મિશન ચંદ્રયાનની ભવ્ય અને ઐતિહાસિક સફળતા મળ્યા બાદ હવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા સૂર્ય મિશનની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે સ્પેસ-બેઝ્ડ ઓબ્ઝર્વેટરી લૉન્ચ કરવામાં આવશે. જેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ મિશનને નામ અપાયું છે- આદિત્ય-L1.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
— ISRO (@isro) August 28, 2023
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
ઈસરો આગામી 2 સપ્ટેમ્બર, 2023ના રોજ આ મિશન લૉન્ચ કરશે. PSLV-C57 રોકેટ મારફતે આદિત્ય-L1 પ્રક્ષેપિત કરવામાં આવશે. આ માટેનો સમય સવારે 11:50 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ રોકેટ પણ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી જ છોડવામાં આવશે, જ્યાંથી ચંદ્રયાન-3નું પણ સફળ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઇસરોએ જણાવ્યું હતું કે, આ લૉન્ચિંગ જોવા માટે પણ નાગરિકો આવી શકશે. ઉપરાંત, તેનું જીવંત પ્રસારણ પણ થશે.
આદિત્ય-L1ની સમગ્ર યાત્રા 15 લાખ કિલોમીટરની હશે, જે ચંદ્રના પૃથ્વીની અંતર કરતાં ચાર ગણું વધારે છે. આદિત્ય યાત્રાની શરૂઆત લોઅર અર્થ ઓર્બિટથી કરશે. ત્યારબાદ તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રથી બહાર નીકળી જશે. આ યાત્રા થોડી લાંબી રહેશે. ત્યારબાદ તે હૅલો ઓર્બિટમાં જશે, જ્યાં L1 પોઇન્ટ હોય છે. આ યાત્રામાં 127 દિવસ લાગશે.
આ મિશન સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવી રહ્યો છે. આદિત્ય- L1 સ્પેસ ઓબ્ઝર્વેટરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા Lagrange Point-1 પાસે રાખવામાં આવશે. Lagrangian પોઇન્ટ એટલે અંતરિક્ષનું એવું સ્થાન જ્યાં બે બોડી સિસ્ટમ (અહીં સૂર્ય અને પૃથ્વી)નાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ અને પ્રતિઆકર્ષણનું ક્ષેત્ર સર્જે છે. આ સ્થાન એવું હોય છે જ્યાં અંતરિક્ષ યાન છોડી શકાય અને ઇંધણની પણ બચત કરી શકાય છે.
સૂર્યયાન Lagrangian પોઈન્ટ-1 (L1)ની આસપાસ હેલો ઓર્બિટની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે ત્યાંથી દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ અને ગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકાય છે.
સ્પેસ મિશન ચલાવવા માટે સ્પેસના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન આ હવામાન સમજવામાં પણ મદદ કરી શકે છે. આ મિશન દ્વારા સૌર હવાઓનો અભ્યાસ પણ કરવામાં આવશે.
મિશન આદિત્ય- L1 વિશે અહીંથી વિગતવાર વાંચી શકશો.