બિહારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુઝફ્ફરપુરની એક હોટેલમાં અચાનક ગોળીબાર થતાં લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. બદમાશોએ 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સીસીટીવીમાં કેદ થયેલી તસ્વીરોના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
#WATCH | Miscreants open fire at a restaurant in Bihar's Muzaffarpur
— ANI (@ANI) August 20, 2023
(CCTV Visuals) pic.twitter.com/8VF9dOB5iv
મળતી માહિતી અનુસાર, મુઝફ્ફરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેવા રોડ પર એસ.આર. ગ્રાન્ડ રેસ્ટોરન્ટ ખાતે અંદાજે 4 બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે સમયે હોટેલમાં અંદાજે 25 જેટલા લોકો હાજર હતા. અચાનક ગોળીબાર થવાથી લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો અને જીવ બચાવવા માટે ઘણા ટેબલ નીચે સંતાઈ ગયા હતા. જ્યારે અમુક ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, કોઈ જાનહાનિ થઇ ન હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી
ઘટના એવી બની હતી કે, બે બાઈક પર ચાર યુવકોમાંથી એક કાઉન્ટર પર આવે છે અને ત્યાં બેઠેલા સંચાલક પ્રિન્સ ઠાકુરના નાના ભાઈ પ્રિયાંશુને પૂછે છે કે પ્રિન્સ હાજર છે કે નહીં. જેની ઉપર સંચાલક જણાવે છે કે પ્રિન્સ હોટેલમાં નથી. ત્યારબાદ યુવક તેને નીચે લઇ જાય છે. પરંતુ અધવચ્ચેથી જ પ્રિયાંશુને સાથે આવતા યુવકના ઈરાદા પર શંકા જતાં તે ફરી હોટેલ તરફ ભાગે છે, આ દરમિયાન બે આરોપીઓએ પિસ્તોલ કાઢીને ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે હોટેલમાં અફરાતરફી મચી ગઈ હતી.
ગોળીબારના કારણે હોટેલમાં એક મહિલા ગ્રાહકને હાથમાં સ્પર્શીને ગોળી નીકળી ગઈ હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય કેટલાક લોકોને કાચ વાગવાથી ઇજા પહોંચી હતી. જેમની પણ સારવાર ચાલી રહી છે.
સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની ટીમે ગુનો નોંધીને સીસીટીવી કેમેરા ફૂટેજને આધારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંદાજે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસનું અનુમાન છે. રેસ્ટોરેન્ટ માલિકને ડરાવવા-ધમકાવવા માટે ફાયરિંગ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. મુઝફ્ફરપુર શહેરના એસપી અરવિંદ પ્રતાપસિંહ પણ આ ઘટનાની તપાસમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, કોઈ ચોક્કસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને ગોળીબાર કરવામાં આવ્યો ન હતો. કેમેરામાં કેદ થયેલા લોકો સિવાય અન્યોની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. આ સિવાય રેસ્ટોરન્ટના માલિકની પણ પૂછપરછ ચાલી રહી છે.