Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતરાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર મહિપાલસિંહ વાળાનો જન્મદિવસ અને બારમું સ્વતંત્રતા...

    રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર મહિપાલસિંહ વાળાનો જન્મદિવસ અને બારમું સ્વતંત્રતા દિવસે જ આવ્યું!: દીકરીનું મોઢું જુવે તે પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વહોરી હતી વીરગતિ

    દેશ આજે સ્વતંત્રતાના 77માં મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાત સહીત આખા દેશમાં આજે તિરંગા ફરકી રહ્યા છે, તો બીજી તરફ દસ દિવસ પહેલા આ જ તિરંગામાં લપેટાઈને ઘરે આવેલા ભારતીય સેનાના વીર જવાન મહિપાલસિંહ વાળાનો આજે જન્મ દિવસ છે.

    - Advertisement -

    દેશ આજે સ્વતંત્રતાના 77માં મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાત સહિત આખા દેશમાં આજે તિરંગા ફરકી રહ્યા છે, તો બીજી તરફ દસ દિવસ પહેલા આ જ તિરંગામાં લપેટાઈને ઘરે આવેલા ભારતીય સેનાના વીર જવાન મહિપાલસિંહ વાળાનો આજે જન્મદિવસ છે. વર્ષ 1996માં આજના જ દિવસે મહિપાલસિંહ વાળાનો જન્મ થયો હતો. દેશના સ્વતંત્રતા દિવસના દિવસે જ જન્મેલા મહિપાલસિંહ વાળા ગત 4 ઓગસ્ટ 2023ના રોજ કાશ્મીરના કુલગામ ક્ષેત્રના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં માત્ર 27 વર્ષની વયે વીરગતિ પામ્યા હતા. આજે એક તરફ દેશે 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી, બીજી તરફ વીર મહિપાલસિંહ વાળાનો જન્મદિન અને બારમું એક સાથે આવતા તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

    આ દુઃખના અવસરે ઑપઇન્ડિયાની ટીમ પણ મહિપાલસિંહ વાળાના પરિવારને સાત્વના આપવા પહોંચી હતી. આ દરમિયાન તેમના મોટા ભાઈ યુવરાજસિંહ વાળાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “આજે મહિપાલસિંહ વાળાનો જન્મદિન અને બારમું બંને એક સાથે છે. આમ તો પરિસ્થિતિ સામાન્ય છે, પણ જે ખોટ પડી છે તે ક્યારેય ન પુરાય તેવી છે. માત્ર અમારા પરિવાર કે સમાજ જ નહીં પણ આખા દેશને ગર્વ થાય તેમ તેમણે (મહિપાલ સિંહે) વીરગતિ વહોરી છે, પણ સાથે એટલું જ મોટું દુખ પણ છે.”

    માતા અને પત્ની વિશે પૂછતાં યુવરાજસિંહે જણાવ્યું કે, “જે માએ તેનો દીકરો ખોયો હોય તેના દુઃખનો અંદાજો આપણે કેમ લગાવીએ? પણ તે છતાં હમણાં પરિસ્થિતિ સામાન્ય છે. તેમના ઘરના (વર્ષબા) અને દીકરીબા પણ સ્વસ્થ છે. હમણાં જ બારમાની વિધિ પતાવીને કુટુંબીજનો દેવ દર્શને ગયા છે. બસ બીજું તો શું કહું..” પરિવારને સવાલો કરી વધુ દુઃખી ન કરતા અમે આ વાતચીતને અહીં જ પૂર્ણ કરી હતી.

    - Advertisement -

    મહિપાલસિંહ વીરગતી પામ્યાના છઠ્ઠા દિવસે તેમના ત્યાં દીકરીનો જન્મ

    ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે મહિપાલસિંહ વાળાએ જયારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું ત્યારે માત્ર તેમના 22 વર્ષીય ધર્મપત્ની વર્ષાબા 9 મહિનાના ગર્ભવતી હતા. મહિપાલસિંહના પંચ મહાભૂતોમાં વિલીન થયા ના છઠ્ઠા દિવસે એટલે કે ગત શુક્રવારે તેમના ત્યાં દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદ મહિપાલસિંહના પત્નીએ પતિના વસ્ત્રોને સ્પર્શ કરીને દીકરીને હાથમાં લીધી હતી. વીરવરની દીકરીને પરિવારે વીરલબા નામ આપ્યું છે.

    મહિપાલસિંહ વાળા ઈચ્છતા હતા કે તેમનું સંતાન પણ તેમની જેમ જ દેશ સેવા માટે ભારતીય સેનામાં જોડાય. ત્યારે તેમની પત્નીએ પણ દીકરીના જન્મ બાદ કહ્યું હતું કે “વીરલની ઈચ્છા હશે તો અમે તેને પણ ભારતીય સેનામાં મોકલીશું.”

    છેલ્લે સુધી વીરના પત્ની હતા અજાણ

    મહિપાલસિંહ વાળા જયારે વીરગતિ પામ્યા ત્યારે તેમના પત્ની ગર્ભવતી હતા અને તેમના અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર ન પડે તે માટે પરિવારે તેમને છેક સુધી મહિપાલસિંહના વીરગતિ પામ્યા હોવાના સમાચારની જાણ કરી ન હતી. જ્યારે પરિવારને મહિપાલસિંહની વીરગતિ વિશે જાણ થઇ ત્યારે જ તેમણે વીરવરનાં પત્નીને નજીકના દવાખાનામાં દાખલ કરી દીધાં હતાં. તેમની પ્રસૂતિનો સમય નજીક હોવાના કારણે ડોક્ટરે તેમને દાખલ થવા જણાવ્યું હતું.

    મહિપાલસિંહ વીરગતિ પામ્યા હોવાના સમાચાર બાદ જ્યાં સુધી તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને ન લાવવામાં આવે ત્યાં સુધી તેમના ધર્મપત્નીને આ વિશે જાણ ન થવા દેવી અને તેમની સંભાળ રાખવી પરિવાર માટે પડકારજનક રહ્યું હતું. બીજી તરફ, મહિપાલસિંહનાં માતાને પણ આખી ઘટનાથી અજાણ રાખવામાં આવ્યાં હતાં.

    મહિપાલસિંહને અંતિમ વિદાય આપવા હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા

    મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને જયારે વિરાટનગર ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો ત્યારે વિરાટનગરથી માંડીને કેનાલ સુધીના આખા રસ્તે જનમેદની વીર જવાનનાં અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડી હતી. આટલું જ નહીં, આસપાસની ઇમારતોનાં ધાબાં પર પણ હજારો લોકોએ ઉભા રહી પુષ્પોની વર્ષા કરી વિરાંજલી આપર્ણ કરી. સમગ્ર યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં, સૌ કોઈની આંખમાં આંસુ હતાં, સતત વીર જવાન માટે નારા લાગી રહ્યા હતા.

    અંતિમ યાત્રા બાદ લીલાનગર સ્મશાન ગૃહ ખાતે પાર્થિવ દેહને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ભારતીય સેના દ્વારા તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યા બાદ પરિવાર દ્વારા હિંદુ રીતિરિવાજ મુજબ મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જ્યાં સુધી મહિપાલસિંહ વાળા પંચમહાભૂતમાં વિલીન ન થયા ત્યાં સુધી આખા વિસ્તારમાં લોકો દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘મહિપાલસિંહ વાળા અમર રહો’ના જયઘોષ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં