત્વાકર્ષણ બળ આકર્ષણ-પ્રતિઆકર્ષણ બળ સર્જે છે, જેના કારણે ત્યાં જે સેટેલાઇટ મૂકવામાં આવ્યો હોય તે બંનેમાંથી કોઈ તરફ આકર્ષાતો નથી અને એક જગ્યાએ રહીને કામ કરી શકે છે. આદિત્ય જ્યાં તરતો મૂકવામાં આવશે તે L1 પોઇન્ટ છે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર છે, એટલે આમ તો આ અંતર માત્ર 1 ટકા જેટલું કહેવાય, પરંતુ આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે, જેથી આટલું અંતર પણ પૂરતું છે. અહીં ઉલ્લેખનીય છે કે ન તો આદિત્ય-L1 સૂર્ય પર લેન્ડ થશે કે ન નજીક જશે.

    આદિત્ય-L1 એવી જગ્યાએ તરતો મૂકવામાં આવશે જેનાથી તે 365 દિવસ સૂર્ય પર નજર રાખી શકશે. તે સૂર્યના તાપમાનથી માંડીને તેની પૃથ્વી પર થતી અને થનારી અસરોનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા પૃથ્વી સુધી મોકલશે, જે અનેક રીતે ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, તે સૂર્યના બહારના વાતાવરણનો પણ અભ્યાસ કરશે. સૂર્યના અભ્યાસ માટે ઈસરોનું આ પ્રથમ મિશન છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં