ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડને લઈને એક નવા સમાચાર સામે સામે આવ્યા છે. કન્હૈયાલાલ હત્યાકાંડના એક આરોપી ફરહાદ મોહમ્મદને NIA કોર્ટે જામીન આપ્યા છે. 1 સપ્ટેમ્બર, 2023ના રોજ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની વિશેષ અદાલતે કન્હૈયાલાલ હત્યા કેસના એક આરોપી ફરહાદ મોહમ્મદને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
અહેવાલોના જણાવ્યા અનુસાર 1 સપ્ટેમ્બર 2023 અને શુક્રવારના રોજ NIA કોર્ટે કન્હૈયાલાલ હત્યાકાંડના એક આરોપી ફરહાદ મોહમ્મદની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. NIAએ કન્હૈયાલાલ હત્યાકાંડમાં 2 પાકિસ્તાની નાગરિકો સહિત 11 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફરહાદ મોહમ્મદ આ 9 આરોપીઓમાંથી એક છે. ઉદયપુરમાં કન્હૈયાલ હત્યાકાંડ પહેલા ‘સર તન સે જુદા’ જેવા ઈસ્લામિક નારા લગાવવા અને ઘરમાંથી તલવાર મળવાના કારણે ફરહાદની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
NIA વિશેષ કોર્ટે મંજૂર કર્યા જામીન
આરોપીના વકીલ અખિલ ચૌધરીએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે, તલવાર આરોપીના કબજામાંથી મળી નથી, પરંતુ આરોપીના સંયુક્ત પરિવારના કબજા હેઠળની જગ્યામાંથી મળી આવી છે. વધુમાં જણાવ્યું કે, તેની સામે અન્ય કોઈ કેસ નોંધાયા નથી અને એવો પણ દાવો કર્યો કે તલવાર તે વેચવા માટે લાવ્યો હતો. સામે પક્ષે NIA તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરે જામીનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આરોપી પાસેથી એક હથિયાર મળી આવ્યું છે અને તે નૂપુર શર્મા વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં પણ જોડાયો હતો અને સાથે ‘સર તન સે જુદા’ના ભડકાઉ નારા પણ લગાવ્યા હતા.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જજ રવીન્દ્ર કુમારે ફરહાદ મોહમ્મદના શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આરોપીએ દરેક સુનાવણી દરમિયાન હાજર રહેવું પડશે તેમજ સરનામું બદલવાના કિસ્સામાં 7 દિવસની અંદર જાણ કરવી પડશે અને કેસના અંતિમ નિર્ણય સુધી દેશ છોડી જઈ શકશે નહીં. કોર્ટે એમ પણ નોંધ્યું કે, પ્રોસિક્યૂશને હત્યામાં તલવારનો શું ઉપયોગ થયો તે જણાવ્યું નથી અને જામીન અરજી મંજૂર કરવા યોગ્ય છે.
28 જૂન, 2022ના રોજ કન્હૈયાલાલની હત્યા થઇ હતી
28 જૂન 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની છરાના ઉપરાછાપરી ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ નામના બે હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી. કન્હૈયાલાલે કથિત રીતે ફેસબુક ઉપર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી, જેના કારણે કટ્ટરપંથી ઇસ્લામી હત્યારાઓએ તેમને નિશાન બનાવ્યા હતા. મામલાની ગંભીરતા સમજીને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી હતી અને ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.