Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બહારની દુનિયા માટે વિજ્ઞાન, આત્મા માટે મંદિર…’: મિશન ચંદ્રયાનની સફળતા બાદ મા...

    ‘બહારની દુનિયા માટે વિજ્ઞાન, આત્મા માટે મંદિર…’: મિશન ચંદ્રયાનની સફળતા બાદ મા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યા ISRO ચેરમેન, કહ્યું- વિજ્ઞાન અને આધ્યાત્મ બંને મારા જીવનના ભાગ

    હું ઘણાં મંદિરોમાં જતો રહું છું. ધર્મગ્રંથો વાંચું છું અને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ અને યાત્રા અને તેના અર્થ વિશે વધુને વધુ જાણવાના પ્રયાસો કરતો રહું છું- ઈસરો પ્રમુખ

    - Advertisement -

    મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો ચેરમેન એસ સોમનાથ કાયમ ચર્ચામાં રહ્યા છે. રવિવારે (27 ઓગસ્ટ, 2023) તેઓ કેરળ પહોંચ્યા હતા. અહીં તેમણે તિરૂવનંતપુરમમાં ભદ્રકાળી મંદિરમાં પૂજા-અર્ચના કરી. અહીં તેમણે મીડિયા સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. 

    ઈસરો ચેરમેન એસ. સોમનાથે ભદ્રકાળી મંદિરમાં દર્શન પૂર્ણ કર્યા બાદ બહાર આવીને ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરી. તેમણે થોડી જાણકારી મિશન ચંદ્રયાન વિશે આપી તો સાથે આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વિશે પણ થોડી વાતો કરી. તેમણે કહ્યું કે, વિજ્ઞાન અને અધ્યાત્મ બંને તેમના જીવનનો ભાગ છે. 

    ઈસરો પ્રમુખે કહ્યું, “હું ચંદ્રમાના વિષયમાં પણ સંધોશનો કરું છું અને સાથે આંતરિક બાબતોનો પણ અભ્યાસ કરતો રહું છું. વિજ્ઞાન અને અધ્યાત્મ, બંનેમાં ડૂબકી લગાવવી એ મારી જીવનયાત્રાનો એક ભાગ રહ્યો છે. હું ઘણાં મંદિરોમાં જતો રહું છું. ધર્મગ્રંથો વાંચું છું અને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ અને યાત્રા અને તેના અર્થ વિશે વધુને વધુ જાણવાના પ્રયાસો કરતો રહું છું.” આગળ તેમણે કહ્યું, “આપણી આંતરિક બાબતો તેમજ બહારની દુનિયા વિશે જાણતા રહેવું એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એટલે બહારની દુનિયાને સમજવા હું વિજ્ઞાનની મદદ લઉં છું અને આત્મા વિશે જાણવા માટે મંદિરોમાં આવું છું.”

    - Advertisement -

    ચંદ્રયાન વિશે તેમણે જણાવ્યું કે, બધું જ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. ચંદ્રયાન-3, લેન્ડર અને રોવર- તમામ સામાન્ય છે. આશા છે કે 3 સપ્ટેમ્બરને હજુ 10 દિવસનો સમય છે ત્યાં સુધીમાં અમે તમામ પ્રયોગો પૂર્ણ કરી લઈશું. રોવરે ખનીજને લગતા પ્રયોગો કરવાના છે, જેથી તે વધુને વધુ સ્થળોએ ફરે એ જરૂરી છે. જેથી તે ફરીને તમામ પ્રયોગો કરશે અને ડેટા એકઠો કરશે સાથે તસ્વીરો પણ લેશે. તેમણે ઉમેર્યું કે, આપણી પાસે ચંદ્રના સૌથી નજીકના ફોટોગ્રાફ્સ છે, જે દુનિયામાં કોઈની પાસે નથી. જોકે, તેમણે કહ્યું કે, પહેલાં આ તસ્વીરો ઈસરોના ડેટા સેન્ટર પાસે જશે અને જેના આધારે વૈજ્ઞાનિકો પરીક્ષણ કરશે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ચંદ્રયાનના લેન્ડરે ચંદ્રમા પર જે સ્થળે ઉતરાણ કર્યું તેનું નામ ‘શિવશક્તિ’ આપવાની ઘોષણા કરી હતી. જ્યારે ચંદ્રયાન-2નાં પદચિહ્ન જ્યાં પડ્યાં હતાં તેનું નામ ‘તિરંગા’ આપવામાં આવ્યું છે. જેને લઈને ઈસરો ચેરમેને કહ્યું કે, “શિવશક્તિ નામથી તેમણે પુરૂષ અને મહિલાના સંયોજનવાળું નામ આપ્યું છે અને તે એકદમ યોગ્ય જ છે, કશું ખોટું નથી. ચંદ્રયાન-2ના પોઇન્ટને તિરંગા નામ આપવામાં આવ્યું છે. બંને ભારતીયપણું દર્શાવતાં નામો છે અને દેશના વડાપ્રધાન તરીકે તેમને આ અધિકાર છે જ, એ તેમની ઉપર છોડી દેવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે એસ સોમનાથ હાલ ઈસરોના વડા છે. તેમના વડપણ હેઠળ જ ભારતને ચંદ્રયાન-3 મિશનમાં સફળતા મળી અને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં