સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવનાર સ્પેસ ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1 પ્રક્ષેપિત થવાને હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે. ઈસરો દ્વારા હાલ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સંસ્થાના ચેરમેન એસ સોમનાથ આજે આંધ્રપ્રદેશના એક મંદિરે પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા હતા.
ઈસરો ચેરમેન એસ સોમનાથ શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં આવેલા ચાંગલમ્મા પરમેશ્વરી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી અને મિશન આદિત્ય-L1 સફળ થાય તે માટે પ્રાર્થના કરી હતી. અહીં તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી.
#WATCH | ISRO chief S Somanath says "Today the countdown of Aditya L1 is starting and it will launch tomorrow around 11.50 am. Aditya L1 satellite is for studying our Sun. It will take another 125 days to reach the L1 point. This is a very important launch. We have not yet… pic.twitter.com/zdZn0g8LI0
— ANI (@ANI) September 1, 2023
ઇસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, “આદિત્ય- L1 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને આવતીકાલે પ્રક્ષેપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવી રહ્યો છે. લૉન્ચ થયા બાદ L1 પોઇન્ટ સુધી પહોંચવા માટે તેને 125 દિવસ લાગશે. આ મહત્વપૂર્ણ લૉન્ચિંગ સફળ થાય તે માટે હું અહીં મંદિરે પ્રાર્થના કરવા માટે આવ્યો હતો.” ચંદ્રયાન મિશન વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું કે, બધું જ સામાન્ય પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યું છે અને પ્રજ્ઞાન પણ ચંદ્રમા પર ફરી રહ્યું છે. હજુ 3 સપ્ટેમ્બર સુધી તે સક્રિય રહેશે.”
મિશનના લૉન્ચિંગ પહેલાં કાયમ ઈશ્વરના આશીર્વાદ લેતા રહ્યા છે ISRO વૈજ્ઞાનિકો
ઉલ્લેખનીય છે કે ઈસરોના કોઈ પણ અગત્યના પ્રોજેક્ટ પહેલાં વૈજ્ઞાનિકો ભગવાનના આશીર્વાદ અચૂક લે છે. ચંદ્રયાન-3 મિશનના લૉન્ચિંગ પહેલાં પણ વૈજ્ઞાનિકો નાનકડું મોડેલ લઈને તિરૂપતિ મંદિરે પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. આ મિશન પૂર્ણ થયા બાદ ઈસરો ચેરમેન એસ સોમનાથે પણ ભગવાનના આશીર્વાદ લીધા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, અધ્યાત્મ અને વિજ્ઞાન એ તેમના જીવનના અગત્યના ભાગ છે અને બહારની દુનિયાને સમજવા માટે તેઓ વિજ્ઞાનનો સહારો લે છે જ્યારે મનની શુદ્ધિ માટે મંદિરે આવે છે.
મિશન આદિત્ય-L1ની વાત કરવામાં આવે તો આ મિશન સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. પહેલી વખત છે કે ભારત આ પ્રકારની કોઈ સ્પેસ ઓબ્ઝર્વેટરી લૉન્ચ કરશે. તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે રહીને સૂર્યના તાપમાન અને તેનાથી પૃથ્વી પર થતી અસરોનો અભ્યાસ કરશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કુલ પાંચ પોઇન્ટ એવા છે, જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ-અપાકર્ષણ બળ સર્જે છે, જેને લેંગરેન્જ પોઇન્ટ કહેવાય છે. આદિત્ય પહેલા પોઇન્ટ પર જશે, જેથી તેની સાથે L-1 લાગે છે.
શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) આદિત્ય-L1 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવશે. અહીંથી જ ચંદ્રયાન પણ લૉન્ચ થયું હતું.