મિશન ચંદ્રયાન આખરે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યો છે અને વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરી ચૂક્યું છે. બુધવારે (23 ઓગસ્ટ, 2023) કરોડો દેશવાસીઓની પ્રાર્થના વચ્ચે સાંજે બરાબર 6 વાગ્યાને 4 મિનિટે લેન્ડરે ચંદ્ર પર ડગ માંડ્યા અને તેની સાથે અંતરિક્ષ ક્ષેત્રે ભારતે એક નવો ઇતિહાસ રચ્યો. દક્ષિણ ધ્રુવ પર જનારો ભારત પહેલો દેશ બન્યો છે.
લેન્ડરનું સફળ ઉતરાણ એ મિશનનો એક મહત્વનો ભાગ હતો, જેમાં સફળતા મેળવી લેવામાં આવી છે, પરંતુ આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ચંદ્ર પર પરીક્ષણ કરીને ડેટા એકઠો કરવો. આ કામ કરશે લેન્ડર અને તેમાં રહેલું રોવર- પ્રજ્ઞાન. આ પ્રજ્ઞાન રોવર અત્યાર સુધી લેન્ડરની અંદર રાખવામાં આવ્યું છે, જે હવે બહાર નીકળીને પરીક્ષણ માટે કામ શરૂ કરશે.
ચંદ્ર પર ઉડેલી ધૂળ ઠરી જાય ત્યાં સુધી રાહ જોવી પડશે
જોકે, લેન્ડિંગની તરત બાદ લેન્ડર-રોવર કામ શરૂ કરશે નહીં. એનું કારણ એ છે કે લેન્ડિંગ વખતે ચંદ્રની સપાટી પર ટેલ્કમ પાઉડર જેવી ધૂળ ઉડી હશે. જે લેન્ડરના કેમેરા પર પણ જામી ગઈ હશે. જેથી આ ધૂળ ફરીથી ઠરી ન જાય ત્યાં સુધી રાહ જોવી પડશે. વધુમાં ચંદ્ર પર પૃથ્વીના છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ હોય છે, જેથી સમય વધુ લાગશે.
એક વખત ધૂળ ઠરી જાય ત્યારબાદ વિક્રમ લેન્ડરમાં રાખવામાં આવેલ પ્રજ્ઞાન રોવર બહાર આવશે. 6 વ્હીલ ધરાવતું રોવર એક રોબોટિક વાહન છે, જેમાં પેલોડ્સ અને અન્ય સાધનો ગોઠવવામાં આવેલ હોય છે. 26 કિલો વજન ધરાવતા આ વાહનની આવરદા 14 દિવસ (એટલે ચંદ્રનો એક દિવસ) જેટલી હોય છે. તે પોતાનાં અત્યાધુનિક સાધનોની મદદથી ચંદ્ર પરથી માહિતી એકઠી કરશે.
લેન્ડર ખરું કામ કરશે, રોવર ફરીને માહિતી લાવી આપશે
ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ ખરું કામ લેન્ડર જ કરશે, પરંતુ તેની મર્યાદા એ છે કે તે એક જગ્યાએ સ્થિર જ રહે છે અને હલનચલન કરી શકતું નથી. આ માટે જરૂર પડે છે રોવરની. આ રોવરમાં વ્હીલ હોવાથી તે ચંદ્ર પર ફરી શકશે. તે જ્યાં-જ્યાંથી પસાર થશે ત્યાંથી ડેટા એકઠો કરશે અને તેને લેન્ડર સુધી પાસ કરશે. રોવર સીધું પૃથ્વી સાથે વાત કરી શકતું નથી, તે માહિતી લેન્ડરને મોકલે છે અને લેન્ડર પૃથ્વી સુધી પહોંચાડે છે. આ માહિતીમાં વાતાવરણ, પાણી, ખનીજને લગતી માહિતી, ઘનતા, તાપમાન વગેરેને લગતી જાણકારીઓ હશે. આ માટે લેન્ડર પર ત્રણ પેલોડ લગાવવામાં આવ્યાં છે.
રોવર ચંદ્ર પર કેટલું અંતર આવરી લેશે તે કહેવું અત્યારે કઠિન છે. આ બાબત તેના માર્ગમાં કેટલી અડચણો આવે છે અને કેટલી સરળતા રહે છે તેની ઉપર આધાર રાખે છે. પરંતુ આ રોવરની ઝડપ પણ નિયંત્રિત કરી શકાશે, જેથી તે અસરકારક રીતે કામ કરી શકે.
14 દિવસ સુધી ટકવાનો અંદાજ, પણ બધો આધાર પરિસ્થિતિ પર
લેન્ડર-રોવરની જોડી ચંદ્રના એક દિવસ (પૃથ્વીના 14) દિવસ સુધી કામ કરશે. ચંદ્ર પર 14 દિવસ માટે અજવાળું હોય છે અને 14 દિવસ માટે અંધારું. લેન્ડર અને રોવર સૌરઉર્જાથી સંચાલિત થનારાં સાધનો છે, એ જ કારણ છે કે ચંદ્ર પર જ્યારે સૂર્યોદય થયો (23 ઓગસ્ટે) ત્યારે સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ બંને સૂર્યપ્રકાશથી પોતાની બેટરીઓ ચાર્જ કરીને કામ ચલાવે છે. પરંતુ જરૂરી નથી કે બંનેની આવરદા માત્ર 14 દિવસ જેટલી જ હશે. જ્યારે 14 દિવસ બાદ ચંદ્ર પર રાત પડશે ત્યારે તાપમાન -150 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જશે. જો આ પરિસ્થિતિમાં બંને ટકી રહ્યાં તો જ્યારે ફરી સૂર્ય ઉગે ત્યારે ફરી સક્રિય થઇ શકે છે. જોકે, આ મિશન માટે 14 દિવસ પૂરતા છે, જેથી રાત્રિના સમયે આટલા નીચા તાપમાનમાં ટકી જ રહેવું જરૂરી નથી.